રાજકારણમાં ગરમાવો:દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સ્વસ્થ થતા આવતીકાલે સુરત આવશે, ઉદ્યોગકારો 'આપ'માં જોડાવાની શક્યતા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ફાઈલ તસવીર.
  • નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે મોટો ખેલ પાડી દેતા આપની બાજી બગડી
  • મનીષ સિસોદિયાના આગમન પહેલાં આપમાં નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી 24 જૂને સુરત આવવાના હતા પરંતુ એકાએક જ તેમની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલ સામે આવ્યા બાદ તેમણે ટ્વિટરના માધ્યમથી જાણ કરી હતી કે તેમનો સુરત આવવાનો કાર્યક્રમ રદ કરાયો છે. આવતીકાલે સવારે સાત વાગ્યે મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે જશે. નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી શાળાના રોટરી ક્લબ ખાતે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કાઉન્સિલરો સાથે બેઠક કરશે ત્યારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. દરમિયાન સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડી દીધો
નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળે છે તેને લઈને મનીષ સિસોદિયાના આગમન પહેલા નિરસ વાતાવરણ પાર્ટીમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણીમાં જે પ્રકારનું વોટિંગ થયું છે તેમાં ભાજપે ખૂબ મોટો ખેલ પાડી દેતા આપની બાજી બગડી ગઈ હતી. સોશિયલ મીડિયામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનીષ સિસોદિયાના આગમનને લઇને કોઈ પોસ્ટ જોવા નથી મળી રહી. ચૂંટણીમાં થયેલા મતદાનને કારણે આમ આદમી પાર્ટીમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં ભાજપ સફળ થઇ છે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપના કાર્યકરો આપમાં જોડાયા હતા.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપના કાર્યકરો આપમાં જોડાયા હતા.

ભાજપ આપમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવામાં સફળ
ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જયચંદ કોણ છે. એ જ બતાવે છે કે ભાજપ જે ઇચ્છતું હતું તે પ્રકારનો પરિણામ લાવી રહી છે. નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં જીત કરતાં વધારે ભાજપનો હેતુ આમ આદમી પાર્ટીમાં અંદરો અંદર અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો, તેમાં તેઓ સફળ થઈ ગયા છે.

ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ ચૂકી છે.
ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આપમાં જોડાઈ ચૂકી છે.

પાટીદાર સમાજમાંથી આપમાં કોણ જોડાય છે તેના પર સૌની નજર
મનીષ સિસોદિયાના આગમન પહેલા આમ આદમી પાર્ટીમાં સુરત શહેરના પાટીદાર સમાજ પૈકી કોણ જોડાય છે તેના પર સૌ કોઈની નજર છે. ભાજપ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. સુરત શહેરમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યો છે તેવા સમયે ભાજપમાંથી બીજો કોઈ રાજકીય નેતા કે પાટીદાર સમાજમાંથી કોઈ કદાવર વ્યક્તિ આપમાં જોડાયા છે કે કેમ તેના પર નજર રાખી રહ્યું છે. મનીષ સીસોદીયાની સુરત મુલાકાત પહેલા અનેક અટકળોએ જોર પકડ્યું છે.

કાર્યકરોનો આપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહેતા ભાજપની ચિંતામાં વધારો.
કાર્યકરોનો આપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહેતા ભાજપની ચિંતામાં વધારો.

સૌથી મોટો પડકાર સુરતના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો
મનીષ સિસોદિયા નગર શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયેલી પ્રક્રિયાને લઇને પ્રશ્નો ઊભા કરી શકે છે. સત્તા પક્ષ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ આક્ષેપ પણ કરી શકે છે. પરંતુ તેમના માટે સૌથી મોટો પડકાર સુરતના સંગઠનને વધુ મજબૂત બનાવીને પરસ્પર વિશ્વાસ ટકી રહે તેવું વાતાવરણ ઉભું કરવાનું છે. જો આ જ પ્રકારની સ્થિતિ સુરત સંગઠનમાં જોવા મળશે તો જે સફળતાની તેઓ ઈચ્છા રાખી રહ્યા છે તેમાં તેઓ નિષ્ફળ થઇ શકે છે.

છેલ્લા દોઢથી વધુ મહિનામાં 1000થી વધુ ભાજપના કાર્યકરો આપમાં જોડાયા.
છેલ્લા દોઢથી વધુ મહિનામાં 1000થી વધુ ભાજપના કાર્યકરો આપમાં જોડાયા.

1000 કાર્યકર ભાજપમાંથી આપમાં જોડાયા
છેલ્લા દોઢથી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અઠવાડિયા પહેલાં 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા. તેના 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.