સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમાર દર્દીને ચાર રેસિડેન્ટ તબીબ ટ્રોમા સેન્ટરમાં છોડીને મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન કરી આખી હોસ્પિટલ માથે ઉપાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બધા વચ્ચે દર્દી ટ્રોમા સેન્ટરમાં દોઢ કલાક સુધી તરફડતું રહ્યું હતું. તમામ સ્ટાફની સામે માનસિક વિભાગના ચારેય રેસિડેન્ટ તબીબો તૂતૂ-મેમે પર આવી ગયા હોવાનું મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણે જણાવ્યું છે. ઉધનાથી માનસિક બીમાર વૃદ્ધની સારવારને લઈ ઉભા થયેલા બખેડા બાદ આ દર્દી માનસિક બીમાર નથી એને સર્જરી કે મેડિસીનમાં દાખલ કરવાની જીદ પકડી માનસિક વિભાગના રેસિડેન્ટ તબીબોએ મેડિકલ ઓફિસર સાથે ઝઘડો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ચારેય રેસિડેન્ટ તબીબો સામે સુપ્રીટેન્ડન્ટ અને ડીનને કાયદેસરની ફરિયાદ કરીશ એવું CMO તેજશ ચૌહાણે જણાવ્યું છે.
દર્દીને માનસિક વિભાગમાં રીફર કરી રેસિડેન્ટ તબીબને જાણ કરી હતી
ડો. તેજશ ચૌહાણ (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે હું નાઈટ ડ્યૂટીમાં હતો. એક 52 વર્ષના વૃદ્ધ રાજુભાઇ મહારુભાઈ ઢોલે નામના દર્દીને પરિવાર લઈને આવ્યું હતું. ઘરમાં ધમાલ અને ગાળો દેતા હોવાની ફરિયાદ સાથે દર્દીને સિવિલના ટ્રોમા સેન્ટરમાં લવાયું હતું. દર્દીની પ્રાથમિક તપાસમાં તે માનસિક બીમાર હોવાનું લાગતું હતું. મેં તાત્કાલિક દર્દીને માનસિક વિભાગમાં રીફર કરી રેસિડેન્ટ તબીબને જાણ કરી હતી. ત્યારબાદ માનસિક વિભાગના રેસિડેન્ટ તબીબો ટ્રોમા સેન્ટરમાં આવી દર્દી અમારા વિભાગનું નથી મેડિસીન કે સર્જરીમાં દાખલ કરો એમ કહી ચાલી ગયા હતા.
દોઢ કલાક સુધી દર્દી ટ્રોમા સેન્ટરમાં સારવાર વગર તફડતું રહ્યું
વધુમા જણાવ્યું હતું કે લગભગ દોઢ કલાક સુધી દર્દી ટ્રોમા સેન્ટરમાં સારવાર વગર તફડતું રહ્યું એટલે મે નિયમ મુજબ એને માનસિક વિભાગમાં દાખલ કરી ઇન્ડોર કેસ પેપર સાથે દર્દીને વોર્ડમાં મોકલી આપ્યું હતું. બસ એની થોડી જ મિનિટોમાં ચાર રેસિડેન્ટ તબીબ દર્દીને લઈ ટ્રોમા સેન્ટરમાં આવ્યા હતા અને કહેવા લાગ્યા અમારુ દર્દી નથી, ઇમરજન્સી નહી જોઈએ, દર્દીને કઈ પણ થાય તો અમારી જવાબદારી નથી એમ કહી દર્દીને છોડી ચાલી ગયા હતા. એટલું જ નહીં પણ મારી સાથે ગેરવર્તન કરી જોર જોરમાં બૂમાબૂમ કરી દેતા સિક્યુરિટી પણ દોડી આવી હતી.
મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવાય
વધુમાં જણાવ્યું હતું કે મે આ બાબતે RMOથી લઈ તમામ સિનિયર CMOને જાણ કરી ત્યારબાદ દર્દીને મેડિસીનમાં દાખલ કરી દીધો હતો. હું આજે આ બાબતે લેખિતમાં ફરિયાદ કરીશ, પરિપત્ર મુજબ એક દર્દીને દોઢ કલાક બાદ દાખલ કરવાની સત્તા હોવા છતાં રેસિડેન્ટ તબીબ દાખલ બાદ મેડિકલ ઓફિસર સાથે આવું વર્તન કરે એ નહીં ચલાવી લેવાય.
ડોક્ટર મેડિસીન વિભાગનું હોય એમ લાગે છે કહીં જતા રહ્યા
વૃદ્ધ દર્દીના પુત્ર મહેશે જણાવ્યું હતું કે, ગુરુવારની સવારે મેડિસીન વિભાગે મારા પિતાને રજા આપી દીધી છે. મારા પિતાની તબિયત સારી નથી એ હોસ્પિટલને મંદિર કહી રહ્યા છે. બસ આ જોઈ એક માનવતાવાદી વ્યક્તિ અમને ફરી ટ્રોમા સેન્ટરમાં લઇ આવ્યા અને માનસિક વિભાગના મોટા ડોક્ટરને ફોન કરી ટ્રોમા સેન્ટરમાં બોલાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મારા પિતાની પ્રાથમિક તપાસ કરી એક લીવરનો રિપોર્ટ કઢાવી લો પછી રિપોર્ટ નેગેટિવ આવશે તો હું દાખલ કરીશ, આ પેશન્ટ હાલ મેડિસીન વિભાગનું હોય એમ લાગે છે કહીં જતા રહ્યા છે.
લીવરનો રિપોર્ટ ન કઢાવ્યો એજ રિપોર્ટ જરૂરી
ડો.કમલેશ દવે (એપી, માનસિક વિભાગ) એ જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં દર્દીના વર્તનથી એ માનસિક લાગતું હોય છે. પણ એને મેડિસીન વિભાગની સારવારની જરૂર હોય છે. આ દર્દીને રાત્રે મેડિસીન વિભાગના તબીબોએ દાખલ કરી તમામ રિપોર્ટ કઢાવ્યા પણ લીવરનો રિપોર્ટ ન કઢાવ્યો એજ રિપોર્ટ જરૂરી છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો હું મારા વોર્ડમાં દાખલ કરી દેવાનું કેસ પેપર પર લખીને જ આવ્યો છું. રાત્રે મારા રેસિડેન્ટ તબીબે કોઈ ભૂલ કરી નથી. દર્દીના હિતમાં જ નિર્ણય લીધો હતો.
મેડિસીન વિભાગે રાત્રે દાખલ કરી સવારે રજા આપી દીધી એ દુઃખદ વાત
એક મેડિકલ ઓફિસરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, રાજુભાઇનો લીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે એમ ન કહી શકાય કે એમને પહેલા મેડિસીન વિભાગમાં દાખલ કરવા જોઈએ. હા માનસિક અસ્થિરતા દેખાય રહી છે એટલે દર્દીના જીવને ધ્યાનમાં રાખી એને માનસિક વિભાગમાં દાખલ કરવા જરૂરી છે. જોકે મેડિસીન વિભાગે રાત્રે દાખલ કરી સવારે રજા આપી દીધી એ દુઃખદ વાત છે. મેડિસિન વિભાગે રજા આપવા પહેલા લીવરનો રિપોર્ટ કઢાવવો જરૂરી હતો છતાં ન કઢાવી રજા આપી દર્દીને હેરાન કર્યા એવું ન કરવું જોઈએ. હાલ દર્દીને માનસિક વિભાગમાં દાખલ કરવામાં આવે છે. અહીંયા વિભાગીય ઝઘડો આંખ સામે સ્પષ્ટ થાય છે. એ બાબતે ચોક્કસ બન્ને વિભાગના તબીબો સામે કડક પગલાં ભરાવવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.