ઉત્તરાયણને લઈને પતંગ રસિયાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. બે દિવસ ઉજવાતા આ તહેવારમાં લોકો અગાસી પર પતંગ ચગાવાવની સાથે સાથે તંદુરસ્તી આપતા તલના લાડુ અને ચિક્કીની પણ મઝા માણતા હોય છે. ઉત્તરાયણ પહેલાં જ શહેરમાં અંદાજે 80 લાખથી વધારેની તલના લાડુ અને ચિક્કીનું વેચાણ થઈ ગયું છે.
સાથે કાળા તલની ચિક્કી, લાડુ, દાળિયાના લાડુ સહિતની વાનગીની ડિમાન્ડ પણ વધી છે. શિયાળાની સિઝનમાં સામાન્ય દિવસોમાં સુરત શહેરમાં 20 જેટલી શેરડીની ટ્રકો આવતી હોય છે, પરંતુ ઉત્તરાયણમાં શેરડી ખાવાનો પણ રિવાજ હોવાથી સુરતીઓ અગાસી પર જઈને શેરડી આરોગે છે. ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલાંથી શહેરમાં રોજની શેરડીની 60 ટ્રકો આવી રહી છે.
ઉત્તરાયણ પર સૌરાષ્ટ્રથી કાળી શેરડી ખાસ મંગાવાય છે
શેરડીનો વેપાર કરતાં હરેશ પટેલ કહે છે કે, ‘ખાવા માટે મોટા ભાગે કાળી શેરડીનો ઉપયોગ થાય છે. કારણ કે, તે પોચી હોય છે. ઉતરાયણના અઠવાડિયાથી શહેરમાં શેરડીનું વેચાણ વધી જાય છે. કાળી શેરડી સૌરાષ્ટ્ર તરફથી આવે છે. હાલ છેલ્લા અઠવાડિયાથી શહેરમાં કાળી શેરડીની રોજની 60 ટ્રક આવી રહી છે.’
ઉત્તરાયણમાં ચિક્કીની માંગ ડબલથી વધારે
જિગ્નેશ દાળિયાવાલા કહે છે કે, ‘શિયાળામાં સિંગની ચિક્કીની ડિમાન્ડ વધતી હોય છે. પરંતુ ઉત્તરાયણમાં તો માંગ ડબલથી પણ વધારે થઈ જાય છે. હાલના 2થી 3 દિવસમાં જ 80 લાખથી વધારે રૂપિયાની ચિક્કી અને તલના લાડુનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાં હજુ પણ 20 ટકાનો વધારો થશે.
ઉંધિયાની 50 હજાર ડિશના ઓર્ડર મળ્યા
ઉતરાયણને લઈને સુરત શહેરમાં ઉધિયા અને જલેબીના ઓર્ડર પણ વધી રહ્યાં છે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ અને કેટરર્સને ત્યાં ઓર્ડરો નોંધાયા છે. શહેરના અલગ અલગ રેસ્ટોરન્ટ સહિતની જગ્યાઓ મળીને અંદાજે 50 હજાર ડિશોના ઓર્ડરો એડવાન્સમાં બુક થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.