તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Clumsy Administration Of A School In Khapatia Village Of Songadh, 2 Class Rooms 2 And Washroom 13 For 26 Students In A Primary School

વિકાસ બેફામ:સોનગઢના ખપાટિયા ગામની શાળાનો અણઘડ વહીવટ, પ્રાથમિક શાળામાં 26 વિદ્યાર્થી માટે 2 જ ક્લાસ રૂમ 2 અને વોશરૂમ 13

સુરત10 દિવસ પહેલાલેખક: જયેશ નાયક
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અહીં ખપાટિયા ગામની વર્ગશાળામાં હાલ માત્ર બે જ ઓરડા છે, જ્યારે આ ઓરડાની સામે જ નવા 10 વોશરૂમ ચણી દીધા છે. શાળામાં અગાઉ થી જ શાળામાં ૩ વોશરૂમ હતા જ અને એમાં 10નો ઉમેરો થતાં હવે અહીં 26 બાળકો માટે 13 વોશરૂમની વિશેષ સવલત અપાઈ છે.

સોનગઢ તાલુકાના મલંગદેવ પંથકમાં આવેલ ખપાટિયા ગામ સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ છે. ગામમાં તાપી જીલ્લા પંચાયત સંચાલિત વર્ગશાળા આવેલ છે એમાં 26 બાળકો ભણે છે. હાલ શાળામાં ધોરણ 1થી 5ના બાળકોને બે ઓરડામાં મિક્ષમાં બેસાડવા પડે છે. શાળામાં વધુ ઓરડાની જરૂરિયાત છે. આ અંગે અવારનવાર રજુઆત થઈ છે. જોકે શાળામાં ઓરડાની જરૂરિયાત ધ્યાને લેવાના બદલે સરકારી તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરી નવા દસ જેટલા વોશરૂમ બનાવી ભણતર કરતાં ચણતરને વધુ મહત્ત્વ આપ્યું હોય તેવું લાગે છે.

ઓરડા વધારવાની જરૂરિયાત છે ત્યારે વોશરૂમ ઠોકી દેવાયા
હાલ શાળામાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. અહી શાળામાં માત્ર બે જ ઓરડાની વ્યવસ્થા છે. ધોરણ 1 અને 2 પ્રથમ ઓરડામાં જ્યારે ધોરણ 3, 4 અને 5નું ભણતર બીજા ઓરડામાં ચાલી રહ્યું છે.શાળામાં ઓરડાની ઘટના કારણે વાલીઓ અહીં શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલવાના બદલે આસપાસના ગામોમાં મોકલી રહ્યા છે.શાળાના જ્યારે ઓરડાની તાતી જરૂરિયાત છે ત્યારે બિનજરૂરી વોશરૂમ ઠઠાડી દેવાયા છે.

શાળામાં દર બે વિદ્યાર્થી વચ્ચે એક વોશરૂમ
હાલ ખપાટિયા ગામની શાળામાં માત્ર 26 બાળકો અભ્યાસ કરી રહ્યા છે જ્યારે શાળામાં કુલ 13 વોશરૂમ ઉભેલા જોવા મળી રહ્યા છે.આમ સરકારી તંત્રે શાળામાં ભણતા દર બે વિધાર્થી વચ્ચે એક વોશરૂમ બનાવી દઈ અંતરિયાળ ગામડાઓના વિસ્તારોમાં થતા વિકાસ કામો કેવા થાય છે એનું ઉદાહરણ રજૂ કર્યું છે એમ કહેવાય તો ખોટું નથી.

અન્ય સમાચારો પણ છે...