લોકોમાં રોષ:સુરતના ઉધનામાં કબ્રસ્તાનની જગ્યા ફાળવવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર, માગ પૂરી નહી થાય તો શબને રોડ પર જ મૂકી દેવાની ચીમકી

સુરત5 મહિનો પહેલા
  • 2017થી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કબ્રસ્તાન માટે જમીન ફાળવવામાં આવી નથી

સુરતમાં વોર્ડ નંબર 30માં ઉધના વિસ્તારમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં કબ્રસ્તાન ન હોવાથી તેઓને દફનાવવા માટે દુર સુધી જવું પડે છે અને ત્યાં ખર્ચા પણ ખુબ જ વધી જાય છે. જેથી ઉધના ઝોનના મુસ્લિમ સમાજને ધ્યાને રાખી 30 દિવસમાં કબ્રસ્તાનની જગ્યા ફાળવવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. જો 30 દિવસમાં માગ પૂરી નહી થાય તો શબને રોડ પર જ મૂકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કબ્રસ્તાનની પણ કરવાની જોગવાઈ
ઉધના વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી ખુબ મોટા પ્રમાણમાં છે. છેલ્લા ઘણા સમયથી અહી કબ્રસ્તાનની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ ટીપી અધિકારી પાસે અરજી આવી હતી. અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે હાલ અમારી પાસે કોઈ જગ્યા નથી. જયારે જગ્યા આવશે ત્યારે અમે હરાજી કરીશું. તમે ખરીદી કરી ત્યાં કબ્રસ્તાન બનાવી દેજો. પરંતુ 40 ટકા જમીન માલિકો પાસેથી લેવામાં આવે છે. તેમાં સ્કૂલ ગાર્ડન, હોસ્પિટલ, રમત ગમતના મેદાનની સાથે મુસ્લિમ સમાજના વિસ્તારમાં કબ્રસ્તાનની પણ કરવાની જોગવાઈ છે.

વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં
ડો. અહેશાન અંસારીએ જણાવ્યું કે ઉધના અને ભેસ્તાન વિસ્તારની અંદર કબ્રસ્તાન ન હોવાને કારણે નવસારી સુધી દફનવિધિ કરવા માટે જવાની ફરજ પડી રહી છે. મધ્યમ અને ગરીબ વ્યક્તિને આ ખર્ચ પોષાય તેમ નથી કારણકે નવસારીમાં જ દફનવિધિ કરવા માટે જાય તો વ્યક્તિને દસ હજાર જેટલો ખર્ચો થાય છે જે પોસાય તેમ નથી. જે પ્રકારે ટીપી વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા માટેની બાંહેધરી આપવામાં આવતી હોય છે તે મુજબ મુસ્લિમ વિસ્તારમાં કબ્રસ્તાન પણ બનાવવાની તેમની ફરજ છે. છતાં પણ અધિકારીઓને 2017થી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કબ્રસ્તાન માટે જમીન ફાળવવામાં આવી નથી.

ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ધર્મેન્દ્ર વાવલિયાએ જણાવ્યું કે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે માગણી કરી છે. જો 30 દિવસમાં અમારી માંગ પૂર્ણ નહી થાય તો આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો તેના શબને અમે રોડ પર જ મૂકી દેશું પછી તંત્રને જ્યાં દફનાવવા હોય ત્યાં દફનાવે. 30 દિવસ પછી અમે લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરીશું. કોર્પોરેશન જ્યારે 40 ટકા જેટલી જમીન લઈ લેતી હોય છે જ્યારે સ્થાનિક લોકોનો એની સુવિધા મુજબનો કબ્રસ્તાન ન મળે તો અધિકારીઓની કામગીરી ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્નાર્થ ઊભો થાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના સ્વજનોની અંતિમક્રિયા માટે પણ ભારે હાલાકી થઈ રહી છે છતાં સુરત કોર્પોરેશન સમયસર યોગ્ય નિર્ણય લઈને કાર્યવાહી કરી રહી નથી.