તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Classes Of Std 6 To 8 Start From Today In Surat Schools, 90% Students Present, Students Said: 'Missed School So Much, Got Bored With Online Education'

ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતની સ્કૂલોમાં આજથી ધો-6થી 8ના વર્ગો શરૂ, 90 ટકા વિદ્યાર્થીઓ હાજર, વિદ્યાર્થીઓએ કહ્યું: 'શાળાને ખૂબ જ મિસ કરી, ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયા હતા'

સુરત17 દિવસ પહેલા
શિક્ષણ વિભાગ દ્વારા આજથી ધો-6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે
  • શાળાઓમાં માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી
  • સ્કૂલોના એક વર્ગમાં માત્ર 25 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા

કોરોના સંક્રમણ કાળ બાદ શિક્ષણ વિભાગ દ્વારા આજથી ધો-6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. 100 ટકા વાલીઓએ સંમતિપત્ર શાળામાં આપ્યા હતા. એક બેન્ચ પર એક વિદ્યાર્થીઓ અને બેસાડીને શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. સુરત શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજે 90 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એક વર્ગમાં 25 જેટલા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને શાળા તરફથી સ્કૂલમાં આવવા માટે મેસેજ મોકલ્યા હતા, તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં દેખાયા હતા.

પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
છેલ્લા એક-દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ શાળામાં આવી શક્યા ન હોવાને કારણે પોતાના મિત્રને શાળાના શિક્ષકોને ખૂબ મિસ કરતા હતા. ઓફલાઇન એજ્યુકેશન ઝડપથી શરૂ થાય તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા હતા. આજે પહેલા દિવસે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.

શાળાઓમાં માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી
શાળાઓમાં માસ્ક અને સેનિટાઈઝર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી

આજે શાળામાં આવવાનું સારું લાગ્યું છે
વિદ્યાર્થી શ્યામ સવાણીએ જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી અમે ઈચ્છી રહ્યા હતા કે, શાળા ઝડપથી શરૂ થઇ જાય, કારણ કે, ઘરે બેસીને અભ્યાસ કરવો એ ખુબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને સાથે સાથે શાળાના અમારા મિત્રોને મળવા માટે ઉત્સુક હતા. ટિફિન શેરિંગ કરવાનો અમને ખૂબ જ યાદ આવતું હતું અને પરીક્ષાની તૈયારી વખતે એકબીજાના ઘરે જવાનું પણ અમે ખૂબ મિસ કરતા હતા. જોકે, હજી પણ કેટલાક સૂચનો છે, છતાં પણ આજે શાળામાં આવવાનું સારું લાગ્યું છે અને ઓફલાઇન એજ્યુકેશન લેવાનું પણ અમને ગમી રહ્યું છે.

વિદ્યાર્થી શ્યામ સવાણી
વિદ્યાર્થી શ્યામ સવાણી

હવે મોબાઈલ હાથમાં લેવાનું મન થતું નથી
વિદ્યાર્થિની હિરલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન એજ્યુકેશનથી ખૂબ જ કંટાળી ગઈ હતી. રોજ ત્રણ કલાક સુધી મોબાઈલ પર શિક્ષણ કરવું એ ખૂબ જ કપરું હતું માથાનો દુખાવો, આંખનો દુખાવો તેમજ અન્ય ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી હતી. શરૂઆતમાં તો ઓનલાઇન એજ્યુકેશનની વાત સાંભળીને ખૂબ જ એક્સાઇટમેન્ટ થયું અને ખુબ મજા આવતી હતી પરંતુ બે મહિના બાદ ઓનલાઇન એજ્યુકેશન એક પ્રકારનો માથાનો દુખાવો બની ગયો હતો. અન્ય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો એટલે ફરજિયાત ઓનલાઈન એજ્યુકેશન લેવું પડતું હતું પરંતુ હવે મોબાઈલથી ચીડ ચડે છે અને મોબાઈલ હાથમાં લેવાનું મન થતું નથી.

વિદ્યાર્થિની હિરલ જરીવાલા
વિદ્યાર્થિની હિરલ જરીવાલા

મિત્રોને મળીને પણ ખુશી થઇ છે
વાલીઓને એવું હોય છે કે, બાળકોને ઓનલાઈન એજ્યુકેશન અને મોબાઈલ ઉપર ખૂબ જ રસ પડે છે, પરંતુ, એવું નથી અમે ખરેખર કંટાળી ગયા હતા આખરે આજે ઓફલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે તેનાથી આનંદ થાય છે. મિત્રોને મળીને પણ ખુશી થાય છે અને હવે ઓફલાઈન એજ્યુકેશન ભણવા મળે એવી આશા રાખીએ છીએ.

