તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Death At Civil Hospital Of Prisoner Brought From Surat Lajpore Jail, Controversy Over Handing Over Body Without Postmortem

રહસ્ય:સુરત લાજપોર જેલમાંથી સિવિલ લવાયેલા કેદીનું મોત, પોસ્ટમોર્ટમ વગર લાશ સોંપાતા વિવાદ, કંઈક અજુગતું બન્યું હોવાનો પરિવારનો આક્ષેપ

સુરત5 દિવસ પહેલા
મૃતક 21 વર્ષીય કાચા કામના કેદીની ફાઈલ તસવીર.
  • પરિવારને મૃતદેહ સોંપી દેવાતા અંતિમ સંસ્કાર પર થઈ ગયા

સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ વગર સોંપી દેવાતા વિવાદ ઊભો થયો છે. પુત્ર સાથે કંઈક અજુગતું બન્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જ્યારે સિવિલના તબીબ મૃતક કેદીને જામીન મળી ગયા હતા. અને તેના પરિવારના સભ્યોએ જ પોસ્ટમોર્ટમ માટે ના પાડી હોવાનું જણાવી રહ્યા છે.

બે દિવસ પહેલા મોત થયું હતું
એસએમસી આવાસમાં રહેતા રૂપેશ ઉર્ફે શનિ ધર્મેન્દ્ર દુબે (ઉ.વ.21) ગત તા. 30મીએ દારૂના કેસમાં ઉધના પોલીસના હાથે પકડાયો હતો. ત્યારબાદ ગત તા. 31મીએ તેને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો. દરમિયાન જેલમાં તેની તબિયત બગડતા ગત તા. 3જીએ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તા. 5મીએ બપોરે સારવાર દરમિયાન રૂપેશનું મોત નીપજ્યું હતું. સિવિલના એમઆઈસીયુ વિભાગનો તબીબોએ તેનું મૃત્યુનું કારણ આપી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશ પરિવારને સોંપી દીધી હતી. જાણકારોના કહેવા મુજબ આ પ્રકારના કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય હોય છે. પરંતુ સિવિલમાં લાશ પોસ્ટમોર્ટમ વર સોંપી દેવાતા કશુંક રંધાયું હોવાની ગંધ આવી રહી છે. બીજી બાજુ પરિવાર રૂપેશની અંતિમ વિધિ કરી ચૂક્યા છે.

પોલીસ અને જેલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા
વિનય શુક્લ (એડવોકેટ) એ જણાવ્યું હતું કે, જેલમાં આરોપીની એન્ટ્રી થયા બાદ જામીન મળે ત્યારે બેલ અને બોન્ડ પેપર પર ઓરીપીની સહી અને જેલર દ્વારા વેરિફેશન બાદ જ છોડવામાં આવે છે. જેને જામીન મળ્યાં છે, તે પ્રોપર વ્યક્તિ છે કે નહીં, તેની જેલર તપાસ કરે છે. જ્યારે આ કેસમાં આરોપી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ હતો, તેવા સંજોગોમાં બેલ અને બોન્ડ પેપર પર તેણે સહી કેવી રીતે કરી અને જેલર જાતે હોસ્પિટલમાં વેરિફેક્શન માટે ગયા હતા કે શું જેવા મુદ્દા શંકા ઉપજાવે તેમ છે. કોઈ દિવસ પોલીસ જાતે જામીન લઈને જાય નહીં.

મૃતકના પિતા ધર્મેન્દ્રભાઈએ કહ્યું- શરીર પર કરંટના નિશાન હતા.
મૃતકના પિતા ધર્મેન્દ્રભાઈએ કહ્યું- શરીર પર કરંટના નિશાન હતા.

પોલીસે જામીનના કાગળો આપી નોર્મલ દર્દી ગણવા કહ્યું
પોસ્ટમોર્ટમ વગર રૂપેશનો મૃતદેહ સોંપનારા મેડિસિન વિભાગના યુનિટ હેડ ડો. રાજીવ પંચાએ જણાવ્યું હતું કે, માનસિક વિભાગ બાદ તેને મેડિસિન વિભાગમાં લવાયો હતો. તેને 105 સુધી તાવ હોવા સાથે શ્વાસમાં પણ તકલીફ હોય એમઆઈસીયુમાં દાખલ કરાયો હતો. રૂપેશનું મોત થયું તે પહેલા પોલીસે જામીનના કાગળો આપી તેને નોર્મલ દર્દી તરીકે ગણવા કહ્યું હતું. પરંતુ વિભાગના તબીબોએ રૂપેશના મૃત્યુ બાદ પરિવારને પોસ્ટમોર્ટમ કરવા બાબતે કહ્યું હતું. જોકે, તેના કાકાએ પીએમ નહીં કરવાનું કહી જરૂરી કાગળો પર તે બાબતની સહી પણ કરી હતી.

એકના એક પુત્રના મોત બાદ પરિવારને જાણ કરી હતીઃ મૃતકની માતા ગાયત્રી બેન.
એકના એક પુત્રના મોત બાદ પરિવારને જાણ કરી હતીઃ મૃતકની માતા ગાયત્રી બેન.

શરીરે કરંટ અપાયો હોય એવા નિશાન દેખાયાં
મૃતક રૂપેશના પિતા ધર્મેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, પુત્ર રૂપેશ અશોકના દારૂના અડ્ડા પર કામ કરતો હતો. દરમિયાન પોલીસ તેને પકડી ગઈ હતી. પરંતુ તેને સિવિલમાં દાખલ કરાયો ત્યાં સુધી તેના કોઈ સમાચાર મળ્યા નહોતા. તેની તબિયત લથડી ગયા બાદ અમને જાણ કરાઈ હતી, અને તે દિવસે થોડા સમય બાદ તેનું મોત થયાનું કહેવાયું હતું. રૂપેશના શરીરે કરંટ અપાયો હોય તેવા નિશાન દેખાયા હતા. સિવિલના તબીબોએ ઇન્ફેક્શન થવાને લીધે મોત થયું હોવાનું કહી પીએમ કરાવ્યા વગર તેમને લાશ સોંપી દીધી હતી. પુત્ર રૂપેશ સાથે કઈક અજુગતું બન્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. રૂપેશ તેમનો એકના એક પુત્ર હતો.