પ્રાયૌગિક અમલ:સુરતમાં જૂની આરટીઓ પાસેના સર્કલના બેરિકેડ હટાવી લેવાયા, વાહનચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને નિર્ણય કરાયો

સુરત16 દિવસ પહેલા
ત્રણથી ચાર કિલોમીટરનો વધારાનો રસ્તો ઓળંગીને જવું પડતું હોવાથી નિર્ણય
  • વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તો કાયમી ધોરણે બેરિકેડ ખોલાશે

સુરતના સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર પૈકીનો એક અઠવાગેટથી મજુરાગેટ તરફનો માર્ગ છે. એક તરફ અડાજણથી સરદાર બ્રિજ થઇને સીધા મજુરાગેટ અને રીંગ રોડ તરફ જવાનો રસ્તો છે. જે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો માર્ગ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અઠવાગેટ ઉપર બેરિકેડ લગાવી દેવામાં આવ્યાં હતાં. જૂની આરટીઓ પાસે બેરિકેડ લગાવી દેવામાં આવ્યાં હતાં. જેને કારણે ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી. આખરે સ્થાનિક કોર્પોરેટરની રજૂઆતના પગલે પહેલા અઠવાગેટ પાસેના બેરિકેડ દૂર કરાયા અને ત્યાર બાદ હવે જૂની આરટીઓ ઓફિસ પાસેના બેરિકેડ દૂર કરાયા છે.

પ્રાયૌગિક ધોરણે બેરિકેડ ખોલવામાં આવ્યા છે
પ્રાયૌગિક ધોરણે બેરિકેડ ખોલવામાં આવ્યા છે

વાહનચાલકોને હાશકારો
અઠવાગેટ તરફ બેરિકેડ લગાવી દેતા વાહનચાલકોએ નાનપુરાથી વનિતા વિશ્રામ થઈને અઠવાલાઈન્સ તરફ જવું હોય તો તેમણે ફરજિયાતપણે ત્રણથી ચાર કિલોમીટરનો વધારાનો રસ્તો ઓળંગીને મજુરાગેટ તરફથી જવાનું થઈ રહ્યું હતું. તેના કારણે ટ્રાફિકની સમસ્યા તો હતી. પરંતુ સાથે સાથે ઇંધણનો વ્યય થતો હતો. સમયનો પણ વેડફાટ થતો હોવાની બૂમરાણ મચી હતી. આજે જૂની આરટીઓ કચેરી ખાતેના બેરિકેડ દૂર કરાતા હવે નાનપુરા મહાવીર હોસ્પીટલથી વનિતા વિશ્રામ થઈને અઠવાલાઈન્સ તરફ જવાનો માર્ગ મોકળો થયો છે. જેને કારણે વાહનચાલકો પણ હાશકારો અનુભવી રહ્યા છે.

નાનપુરાથી અઠવાલાઈન્સ તરફ જવા માટે બેરિકેડના કારણે મુશ્કેલી થઈ રહી હતી
નાનપુરાથી અઠવાલાઈન્સ તરફ જવા માટે બેરિકેડના કારણે મુશ્કેલી થઈ રહી હતી

પ્રાયૌગિક ધોરણે બેરિકેડ ખોલાયા
સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટએ જણાવ્યું કે, નાનપુરાથી અઠવાલાઈન્સ તરફ જવા માટે બેરિકેડના કારણે મુશ્કેલી થઈ રહી હતી.પરંતુ વધારે પડતા ટ્રાફિક ભારણ અને અકસ્માતની ઘટનાને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં આ બેરિકેડ લગાડવામાં આવ્યા હતા. હાલ વાહનચાલકોને પડતી મુશ્કેલીને ઘ્યાનમાં રાખીને અઠવાગેટના બેરિકેડ હવે જુની આરટીઓ ઓફિસના બેરિકેડ દૂર કરાયા છે. પરંતુ વાહનચાલકો ખાસ ધ્યાન રાખે કે, આ પ્રાયૌગિક ધોરણે બેરિકેડ ખોલવામાં આવ્યા છે. જો વાહન ચાલકો ટ્રાફીક નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરે તો ફરીથી તેને બંધ કરી શકાય છે. આપણો હેતુ એવો છે કે, ટ્રાફીક ભારણ ન થાય વાહનચાલકોને મુશ્કેલી ન ઉભી થાય અને અકસ્માતની ઘટનાઓ બંધ થાય તે જરૂરી છે. ઘણા સમયથી સ્થાનિક રહેવાસીઓની માંગ હતી કે, આરટીઓ પાસેના બેરિકેડ દૂર કરવામાં આવ્યા છે. જે આજે અમે લોકોની લાગણીને માન્ય રાખીને બેરિકેડ ખોલી દીધા છે.