માવઠાની આગાહી:સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો, બારડોલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ, હજુ બે દિવસ માવઠાની શક્યતાથી ખેડૂતો ચિંતિત

સુરત13 દિવસ પહેલા
  • પલસાણા તાલુકામાં તેમજ બારડોલીના આસપાસના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. વરસાદી હળવા ઝાપટાં પણ આવી શકે છે. એજ મુજબ આજે વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પલસાણા તાલુકામાં તેમજ બારડોલીના આસપાસના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. બારડોલીમાં 2થી 4 વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. તાપમાનનો પારો નીચે ગગડ્યો છે પરંતુ બફારો લોકોએ અનુભવ્યો હતો. બપોરના સમયે ઉનાળાની માફક બફારો થતો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતા હવામાન વિભાગની આગાહી સાચી પડે તેવી શક્યતાઓ હતી. બપોરના સમયે સુરત જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. હજી પણ બે દિવસ સુધી આ જ પ્રકારે કમોસમી વરસાદ ગામડાંઓમાં અને શહેરમાં જોવા મળે તેવી શક્યતા છે.

20 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી
દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. નલિયા 10.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ચાર દિવસ 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ રાજ્યમાં 18થી 20 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં માવઠાની આગાહીને પગલે શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે.

આ વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી
હવામાન ખાતાએ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, તા.18ના રોજ ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તા.19ના રોજ દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ તા.20ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સમયે પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી શકે છે.