• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Chief Minister Bhupendra Patel Inaugurated A State wide Cyclothon, A River Festival, And Worshiped The River Tapi

ઓમિક્રોનના હાહાકાર વચ્ચે નદી ઉત્સવ:PM મોદીની ‘મન કી બાત’ મોદી સુધી જ રહી, નદી ઉત્સવમાં CM, આરોગ્ય મંત્રી, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીએ જ માસ્ક ન પહેર્યાં

સુરત5 મહિનો પહેલા
  • મુખ્યમંત્રી સાથે હાજર ધારાસભ્યથી લઈને મંત્રીઓ માસ્ક પહેરવાનું ચૂક્યા
  • પીએમ મોદીની માસ્ક પહેરવા સહિતના ઉપાયોને યથાવત રાખવાની અપીલ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે રાજ્યવ્યાપી ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન સ્પર્ધાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરતના સિંગણપોર વિયર કમ કોઝવે ખાતે રાજ્યકક્ષાનો “નદી ઉત્સવ” યોજાયો હતો. સુરતમાં મુખ્યમંત્રીના આજના કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા કોરોના ગાઈડલાઈન અને માસ્ક પહેરવાની અપીલની અવગણના થતી હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી સહિતના તમામ નેતાઓ નદી ઉત્સવના કાર્યક્રમમાં માસ્ક વિના નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં ઓમિક્રોનના બે કેસ સહિત ગુજરાતમાં 49 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોના કેસમાં પણ ઉછાળો આવ્યો છે.ગત રોજ એક જ દિવસમાં 29 નવા કેસ નોંધાાયા હતા.

મહામારીને હરાવવા માટે માસ્ક પહેરવા PM મોદીની અપીલ
PM મોદીએ એક વખત ફરી દેશવાસીઓને કોરોના મહામારીથી બચવા માટેના તમામ ઉપાયોનું પાલન કરવાની પણ અપીલ કરી છે. ગત રાતે 10 વાગ્યે મોદીએ કહ્યું કે મહામારીને હરાવવા માટે માસ્ક પહેરવા સહિતના ઉપાયોને યથાવત રાખવાની જરૂર છે. જોકે, ગત રાતે વડાપ્રધાન મોદીએ કરેલી અપીલની અવગણના સુરતના મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં થતી નજરે પડી હતી. સુરતમાં સાયક્લોથોન અને ત્યારબાદ નદી ઉત્સવમાં ખુદ મુખ્યમંત્રી જ માસ્ક વિના નજરે પડ્યા હતા. જેથી મોદીની સલાહને સાડા દશ કલાકમાં જ સરકાર ઘોળીને પી ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે.

સુરતના તમામ કાર્યક્રમમાં નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા
આજે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સાયક્લોથોનમાં નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. ત્યારબાદ વેસુ વિસ્તારમાં તૈયાર કરાયેલી 2.5 કિ.મી. લાંબા નવનિર્મિત જોગીગ ટ્રેકની પણ મુખ્યમંત્રીએ જાત મુલાકાત લીધી હતી. તેમાં પણ નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. ત્યારબાદ નદી ઉત્સવના પ્રારંભમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સાથે 217.25 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ ધારાસભ્ય અને મંત્રી માસ્ક વિના નજરે પડ્યા હતા.

સુરતના આંગણેથી સાયક્લોથોનનો પ્રારંભ
શારીરિક અને માનસિક સજ્જતા સાથે સંભવિત રોગચાળાને નાથવા માટે પ્રત્યેક જન સજ્જતા કેળવે તે આવશ્યક છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના આંગણેથી સાયક્લોથોનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. શિયાળાની ફુલગુલાબી ઠંડી વચ્ચે મોજીલા સુરતીઓની ઉત્સાહપ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ ફિટ ઈન્ડિયા મુવમેન્ટના વડાપ્રધાનના નારાને ઝીલી લઈને રાજ્યના પ્રજાજનોના સ્વાસ્થ્ય પ્રત્યે આવેલી જાગૃતિને બિરદાવી હતી. કોરોનાની સંભવિત આપત્તિ સામે પ્રિકોસન ડોઝની તૈયારી સાથે વરિષ્ઠ નાગરિકો/કોમોર્બિલીટી ધરાવતા પ્રજાજનોને પણ કોરોનાનો પ્રિકોસન ડોઝ આપવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ આરંભી દીધી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નદી ઉત્સવના કાર્યક્રમમાં સ્ટેજ પર હાજર એક પણ નેતાએ માસ્ક પહેર્યું ન હતું.
નદી ઉત્સવના કાર્યક્રમમાં સ્ટેજ પર હાજર એક પણ નેતાએ માસ્ક પહેર્યું ન હતું.

