ઠગાઈ:સુરતના બિલ્ડર દંપત્તી સાથે કેનેડાના વર્ક પરમીટ અપાવવાના નામે ભેજાબાજોએ 6.40 લાખની છેતરપિંડી કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • ભેજાબાજાએ એડવાન્સ અને કંપનીમાં ડિપોઝીટ ભરવાના બહાને રકમ પડાવી

શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડરે તેની પત્ની સાથે કેનેડા જવા માટે નક્કી કર્યું હતું. બિલ્ડરે વરાછાના યુવકનો સંપર્ક કર્યા બાદ તેણે અને અમરોલીમાં રહેતા તેના મિત્રએ આ કામ કરી આપવાનો વાયદો આપ્યો હતો. બાદમાં બંને મિત્રોએ ભેગા મળી અલગ અલગ સમયે આર.ટી.જી.એસથી 4.40 લાખ અને રોકડા રૂપિયા બે લાખ મળી કુલ 6.40 લાખ લઇ લીધા હતા. જાકે બાદમાં બિલ્ડરને કેનેડાના વિઝા નહિ અપાવી તેના પૈસા પણ પરત નહિ આપી તેની સાથે ઠગાઇ કરી હતી. જેથી આખરે બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ પત્નીએ કેનેડા જવું હતું
બનાવની વિગત એવી છે કે, મોટા વરાછા રિવર વ્યૂ હાઇટ્સમાં રહેતા અલ્પેશભાઇ કરમશીભાઇ ગોયાણી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અલ્પેશભાઇ અને તેની પત્નીને કેનેડા જવું હતું. જેથી તેમણે વિઝા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે તેમનો સંપર્ક વરાછા રોડ ચીકુવાડી પાસે આવેલ ગંગોત્રી સોસાયટીમાં રહેતા રવિ વિનુભાઇ પીપળીયા સાથે થયો હતો. રવિએ અલ્પેશભાઇને જણાવ્યું હતું કે, તેનો મિત્ર પાર્થ કિશોરભાઇ અણઘણ (રહેવાસી-214 મહાવીરધામ વિભાગ-2 અમરોલી) માં આજ કામકાજ કરે છે. જેથી બાદમાં અલ્પેશભાઇ રવિ મારફતે પાર્થને મળ્યા હતા. તેઓઍ પાર્થને જણાવ્યું હતું કે, તેણે અને તેની પત્નીને કેનેડા જવાનું છે. ત્યારબાદ પાર્થ અને રવિએ સાથે મળી અલ્પેશભાઇ પાસે ડોક્યુમેન્ટ લેવાની શરૂઆત કરી હતી.

વિઝા ન અપાવ્યા કે રૂપિયા પરત ન કર્યા
ઓક્ટોબર 2019થી ફેબ્રુઆરી 2020 સુધીના સમયગાળા દરમિયાન બંનેએ અલ્પેશભાઇને મોટાવરાછા વી.આઇ.પી સર્કલ, વરાછા હીરાબાગ વિઠલનગર પાસે, કાપોદ્રા ઍસ.બી.આઇ બેન્ક અને પુણા ગામ ડી.આર. વર્લ્ડ પાસે મળી ડોક્યુમેન્ટ લીધા હતા. બાદમાં અલ્પેશભાઇ પાસેથી અલગ અલગ સમયે 4.40 લાખ રૂપિયા આર.ટી.જી.એસથી અને રોકડા રૂપિયા 2 લાખ મળી કુલ 6.40 લાખ પડાવી લીધા હતા. જાકે બાદમાં પણ અલ્પેશભાઇને કેનેડાના વિઝા નહિ બનાવી આપી ઠગાઇ કરી હતી. અલ્પેશભાઇએ રવિ અને પાર્થ પાસે પૈસા પાર્ટ માંગતા તેઓઍ પૈસા પણ આપ્યા ન હતા. જેથી આખરે ભોગ બનનાર અલ્પેશભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે 6.40 લાખની ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.