વીર નર્મદ યુનિવર્સિટીનો 49મો યુવા મહોત્સ ઉજવાઈ રહ્યો છે. જેમાં 20 સ્પર્ધાનું આયોજન છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે. જોકે, સ્પર્ધકોને રહેવા-જમવા સહિતની સુવિધા દેખાડ પૂરતી છે. ભાસ્કરે તપાસ કરી તો વિદ્યાર્થીઓને જોખમી બિલ્ડીંગમાં રોકાણ અપાયું છે. કડકડતી ઠંડીમાં ઓઢવા માટે માત્ર એક ચાદર આપીને તંત્રએ હાથ ઊંચા કર્યા છે. વિદ્યાર્થીઓ ખુલીને બોલતા ગભરાઇ રહ્યા છે. જોકે, નામ ન આપવાની શરતે ઘણા વિદ્યાર્થીઓએ બેજવાબદાર તંત્ર અને અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
સ્ટાફે કહ્યું, ઓઢવું હોય તો ગોદળું લો!
હોસ્ટેલના સ્ટાફે કહ્યું કે, ઠંડી લાગે તો બીજું ગોદળું લઈ લો. અન્ય કોઈ વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અન્ય ગોદળાં એટલા ગંદા છે કે વધુ મેળવવાનું અશક્ય છે.
ખખડધજ હોસ્ટેલમાં સફાઈનો પણ અભાવ
યુવા મહોત્સવમાં ભાગ લેવા નવસારી, ડાંગ, આહવા, વાપી, વલસાડ તથા ભરૂચથી વિદ્યાર્થીઓ આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલમાં તો બાદમાં આવેલા વિદ્યાર્થીઓને એક વર્ષ પહેલાં જર્જરિત જાહેર કરીને ખાલી કરાવાયેલી હોસ્ટેલમાં રહેવા મોકલી અપાયા છે. જ્યાં પુરતી સફાઇ પણ થતી નથી ત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
500 વિદ્યાર્થિનીની સુરક્ષા માટે માત્ર 2 મહિલા ગાર્ડ
વિદ્યાર્થિનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં રખાઈ છે, પરંતુ સૂવા માટે અલગથી કોઈ વ્યવસ્થા નથી. બીજી તરફ મોડી રાત સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 500 વિદ્યાર્થિનીઓ, અનેક મહિલા પ્રોફેસરો-કર્મચારીઓ છે, પરંતુ સુરક્ષા માટે માત્ર બે મહિલા ગાર્ડને તૈનાત કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.