મોટી જાહેરાત:તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ, આદિવાસીઓની લાગણીને માન આપી મુખ્યમંત્રીએ કરી જાહેરાત

સુરતએક મહિનો પહેલા
  • આદિવાસી સમાજમાં પ્રોજેક્ટ પ્રત્યે ગેરસમજ ઉભી કરવામાં આવી-મુખ્યમંત્રી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકિય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતી તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આદિવાસી સમાજની લાગણીને માન આપી આ પ્રોજેક્ટ પડતો મુકાયો હોવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના સર્કિટ હાઉસ ખાતે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સરકારની યોજના હતી. રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવાની હોય છે.પરંતુ રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી. તેમ છતાં આદિવાસી સમાજમાં ગેરસમજ ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. જેથી કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકમાં આ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારે મંજૂરી આપી નહોતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી સમાજ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આદિવાસી સમાજ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે.

સરકાર આદિવાસી સમાજની સાથે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદિવાસી માટે રાજ્યસરકાર દ્વારા ચાલતી યોજનાઓનો રેફરન્સ આપ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, અમે અનેક યોજનાઓ આદિવાસીઓ માટે ચલાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા સર્વે કરીને તૈયાર કરાયો હતો.પરંતુ રાજ્ય સરકાર લોકોની સાથે હતી. લોકોમાં ગેરસમજ ઉભી થઈ હતી. જેથી મંજૂરી તો અપાઈ જ નહોતી. પરંતુ તેમ છતાં આદિવાસી સમાજની લાગણીને માન આપીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી યોજનાને રદ્દ કરવામાં આવે છે.

અગાઉ 28 માર્ચે પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત કરાયેલી
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો 28 માર્ચે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇ પણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. તથા પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી.

પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવતાં અભિવાદન સમારોહ યોજાયો હતો
પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવતાં અભિવાદન સમારોહ યોજાયો હતો

કેન્દ્રીય પ્રધાનોને પણ રજૂઆત થઈ હતી
ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો હતો.

PM મોદીને પ્રોજેક્ટના વિરોધમાં પોસ્ટકાર્ડ લખાયેલા
તાપીના સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા સંમેલન યોજીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજની આ રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રોજેક્ટ રદ્દ કરવા મામલે તેઓ આકરા પાણીએ જણાયા હતા. શ્વેતપત્રની માંગ કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આ મામલે PM મોદીને 1111 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સમય સંજોગોને જોતા પ્રોજેક્ટ રદ્દ કરાયો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સમય સંજોગોને જોતા પ્રોજેક્ટ રદ્દ કરાયો છે.

402 કિમી લાંબો પ્રોજેક્ટ હતો
402 કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લિંક દ્વારા વાર્ષિક 1350 મિલિયન ઘનમીટર વધારાના પાણી નર્મદા યોજનાના કમાન્ડ વિસ્તાર સુધી વહન કરવાનું આયોજન હતુ.દમણગંગા-પિંજલ લિંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક 577 મિલિયન ઘનમીટર વધારાનું પાણી પીવાના હેતુસર પૂરું પાડવાનું આયોજન હતુ. પાર તાપી- નર્મદા લિંક કેનાલના આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓના સ્રાવક્ષેત્રમાં કુલ સાત જળાશયોનાં બાંધકામનો સમાવેશ થતો હતો. દમણગંગા-પિંજલ લિંકના આયોજનમાં દમણગંગા નદીના સ્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ કરવાનું આયોજન હતું.

અન્ય સમાચારો પણ છે...