પાલ વિસ્તારની ન્યુ એલ.પી.સવાણી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભાકર
પાલ વિસ્તારની ન્યુ એલ.પી.સવાણી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભાકર

શાળાની અંદર વેક્સિનેશનનો કેમ્પ ચાલે છે
પાલ વિસ્તારની ન્યુ એલ.પી.સવાણી સ્કૂલના પ્રિન્સિપાલ પ્રભાકરે જણાવ્યું હતું કે, અમે સરકાર નિર્ણય લે તે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી શાળાના તમામ ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફને વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી એટલું જ નહીં.પરંતુ જે વાલીઓ પોતાના બાળકોને શાળામાં મૂકવા આવી રહ્યા હતા. તેમને પણ ઝડપથી વેક્સિનનો ડોઝ મળી રહે તેના માટે વ્યવસ્થા કરતા હતા. અત્યારે પણ અમારા શાળાની અંદર વેક્સિનેશનનો કેમ્પ ચાલે છે. જે પણ વાલીઓ આવે છે તેમને અમે ઝડપથી વેક્સિનેશનનો ડોઝ આપવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે, જેથી કરીને અમારા શાળાના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે.

વિદ્યાર્થીઓને ટેમ્પરેચર માપી, હાથ સેનિટાઇઝ કરાવી એન્ટ્રી
ડીઇઓએ અને ડીપીઓએ કહ્યું હતું કે સુરત શહેર અને ગ્રામ્ય ધો.6થી 8ના 3,14,698 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પહેલા દિવસે સ્કૂલોમાં ઇન્સ્પેક્શન કરાયું હતું. પરંતુ કોઇ ગેરરીતિ મળી આવી નથી. તે સાથે પહેલા દિવસે 60%થી 70% હાજરી જોવા મળી હતી. ઉપરાંત સંચાલકો અને આચાર્યોએ કહ્યું હતું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચી ગયા હતા. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને મોંઘેરા મહેમાનની જેમ જ ઢોલ-નગારા વગાડી ચાંદલો કરી આવકાર આપ્યો હતો. જે પછી વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી હાથ સેનિટાઇઝ કરાવી એન્ટ્રી અપાય હતી. ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે એજ્યુકેશન અપાયું હતું. સ્કૂલોએ રિશેષ પણ આપી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે શિક્ષકોને ઊભા રાખ્યા હતા.

વિદ્યાર્થીનો પ્રથમ દિવસનો અનુભવ

કમ્પ્યુટર સ્ક્રીનમાં સમાયેલી લાઇફ પૂરી થઈ, મસ્તીના દિવસો પાછા મળ્યા
મારા પપ્પા અને મમ્મી હંમેશા કહે છે કે સ્કૂલ અને કોલેજ લાઇફ ક્યારે પણ મિસ નહીં કરવી જોઇએ, પણ કોરોનાએ અમારું દોઢ વર્ષ બગાડ્યું છે. ઓનલાઇન ભણવાનું હતું પણ અમે જાણે બટન લાઇફ જીવતા હતા. જો કે, આજથી સ્કૂલ શરૂ થઈ એટલે લાગ્યું કે કમ્પ્યુટર લાઇફ પૂરી થઈ અને અમારા ગોલ્ડન ડેઝ ફરી શરૂ થઈ ગયા. આજે સ્કૂલમાં ગયા ત્યારે એવું લાગ્યું કે, નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતીને ઇન્ડિયા આવ્યો હતો ત્યારે તેનું જે રીતે સ્વાગત થયું એવું જ સ્વાગત અમારું પણ કરાયું હતું. સ્કૂલમાં અમારા ટીચરે ફરી એક વખત રાબેતા મુજબના મૂડમાં આવીને જરૂરી ઇન્ટ્રક્શન આપતાં ફરી જૂના દિવસો શરૂ થયા હોય એવું લાગ્યું હતું.

આજે સ્કૂલ અમને અલગ રીતે વેલકમ કરી રહી હતી. હેટ, ગોગલ્સ, ફેશ માસ્ક વગેરે આપ્યું ત્યારે અમને એવું લાગ્યું કે જાણે બર્થ ડે પાર્ટીમાં આવ્યા અને ખરેખર કોરોના પછી આ નવી લાઇફ છે. ઓનલાઇન અને ઓફલાઇનનો ડિફરન્સ આજે ખબર પડ્યો છે. સ્કૂલની મસ્તી, સ્કૂલનો નાસ્તો, સ્કૂલના દોસ્ત, બ્લેક બોર્ડ અને ગ્રીન બોર્ડ સવારની પ્રેયર્સ ફરી એક વખત જીવવા મળી છે. ઈટ ઇસ લાઇક વાવ. ઇન શોર્ટ, કમ્પ્યુટર સ્ક્રીનમાં સમાયેલી લાઇફ પૂરી થઈ અને કુદરતના ખોળામાં ઉગેલી મારી સ્કૂલમાં મારી બીજી દુનિયા ફરી શરૂ થઈ છે.- તિથિ સોલંકી

અન્ય સમાચારો પણ છે...