સુરતની બ્લૂ કલરની સિટી બસમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસમાં સવાર 27 મુસાફરનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.
બસ સુરતથી નીકળી હતી
સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી, જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પતંગનો મંડપ બળીને ખાક
સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી, પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઊભો કરાયેલો હતો એમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો.
બસમાં 27 જેટલા મુસાફરો હતા
સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફર પ્રવાસ કરી રહ્યા હતા. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.
લોકોનાં ટોળાં એકઠાં થયાં
બસમાં આગ લાગવાની ઘટના સર્જાતાં મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બસમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ પર કાબૂ મેળવાયો- ફાયર
સાયણ ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગવાનો કોલ મળતાં જ ટીમ પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. આગ પર કાબૂ મેળવી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.