સુરતની સચિન GIDCમાં દુર્ઘટના:કેમિકલ ખુલ્લામાં ઠાલવતી વેળા ઝેરી અસરથી 6નાં મોત; 23થી વધુ મજૂરો ગૂંગળાયા, હાઇડ્રોજન સલ્ફાઈટથી મોત થયાની આશંકા

સુરત12 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
  • વિશ્વ પ્રેમ મિલના 10 કારીગરો ગેસ-લીકેજ થતાં ગૂંગળાયા
  • ટેન્કરમાં ડ્રેનેજ પાઇપ લીક થતાં ગેસ ફેલાયોઃ મેનેજર
  • કેટલાક દર્દીની ગંભીર તો કેટલાક દર્દીની હાલત સારી છેઃ ડોક્ટર
  • લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતાઃ હેલ્પર

સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલું ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતાં ઝેરી અસરથી 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતાં હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે. એમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો છે. તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.પોલીસે સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સંદીપ ગુપ્તા, પ્રેમ ગુપ્તા, પ્રકાશ મારવાડી સહિત આઠથી 10 લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુપ્તા બંધુઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.હાઇડ્રોજન સલ્ફાઈટથી મોત થયાની આશંકા તબીબો દ્વારા સેવવામાં આવી રહી છે.

ડો. અશ્વિન વસાવાએ કહ્યું કે, બ્રેઈન ડેડ થયા બાદ મોત થયાની આશંકા સેવાઈ રહી છે.
ડો. અશ્વિન વસાવાએ કહ્યું કે, બ્રેઈન ડેડ થયા બાદ મોત થયાની આશંકા સેવાઈ રહી છે.

હાઇડ્રોજન સલ્ફાઈટથી મોત થયાની આશંકા-ડો.વસાવા
ડો. અશ્વિન વસાવા (મેડિસિન વિભાગ સિનિયર ડોક્ટર) એ જણાવ્યું હતું કે, સચિનમાં બનેલી દુર્ઘટના પાછળ હાઇડ્રોજન સલ્ફાઈટ નામનું કેમિકલ જવાબદાર હોય એમ કહી શકાય છે. એટલું જ નહીં પણ આ કેમિકલ સીધી શ્વાસ અને મગજને અસર કરે છે. શ્વાસોશ્વાસની પ્રકિયા ધીમી કરી શકે છે અને મગજને કામ કરતું ધીમું પાડી શકે છે. ઘટના બાદ ગણતરીની મિનિટોમાં જો સારવાર આપવામાં આવે એટલે કે, એન્ટી ડોટ આપવામાં આવે તો દર્દીઓને બચાવી શકાય છે. આ ઝેરી પ્રવાહી શ્વાસોશ્વાસથી શરીરમાં ગયા બાદ બ્રેન ડેડ કરી શકે છે. 6 જણાના મોત પણ બ્રેઇન ડેડથી થયા હોય એમ કહી શકાય છે. જોકે હાલ સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે અને બીજી બાજુ પોસ્ટ મોર્ટમ કામગીરી શરૂ કરાઇ છે. લેબના રિપોર્ટ બાદ જ મૃતકની મોતનું સાચું કારણ જાણી શકાય છે.

ઝડપથી સારવાર ચાલી રહી છે, એ પ્રાથમિકતાઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે. એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે, એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે, પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

કેમિકલ પ્રસર્યો હતો ત્યાં ફાયર વિભાગે કામગીરી હાથ ધરી.
કેમિકલ પ્રસર્યો હતો ત્યાં ફાયર વિભાગે કામગીરી હાથ ધરી.

સીઆર પાટીલે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સીઆર પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલાં ટેન્કરો જે ખાલી કરવા આવે છે. એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ.

આ ઘટનામા છ મજૂરનાં મોત નીપજ્યાં.
આ ઘટનામા છ મજૂરનાં મોત નીપજ્યાં.

GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી અસર થઈ હતી, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ઝેરી અસરથી મજૂર-કારીગરો ટપોટપ પડવા લાગ્યા હતા.
ઝેરી અસરથી મજૂર-કારીગરો ટપોટપ પડવા લાગ્યા હતા.

તબીબોએ સારવાર શરૂ કરી
ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં, તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા. ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યાં હતાં. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પર ધ્યાન અપાઈ રહ્યું છે. ડોક્ટરો બને એટલું, શક્ય હશે એ કરીને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.

10 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી
પઠાણ (108 પ્રોજેકટ મેનેજર)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ સવા ચાર વાગ્યાની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગૂંગળાયેલી હાલતમાં હોવાની લગભગ વિવિધ લોકેશનની 10 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ લઈ જવાયા હતા. 108ના EMT અને પાયલોટની સૂઝબૂઝ સહિતની કામગીરીને હું આવકારું છું.

મૃતકોનાં નામ

  • સુલતાન (ઉં.વ. 30)
  • કાલીબેન (ઉં.વ. 20)
  • સુરેશ પપ્પુ વાખલા(ઉં.વ. 30)
  • વિમલચંદ ફુલચંદ કોરી(ઉ.વ.20)
  • અબાદત બાજપાઈ(ઉ.વ.35)
  • બિમલ શ્યામનદન પાસવાન(ઉ.વ.48)

અસરગ્રસ્તોની યાદી

  • રાજનાથ યાદવ (ઉં.વ. 35 વર્ષ)
  • રવિભાઈ (ઉં.વ. 18 વર્ષ)
  • મહાવીરભાઈ (ઉં.વ. 40 વર્ષ)
  • સુનીલભાઈ (ઉં.વ. 20 વર્ષ)
  • અવધેશ શ્રીરામ દુલારે પ્રજાપતિ (ઉં.વ. 30 વર્ષ)
  • એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
  • રવીન્દ્રભાઈ (ઉં.વ. 23 વર્ષ)
  • સતેન્દ્ર પટેલ (ઉં.વ. 30 વર્ષ)
  • એક અજાણ્યો યુવક (ઉં.વ. 45 વર્ષ)
  • એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
  • એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
  • એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
  • શ્યામ ભગવત શર્મા (ઉં.વ. 30 વર્ષ)
  • રાધેશ્યામભાઈ (ઉં.વ. 40 વર્ષ)
  • રાજ કુમાર (ઉં.વ. 19 વર્ષ)
આ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવામાં આવતું હતું.
આ ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવામાં આવતું હતું.

ટેન્કરની એક પાઇપ ડ્રેનજ લાઈનમાં હતીઃ મેનેજર
વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજર સંજય પટેલે આ મામલે જણાવ્યું હતું કે ‘મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઊભું હતું, એની એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતી. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો જમીન પર પડવા લાગ્યા અને આખી મિલમાં ગેસ ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’

ડૉક્ટર ઓમકાર ચૌધરી, સિવિલ હોસ્પિટલ, સુરત.
ડૉક્ટર ઓમકાર ચૌધરી, સિવિલ હોસ્પિટલ, સુરત.

કેટલાક ગંભીર તો કેટલાકની હાલત સારીઃ ડોક્ટર
આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘સવારે 5 વાગ્યાની આસપાસ દુર્ઘટનાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક તમામ તૈયારી સાથે સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે અમે તાત્કાલિક તમામ સુવિધાઓ ઊભી કરી હતી. ત્યાર બાદ 20 દર્દીને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત લાવવામાં આવ્યા, જેમાંથી 6 દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ દર્દીઓમાંથી કેટલાકની હાલત સારી છે તો કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.’

સાડીની મિલમાં કામ કરતા કામદારની તસવીર.
સાડીની મિલમાં કામ કરતા કામદારની તસવીર.

‘અચાનક કંઇક સ્મેલ આવી ને બધા પડવા લાગ્યા’
સાડીની મિલમાં કામ કરતા એક કામદારે જણાવ્યું હતું કે અમે કામ કરતા હતા ત્યારે અચાનક કંઇક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા. અમે કાપડ મિલમાં સાડી છાપવાનું કામ કરીએ છીએ. આ ઘટના થતાં જ બધા દોડધામ કરવા લાગ્યા.’

સારવાર હેઠળ ખસેડાયેલા મજૂરોના સંબંધીઓની તસવીર.
સારવાર હેઠળ ખસેડાયેલા મજૂરોના સંબંધીઓની તસવીર.

લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતાઃ હેલ્પર
આ મામલે વિશ્વ પ્રેમ મિલમાં હેલ્પર તરીકે કામ કરતા યુવક દિલીપકુમારે જણાવ્યું હતું કે ‘કેમિકલ ટેન્કરમાં આગ લાગી હતી. ત્યારે ધુમાડો નીકળતો હતો. લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતા ત્યારે અમે જઈને જોયું તો તેમાં 3 લોકો અમારા હતા. અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો, એમાં આગ લાગી હતી. ત્યાં આસપાસ પંદરથી વીસ લોકો જમીન પર પડ્યા હતા. સાડાત્રણ-ચાર વાગ્યે મદદ મળી હતી.’

દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

સિવિલમાં તાબડતોડ સારવાર અપાઈ-કડીવાલા
ટ્રોમાં ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલ સુરતના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે,એસીપી જેકે પંડ્યાનો ફોન આવ્યા બાદ તત્કાલિક મેડિસિન વિભાગ સહિતના તમામ અધિકારીઓને એલર્ટ કરી ટ્રોમાં સેન્ટરમાં બોલાવી લીધા હતાં. 108માં સિવિલ લવાયેલા કામદારો તરફડતા હતા. તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં તમામ દર્દીઓને ઓક્સિજન પર લઈ લીધા હતા. 3ની હાલત ગંભીર થઈ જતા વેન્ટિલેટર ઉપર લઈ લીધા હતાં. એક પછી એક દર્દીઓ ગંભીર થતા 7ને વેન્ટિલેટર ઉપર લેવા પડ્યા હતા. ત્યારબાદ ડો. અશ્વિન વસાવા સાથે મળી સાધારણ દર્દીઓને 5 માળે વોર્ડમાં શિફ્ટ કર્યા હતા. ત્યારબાદ મૃતકને પોસ્ટ મોર્ટમમાં મુકવાની કામગીરી સાથે દર્દીઓને સારવાર સાથે વોર્ડમાં લઈ જવાની કામગીરી ચાલી હતી. જોકે આટલી મોટી ઘટના નર્સિંગના કાર્યકાળ દરમિયાન પ્રથમ જોઈ હોય એમ કહી શકાય છે. જોકે હોસ્પિટલના તમામ ડોક્ટરો અને પરિચારિકાઓ સાથે સફાઈ કર્મચારીઓ અને સિક્યુરિટીઓની પણ મહેનત કામે લાગી હતી.

ઈકલાબ કડીવાલાએ કહ્યું કે, તાત્કાલિક સારવાર ટ્રોમા સેન્ટરમાં અપાઈ હતી.
ઈકલાબ કડીવાલાએ કહ્યું કે, તાત્કાલિક સારવાર ટ્રોમા સેન્ટરમાં અપાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...