તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરઉનાળે ઓવરફ્લો:તાપી નદીમાંથી 'ગંદકી' દૂર કરવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, સુરતનો કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

સુરત3 મહિનો પહેલા
કોઝવે ઓવરફ્લો થતા ચોમાસા જેવો
  • પીવાના પાણીમાં દુર્ગંધ આવતા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું

સુરત શહેરમાં 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના અડાજણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મનપા કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે સુરતનો રાંદેર અને કતારગામનો જોડતો કોઝવે ઓવરફ્લો થઈ જતા બંધ કરવામાં આવ્યો છે. ઉકાઇ ડેમમાંથી કોઝવેમાં નવા પાણીની આવક થતાં પાણીનું શુદ્ધિકરણ પણ થયું હતું

રાંદેર-સિંગણપોરનો વાહન વ્યવહાર ખોરવાયો
ગઈકાલ સાંજથી ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા આજે અંદાજે દસ વાગ્યા સુધીમાં કોઝવે ઓવરફ્લો થયો હતો. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જ કોઝવે ઓવરફ્લો થતો હોય છે પરંતુ વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે જ તાત્કાલિક અસરથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. રાંદેરથી કતારગામના સિંગણપોર ચાર રસ્તા તરફ જવા માટે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર આ કોઝવે મારફતે થતો હોય છે. એકાએક ઓવરફલો થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે પાણીથી છલકાઇ ગયો.
17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે પાણીથી છલકાઇ ગયો.

પાણી છોડાતા કાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા હતા
તારીખ 6 મેના દિવસે વહીવટી તંત્ર દ્વારા ઉકાઇ ડેમમાંથી પાડી છોડવાનો નિર્ણય કરાયો હતો. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી કાંઠાના ગામોને એલર્ટ પણ કરી દેવાયા હતા. જેથી કરીને નાના બંધ અવર જવર કરતા લોકોને જાનમાલનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સુરત સિંચાઈ વર્તુળ દ્વારા સુરત અને તાપી જિલ્લાના મામલતદારોને આ અંગે માહિતી આપવામાં આવી હતી.

કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાતા લોકોને પરત ફરવું પડ્યું.
કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાતા લોકોને પરત ફરવું પડ્યું.

કાકરાપાર ડેમ ભરઉનાળે પહેલીવાર છલકાયો
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ ભરઉનાળે પહેલીવાર છલકાયો છે. પાણીની આવકથી તાપી નદીનું સૌંદર્ય ખીલી ઉઠતા લોકો જોવા ઉમટ્યા હતા. કાકરાપાર ડેમની ઉંચાઈ 160 ફૂટ છે પરંતુ હાલમાં 161.80 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે.