આંદોલન:પોલીસના વિરોધમાં આજે કોલેજોને તાળાબંધી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા મુદ્દે વિદ્યાર્થીઓને પોલીસે માર્યા તે યોગ્ય નથી: કુલપતિ
  • આ ઘટનાની તપાસ માટે કમિટી બનાવી છે: પોલીસ કમિશનર

વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના મામલે બુધવારે કુલપતિએ પોલીસ કમિશનર સાથે બેઠક કરી હતી. જ્યારે બીજીતરફ એબીવીપીએ કહ્યું કે, કમિશનરે અમારી માંગ પુરી કરી ન હોવાથી શહેરની તમામ કોલેજોમાં ગુરૂવારે તાળાબંધી કરાશે. બેઠકમાં કુલપતિ ડો. કે. એન. ચાવડાએ કમિશનર અજય તોમરને કહ્યું કે, પોલીસ મંજૂરી વિના યુનિવર્સિટીમાં આવી તેનો વાંધો નથી, પરંતુ વિદ્યાર્થી જેવા અમારા દિકરાઓ પર હાથ ઉપાડ્યો તે યોગ્ય ન હતું.

જેથી પોલીસ કમિશનર અજય તોમરે એવું કહ્યું હતું કે, આ ઘટના મામલે અમે તપાસ કમિટી બનાવી છે, કુલપતિ ચાવડાએ પોલીસ તપાસમાં સહકાર આપવા જણાવી કહ્યું કે,વિદ્યાર્થીઓ પણ અમારા દિકરા છે અને પોલીસ પણ અમારા દિકરા છે, પરિવારમાં બે ભાઇઓ ઝઘડીને રાત્રે એક સાથે જ જમે છે. એબીવીપીના અધ્યક્ષ ઇશાન મટ્ટુએ કહ્યું કે, કમિશનરે અમારી માંગ પૂર્ણ કરી નથી. જેથી ગુરૂવારે શહેરની કોલેજોમાં તાળાબંધી કરાશે. માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

છેડતીની ઘટનામાં પોલીસ કાર્યવાહી કરતી નથી
એબીવીપીની વિદ્યાર્થિનીઓએ ઉમરા પોલીસ મથકે બુધવારે ફરી વિરોધ કર્યો હતો. પોલીસને આવેદન આપી કહ્યું કે, અમે ભયના માહોલમાં જીવી રહ્યા છે, હોસ્ટેલની બહાર ઘણી વખત અમારી છેડતી થાય છે પણ પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી. બે વખત તો હોસ્ટેલ બહાર વિદ્યાર્થિની પર ચાકુથી ઘા કરવામાં આવ્યા હતા. એ સમયે એફઆઇઆર દાખલ કરી ન હતી.

અન્ય સમાચારો પણ છે...