ખખડધજ બસ સેવા:સુરતમાં અચાનક રોડ વચ્ચે સિટી બસ બંધ પડી, સ્થાનિકો અને મુસાફરોએ ધક્કા માર્યા, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

સુરત4 મહિનો પહેલા
રસ્તા વચ્ચે જ બંધ થયેલી બસના કારણે ટ્રાફિક સર્જાયો હતો. - Divya Bhaskar
રસ્તા વચ્ચે જ બંધ થયેલી બસના કારણે ટ્રાફિક સર્જાયો હતો.
  • ખરાબ હાલતની બસને લાંબા રૂટમાં મૂકાતા લોકોની મુશ્કેલી વધે છે

સુરત જેવા મેટ્રો શહેરમાં ટ્રાન્સપોર્ટેશનને જેટલું મહત્વ આપવામાં આવે એટલી લોકોની હાલાકી ઓછી થઈ શકે છે. તેના માટે સુરત કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને સિટી બસ અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવે છે. પરંતુ સિટી બસની એવી ખખડધજ સ્થિતિ છે કે, મુસાફરોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. વર્ષોથી દોડતી ખખડધજ સિટી બસને સ્થાનિક લોકો અને મુસાફરોએ ધક્કા મારવાની નોબત આવી રહી છે. સુરતના કેટલાક રૂટ ઉપર બસો દોડી રહી છે. તે જોતા એવું લાગે છે કે, આ બસ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડી શકશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જેમકે સુરત કડોદરા, સુરત સાયણ, સુરતથી મોરાભાગળ, સુરત હજીરા વિસ્તાર જેવા લાંબા રૂટ પરની બસો ખરેખર ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.

રસ્તા વચ્ચે બસ ઉભી રહી ગઈ
સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેને લઈને સુરતના કેટલાય વિસ્તારોમાં રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી પીકઅવર્સમાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ સુરતના કાપોદ્રા વિસ્તારમાં બપોરના સમયે એક સિટી બસ પસાર થઇ રહી હતી. આ દરમ્યાન કાપોદ્રા પોલીસ મથક પાસે બસ અચાનક બંધ પડી ગયી હતી. રોડની વચ્ચે જ બસ ઉભી રહી ગયી હતી. બસ ચાલકે બસ ચાલુ કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ બસ ચાલુ થઇ ન હતી.

મુસાફરોએ બસમાંથી નીચે ઉતરીને ધક્કા મારવા પડ્યાં હતાં.
મુસાફરોએ બસમાંથી નીચે ઉતરીને ધક્કા મારવા પડ્યાં હતાં.

ધક્કા મારવા પડ્યા
બસ રોડ પર જ ઉભી રહી જતા ત્યાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બંધ પડેલી બસને આખરે નાછૂટકે લોકોએ ધક્કો મારવો પડ્યો હતો. બસને રોડની સાઈડ પર ઉભી રખાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જેમાં લોકો વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.