તહેવારો અગાઉથી જ વેપારીઓ પર કડક વોચ રાખવાના ઇરાદે જીએસટી વિભાગે ડોર-ટુ-ડોર સરવે શરૂ કર્યો છે. જેમાં વેપારીઓ જીએસટીની સિસ્ટમ મુજબ કામ કરી રહ્યા છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. નિયમોનું પાલન નહીં કરનારા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી થઈ હોવાની માહિતી મળી છે. ટેક્સ બાર એસો.ના પ્રમુખ પ્રશાંત શાહે કહ્યું કે ખાસ કરીને બોગસ બિલિંગના વધારાને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. ઇપીસીજી સ્કીમની મોટી ગોલમાલ મુદ્દે જીએસટી મોટા ધકાડા કરી શકે છે.
અધિકારીઓ ડોર-ટુ-ડોર સર્વે કરી દુકાનોમાં શું ચેક કરી રહ્યા છે?
હાલ શહેરમાં ઠેર-ઠેર સરવે થઈ રહ્યો છે. જેમાં અધિકારીઓ સિલેકટેડ દુકાનો પર જઇને વેપારી નિયમોનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી કરી રહ્યા છે. જેમાં દુકાનદાર પાસે જીએસટી નંબર છે કે કેમ, સ્કીમ હેઠળ આવતા હોય તો બોર્ડ લગાવ્યો છે કે કેમ ખાસ કરીને કમ્પોઝિશિન સ્કીમમાં આવતા વેપારીએ બોર્ડ લગાવવું ફરજિયાત છે. જેમાં દુકાનદારે ગ્રાહકો પાસે જીએસટી ઉઘરાવવાનો રહેતો નથી. આ ઉપરાંત બિલ બુક છે કે કેમ, જીએસટી નંબર છે કે કેમ વગેરેની તપાસ થઈ રહી છે. ખાસ કરીને રેડિમેઇડ ગારમેન્ટની દુકાનો હાલ અધિકારીઓના નિશાના પર છે. તેમને બાતમી મળી છે કે અનેક દુકાનદારો બિલ વગર જ વેચાણ કરી રહ્યા છે. એક ઇનપુટ એવો પણ છે કે રજિસ્ટ્રેશન વગર જ અનેક વેપારીઓએ ધંધો શરૂ કરી દીધો છે. ઉપરાંત રજિસ્ટ્રેશન રદ કરાવી તે સ્થળે બોગસ બિલિંગના ધંધા ચાલી રહ્યા છે.
રજિસ્ટ્રેશનમાં ભારે તકલીફ
હાલ કોરોના બાદ વેપારીઓ રજિસ્ટ્રેશન અને રિફંડ મામલે ભારે પરેશાન છે. પ્રક્રિયા જટીલ હોય ઝડપથી નંબર મળતો નથી. એવી જ સ્થિતિ રિફંડ બાબતની છે. પોર્ટલ પર અનેક ટેકનિકલ અડચણો આવી રહી છે.
4 મહિના તહેવારોની સિઝન
જીએસટી અધિકારીઓ્ના સરવે પાછળ બોગસ બિલિંગ ઉપરાંત તહેવારોની સિઝનમાં ગોલમાલ ન થાય એ જોવાનો પણ ઉદેશ્ય છે. કેમકે આગામી ચાર મહિનામાં રક્ષાબંધનથી લઇને દિવાળી સુધીના તહેવારો આવી રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.