સોનગઢમાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતાં ત્યારે બોલ નજીક ઉભેલા એક ઈસમ ને લાગ્યો હતો.આ અંગે તેણે બાળકોને અપશબ્દો કહ્યાં હતાં. આ બાબતે કહેવા જતાં તેણે નજીક પડેલ ક્રિકેટનું સ્ટમ્પ ઉંચકી પાલિકા કોર્પોરેટરને બે સપાટા મારી દીધા હતા. એ સાથે આરોપીના મિત્રએ પણ હાથમાં ચપ્પુ રાખી કાપી નાંખવાની ધમકી આપતાં બંને આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
અપશબ્દો કહેતા મામલો બિચક્યો
મળેલી વિગત પ્રમાણે સોનગઢના જૂનાગામ સુરજ કોમ્પલેક્ષમાં રહેતાં અમિતભાઈ કે. અગ્રવાલ વેપાર કરે છે. સાથો સાથ નગરપાલિકામાં ચૂંટાયેલા નગર સેવક પણ છે. હાલ તેઓ પાલિકા બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે. બુધવારે રાત્રીના સમયે તેમના કોમ્પલેક્ષના આંગણામાં કેટલાક નાના બાળકો ક્રિકેટ રમતાં હતા.આ સમયે ક્રિકેટનો બોલ નજીક આવેલી પાનની ટપરી પર ઉભેલા વિકી ગૌસ્વામીને વાગ્યો હતો. જેથી વિકીએ બાળકોને અપશબ્દો કહ્યાં હતાં. આ અંગે અંશ નામના બાળકે તેના પિતા અમિત ભાઈને બનાવ અંગે જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. વિકીને પૂછ્યું કે, બાળકોને ગાળો કેમ આપો છો.આ સમયે વિકીએ કહ્યું કે, મને બોલ વાગ્યો એટલે મારે કંઈ કહેવાનું નહિ.
સ્ટમ્પનો માર માર્યો
ઉશ્કેરાટમાં આવી ગયેલા વિકીએ નજીક પડેલ સ્ટમ્પ ઉંચકી અમિતભાઈને પહેલો ફટકો નાકના ભાગે અને બીજો ફટકો ડાબા ખભા પર મારી દીધો હતો. આ સમયે વિકાસ અગ્રવાલ પણ ત્યાં દોડી આવતાં વિકી એ તેની સાથે પણ ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડા દરમિયાન વિકીએ તેના મિત્ર રમઝાનને ફોન કરતાં તે પણ હાથમાં ચપ્પુ સાથે સ્થળ પર દોડી આવી ફરિયાદીને કહ્યું કે, અહીંથી જતાં રહો નહિ તો કાપી નાખીશ અને પછી ચપ્પુ આમ તેમ ફેરવવા લાગ્યો હતો. એ પછી લોકો ભેગા થઈ જતાં બંને આરોપી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ચહેરા, આંખ અને ખભાના ભાગે ઇજા પામેલા અમિત અગ્રવાલને પ્રથમ સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વ્યારા ખસેડાયા હતા. આ બનાવ અંગે મોડી રાત્રીએ સોનગઢ પોલીસ મથકે વિકી ગૌસ્વામી અને રમઝાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.