રાજ્યવ્યાપી નદી ઉત્સવનો પ્રારંભ
મુખ્યમંત્રીએ 'નદી ઉત્સવ' નદીઓના કિનારે વિસરાયેલી ભવ્ય સંસ્કૃતિને સજીવન કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું કે, નદીઓ, પર્યાવરણ આપણી મહામૂલી સંપત્તિ છે. આપણી નદીઓ રાજ્યના અપ્રતિમ વિકાસની મૂક સાક્ષી છે. માનવજીવન સહિત અનેકવિધ સજીવો માટે નદીઓ શુદ્ધ મીઠા પાણીઓ એકમાત્ર સ્ત્રોત છે. આપણી આવનારી પેઢીઓ સાથે પર્યાવરણની સુરક્ષા માટે જીવનદાતા નદીઓની જાળવણી કરવી આપણી ફરજ છે. મુખ્યમંત્રીએ ભૂતકાળની સરકારના શાસનમાં જોવા મળતી સુવિધાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સમયે સાબરમતી નદીના પટ પર ક્રિકેટના મેદાનો અને સર્કસના ડેરા-તંબુ જોવા મળતા હતા, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ રિવરફ્રન્ટ સાકાર થયો છે.

કાર્યક્રમમાં હાજર રહેલા લોકો પૈકી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું.
કાર્યક્રમમાં હાજર રહેલા લોકો પૈકી મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યું ન હતું.

26થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં 'નદી ઉત્સવ'
મુખ્યમંત્રીએ કહ્યું કે, તા.26થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં 'નદી ઉત્સવ'ના માધ્યમથી નદીઓ, વૃક્ષો સહિતની કુદરતી સંપત્તિના સંરક્ષણની આહલેક જગાવવામાં આવશે. ઉપરાંત, નદીઓને સિટી બ્યુટીફિકેશન સહિતના બહુવિધ વિકાસઆયામો સાથે જોડીને લોકસુવિધા ઊભી કરવાની સરકારની નેમ છે. નર્મદાના કેવડીયા ખાતે એકતા ક્રુઝ અને રિવરરાફટીંગ જેવી આનંદ-પ્રમોદની સુવિધાઓ સરકારે વિકસાવી છે એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર સુશાસનના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીની સ્મૃત્તિમાં દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવાના અનેકવિધ પ્રયાસો કરી 'સુશાસન સપ્તાહ'ની ઉજવણી કરવા પણ સંકલ્પબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી, મંત્રી અને શહેરીજનોએ નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા હતા. બાલિકાઓએ 'ધન્ય ધન્ય તાપીના પાણી' ગીત પર મનમોહક નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

ડાબેથી ધારાસભ્ય કુમાર કાનાણી, મંત્રી મુકેશ પટેલ માસ્ક વિના નજરે પડ્યા.
ડાબેથી ધારાસભ્ય કુમાર કાનાણી, મંત્રી મુકેશ પટેલ માસ્ક વિના નજરે પડ્યા.

217.25 કરોડના માળખાકીય વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
સુરત શહેરની મહાનગરપાલિકા, સુડા તથા જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂ.217.25 કરોડના માળખાકીય વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, તથા અંદાજીત રૂ.64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો, દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી, અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનુ લોકાર્પણ ઉપરાંત વિવિધ ઝોન વિસ્તારમા અંદાજીત રૂ.133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન, તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડી બ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન, અને વરસાદી ગટર લાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત,તથા સુરત શહેરી વિકાસ સત્તામંડના EWS-II કક્ષાના 812 આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, અને નગરપાલિકા વિસ્તાર સહિત સુરત જિલ્લાના અંદાજિત રૂ.19.37 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આમ, આજે કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શપથ લીધા.
મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શપથ લીધા.