ચોમાસામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની સંખ્યા વધી જતાં સ્ટાફ ઓછો પડી રહ્યો છે. હાલ રોજ 250થી 300 દર્દી આવી રહ્યા છે. ટ્રોમાં સેન્ટરની બહાર વોર્ડબોય ન હોવાથી દર્દીના પરિવારજનો પોતે દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જાય છે. એમ્બ્યુલન્સમાં આવનારા દર્દીઓને તો ડ્રાઈવર મદદ કરે છે, પરંતુ પ્રાઈવેટ વાહનોમાં આવનારાને વધુ હાલાકી પડે છે.
વોર્ડબોયના અભાવે ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી, વ્હીલચેયર ન મળતા ઈમરજન્સીના દર્દીઓને પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ભાસ્કરના રિપોર્ટરે સોમવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટ્રોમાં સેન્ટરમાં દર્દીઓ-પરિજનોની હાલાકી જોઈ કેટલાક દર્દીઓની મદદ પણ કરી હતી.
ભાસ્કરે 2 સ્ટ્રેચર-વ્હીલચેયર મુકાવી
ટ્રોમા સેન્ટર બહાર દર્દીને સ્ટ્રેચર પર લઈ જવા વોર્ડબોય હોવો જોઈએ. ભાસ્કરે અધિકારીઓને કહ્યું તો ત્યાં 2 સ્ટ્રેચર, 1 વ્હીલચેર મૂકાઈ હતી.
દર્દીઓ બમણા થતાં સ્ટાફની અછત છે
ચોમાસામાં ઈમરજન્સીમાં રોજ બમણાં, 250 દર્દી આવે છે. જેથી સ્ટાફરની અછત રહે છે. - ડો. ઓમકાર ચૌધરી, આસિ. RMO, સિવિલ
કેસ-1 : તબીબે કહ્યું ત્યાં વ્હીલચેર ન મળી, 2 કલાક સુધી રાહ જોઈ
કમર-પેટના દુઃખાવાથી પીડાતા એક દર્દીને સુવામાં તકલીફ હતી. તેને 2 કલાક સુધી વ્હીલચેર ન મળી. ડોક્ટરે કહ્યું કે તમામ વ્હીલચેર વ્યસ્ત છે. બીજી જગ્યાએ જાવ ત્યાં વ્હીલેચર મળશે. પરિવારજનો ત્યાં ગયા પણ વ્હીલચેર ન મળી.
કેસ-2 : પરિવારે પોતે દર્દીને સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો
બપોરે દોઢ વાગ્યે એક દર્દી 3 પરિજનો સાથે આવ્યો. ટ્રોમાં સેન્ટરની બહાર વોર્ડબોય ન હોવાથી પરિવારે પોતે સ્ટ્રેચર પર દર્દીને લઈ જવું પડ્યું. દર્દીને અસહ્ય પેટમાં દુઃખાવો થતો હતો અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી.
કેસ-3 : રિક્ષાચાલકની મદદથી મહિલાને સેન્ટરમાં લઈ જવાઈ
બપોરે 2 વાગ્યે એક મહિલા પરિવાર સાથે રિક્ષામાં આવી. તેને અકસ્માતમાં પગમાં ઈજા હતી. વોર્ડબોય ન હોવાથી પરિવારે રિક્ષાના ડ્રાઈવરની મદદથી તેને સ્ટ્રેચર પર મુકવી પડી. ત્યાર બાદ પોતે સ્ટ્રેચર ખેંચી અંદર લઈ ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.