ભાસ્કર બ્રેકિંગ:સ્મીમેર ICUનાં બંધ AC બે માસમાં 4 ગણા બાળકોને ભરખી ગયાં, ચાલુ હતાં ત્યારે 4, બંધ રહેતા 15નાં મોત

સુરત5 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
બાળકોને ઇન્ફેક્શન-ગરમીથી ફંગસ, બેક્ટેરિયાના હુમલાની શક્યતા: નિષ્ણાત - Divya Bhaskar
બાળકોને ઇન્ફેક્શન-ગરમીથી ફંગસ, બેક્ટેરિયાના હુમલાની શક્યતા: નિષ્ણાત
  • ICUનો પ્રાથમિક નિયમ છે કે તેમાં ચોક્કસ તાપમાન જળવાઈ રહે, તેની સામે સ્મીમેરના બાળકોના ICUમાં બે મહિના સુધી એસી બંધ રહ્યા, ભાસ્કરે એસી બંધ થયા પછીના બે મહિના અને બંધ થયા પહેલાના બે મહિનાના મોતના આંકડાઓની તુલના કરતા ચોંકાવનારું તથ્ય સામે આવ્યું
  • ઘણા બાળકોના માતા-પિતાએ વારંવાર ફરિયાદ કરી છતાં છેલ્લા 2 મહિના તમામ AC બંધ જ રહ્યાં

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નવજાત બાળકોના ICUમાં તમામ AC બંધ રહેતાં છેલ્લા 2 માસમાં જ 15 બાળકોનાં મોત થયા છે. એસી જ્યારે ચાલુ હતા ત્યારે બે મહિનામાં 4 બાળકોના મોત થયા હતા. હોસ્પિટલના ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હોવાથી એસી રિપેર થયાં ન હોવાની લાચારી વ્યક્ત કરનાર તંત્રને ખુદ નર્સિંગ સ્ટાફે ગઇ 25 મેના રોજ એસીનું કુલિંગ આવતું ન હોવાની પહેલી ફરિયાદ કરી હતી. જોકે વિભાગે AC રિપેર કરાવ્યાં ન હતાં. ખુદ નિષ્ણાંત તબીબો માની રહ્યાં છે કે PICUમાં AC અને નિયત તાપમાન જાળવી રાખવું જરૂરી છે.

‘ઈન્ડિયન પીડિયાટ્રિક્સ’ના આઇસીયુ અંગેના નિયમો સાથે જો તુલના કરવામાં આવે તો સ્મીમેરનો આઇસીયુ વિભાગ એક જનરલ વોર્ડથી પણ બદતર છે. નિયમ મુજબ 80થી વધુ સાધનો હોવા ફરજિયાત છે, જેની સામે સ્મીમેરમાં સાધનો તો ઠીક એસીનાં જ ઠેકાણા નથી. તંત્રને 25 મેએ કરેલી ફરિયાદ 25 જુલાઇ સુધી નિકાલ ન થતાં દિવ્ય ભાસ્કરે રજૂ કરેલા અહેવાલને પગલે તાત્કાલીક હંગામી વ્યવસ્થા કરી AC ચાલુ કરાયા છે.

ભાસ્કરની ટીમે AC બંધ હોવાના 62 દિવસના ગાળામાં થયેલા મોતની તુલના AC ચાલુ હોવાના 26 એપ્રિલથી 59 દિવસના ગાળાથી તુલના કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં AC બંધ હતા ત્યારે 15 બાળકો જ્યારે AC કાર્યરત હતા ત્યારે 4 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. એકસ્પર્ટના મતે AC બંધ હોવાથી માંદગી અને ઓછી ઇમ્યુનિટી ધરાવતા બાળ દર્દીઓને ઇન્ફેક્શનના ચાન્સ રહે છે. પાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્યએ તપાસની માંગ કરી છે.

AC બંધ... હતા ત્યારના 2 મહિનામાં થયેલા મોત
AC બંધ દરમ્યાન તા. 25 મેથી 25 જુલાઇ સુધીમાં 15 બાળકોના અવસાન પર શંકા
દર્દીઅવસાન
1. શાહિદ અનવર અંસારી23 જુલાઇ
2. વીકી ક્રિષ્ના ખરવર15 જુલાઇ
3. ભારતી વનરાજ મકવાણા25 જુલાઇ
4. જૈનબ ફાતેમા સોએબખાન29 જુન
5. ગણેશ પાલવી22 જુન
6. ધર્મેશ જયંતિભાઇ ધાનાણી25 જુન
7. કાર્તિક કિશન વસાવા15 જુન
8. ચંદન પપ્પુ યાદવ14 જુન
9. રાહત અનસાર શેખ25 જુન
10. મુસ્કાન અહમદ પટેલ20 જુલાઇ
11. હિના ગેહલોત25 મે
12. જસ્મિન અવિનાશ મોર્ય10 જુન
13. દેવેન્દ્ર પ્રજાપતિ31 મે
14. રોશન યાદવ2 જુન
15. કાર્તિક અભિષેક2 જુન
AC ચાલુ... હતા ત્યારના 2 મહિનામાં થયેલા મોત
AV કાર્યરત હતું તે દરમ્યાન 26 માર્ચથી 24 જુન સુધીમાં 4 બાળકોના અવસાન
દર્દીઅવસાન
1. વિરાટ ચુડાસમા25 માર્ચ
2. શૌર્યા મુકેશ પાટીલ25 એપ્રિલ
3. આનંદી રાઠોડ10 મે
4. જ્હોન આસીફ શેખ24 મે

મૃત્યુ પામેલા બાળકોના પરિજનો શું કહે છે?
આખીરાત બૂમો પાડી અંતે મોત
10 જૂને અવસાન પામેલી જસ્મીનના પિતા અવિનાશ મોર્યએ કહ્યું કે, દીકરી આખી રાત પીડાથી બૂમો પાડતી રહી પણ તબીબો આવતા ન હતાં. ગરમી અસહ્ય હતી. એસી વિનાનું ICU માત્ર નામનું જ લાગતું હતું.

