સુરત શહેરમાં સેકન્ડ હેન્ડ મોબાઇલ વેચાણનું હબ ગણાતા જનતા માર્કેટમાં શુક્રવારે બપોરે ક્રાઇમબ્રાંચે 15 પોલીસ અધિકારીઓ સાથે 14થી વધુ ટીમો બનાવી 120 દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
શહેરના ભાગાતળાવ જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાણ થતા હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈ ક્રાઇમબ્રાંચના એડીશનલ પોલીસ કમિશનર શરદ સીંઘલ, મહિલા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી બી.પી.રોજીયા તેમજ પીઆઈ વાગડીયા સહિત તમામ પીઆઈ તેમજ પીએસઆઈએ સ્ટાફ સાથે ટીમો બનાવી જનતા માર્કેટમાં ચેકિંગ કર્યું હતું.
દુકાનોમાંથી લગભગ 500થી વધુ મોબાઇલ બીલ વગરના મળી આવ્યા હતા. પોલીસે બીલ વગરના મોબાઇલનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. બીલ વગરના મોબાઇલ કદાચ ચોરીના હશે તો તે દુકાનદાર સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવશે.
ડીસીબીના સ્ટાફે ચેકિંગની કામગીરી શુક્રવારે મોડીસાંજ સુધી કરી હતી. ખાસ કરીને પોલીસે બીલ વગરના મોબાઇલમાં આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડ કરવામાં આવી છે કે કેમ તે બાબતે ટેક્નિકલ સ્ટાફે તપાસ શરૂ કરી છે. ક્રાઇમબ્રાંચે અચાનક જનતા માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો.
જનતા માર્કેટમાં તો કેટલાક વેપારીઓ તો ચોરીના મોબાઇલ વેચાણ કરવાની સાથે મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝ અને સ્પેરપાર્ટસ પણ વેચાણ કરતા હોવાની વાત છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચે ચેકિંગ કરવાની જરૂર છે. થોડા દિવસો પહેલા ક્રાઇમબ્રાંચે રાંદેર વિસ્તારોમાંથી બીલ વગરના લાખોની કિંમતના આઈફોન પકડી પાડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.