અસહ્ય ગરમી લાગતાં મોત થયું
15 જુલાઇએ મૃત જાહેર કરાયેલા વિકી ખરવરના પિતા ક્રિષ્નાએ કહ્યું કે, PICUમાં પત્નીને ફોન કરી ખબર પુછતા હતાં ત્યારે તે ખુબ ગરમી લાગતી હોવાનું જણાવતી હતી. આ અંગે નર્સને ફરિયાદ પણ કરી હતી.

શું છે આઇસીયુના નિયમો
6 મહિનાથી PICUમાં ફ્યુમિગેશન થયું નથી, અન્ય સુવિધાનો અભાવ તેમજ જરૂરી દવાનો પણ સ્ટોક નથી

  • નિયમ પ્રમાણે PICUને બેક્ટેરિયા મુક્ત રાખવું અાવશ્યક છે. બાળ દર્દીઓને અન્ય દર્દીઓનું ઇન્ફેક્શન લાગી શકે તેમ હોવાથી 7થી 15 દિવસમાં સમગ્ર PICUનું ફ્યુમીગેશન કરવું પડે છે. જોકે સ્મીમેરના PICUનું 6 મહિનાથી ફ્યુમિગેશન થયું ન હોવાનું ફરજ પર હાજર નર્સે જણાવ્યું હતું.
  • નિયમ પ્રમાણે PICU નજીકમાં જ ઇમરજન્સી યુનિટ, ઓપરેશન થિયેટર, લેબોરેટરી અને રેડિયોલોજી વિભાગ હોવા જોઇએ. જોકે સ્મીમેરમાં આ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.
  • PICUમાં 10 બાળ દર્દી હોવા છતાં 1 જ નર્સ છે. જ્યારે અહીં 4 નર્સની જરૂર છે. બેડ નજીક ઇન્ટર કોમ સુવિધા પણ નથી.
  • PICUમાં કોઇ પણ ફરીને જતું રહે છે ત્યાં સુરક્ષા કર્મીઓની નજર રહેતી નથી. આ સાથે જ ડાયગ્નોસ્ટિક સાધનોમાં પોર્ટેબલ ઇજીજી, અલ્ટ્રાસાઉન્ડ, હેલી ઓક્સ હીટીંગ-કુલિંગ ધાબળો અને સ્તન પંપ જેવી સુવિધા નથી. એસાયક્લોવીર, એમિઓડેરોન, એટ્રાક્યુરિયમ, કેપ્ટ્રોપિલ, ડેસ્મોપ્રેસિન અને ડાયઝેપામ જેવી અત્યંત જરૂરી દવા પણ ન હોવાનું નર્સે જણાવ્યું હતું.

એક્સપર્ટ કૂલિંગ કંટ્રોલ ન થાય તો ઇન્ફેક્શનનું જોખમ
PICUમાં નિયત AC ટેમ્પરેચર કંટ્રોલ ન થવાના લીધે બાળ દર્દીઓમાં ઇન્ફેક્શનના જોખમનું પ્રમાણ ખુબ વધી જાય છે. ફંગસ અને ગ્રામ બેક્ટેરિયાના હુમલાની ભીતિ રહે છે. બોડીનું હાઇડ્રેશન સ્તર બગડી શકે છે. ICUમાં તૈનાત સ્ટાફને ગરમીના લીધે પરસેવો થાય ત્યારે પણ ચેપ લાગી છે. વેન્ટિલેટર ગરમીના લીધે બગડી શકે છે. તેના સર્કિટ બોર્ડમાં પણ ભેજ સાથે પાણી ઉપસવાની સંભાવના રહેલી છે. નિયત કૂલિંગ ટેમ્પરેચરથી રિકવરીની સાથે ઇજા પણ ઝડપથી સારી થાય છે. > ડો. આકાશ પંડિત, સિનિયર કન્સલ્ટન્સી હેડ, નિયોનાટોલોજી વિભાગ, મેંદાતા(લખનઉ)

જવાબદાર : સાયન્ટિફિક સ્ટડી કરીને તપાસ કરાશે
PICUમાં AC ટેક્નિકલ ખામીના લીધે બંધ હતું. આ દરમ્યાન બાળકોના અવસાન જુદી-જુદી માંદગી અને રિઝનથી થયા છે. જોકે AC બંધ હોવાના ગાળા અને અગાઉના 60 દિવસના ગાળાની તુલના કરવી તે આટલી ગંભીર વાત સામે ખુબ નાનો સ્ટડી પિરિયડ કહેવાય, છતાં આ અંગે સાયન્ટિફિક સ્ટડી કરી ચોક્કસ ગાળામાં બાળકોના અવસાન વધ્યા હોવાના ઉઠેલા મુદ્દે તપાસ કરાશે. > ડો. વંદના દેસાઇ, ઇ. સુપ્રિટેન્ડન્ટ, સ્મીમેર

અન્ય સમાચારો પણ છે...