તક્ષશિલા અગ્નિકાંડ:આરોપીઓ સામે ચાર્જફ્રેમ: 13મીએ તમામને હાજર રાખી ચાર્જિસ સંભળાવવામાં આવશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના અધિકારી અને બિલ્ડરો સામે ખોટા દસ્તાવેજ બનાવવાની કલમ ઉમેરવામાં આવી

આખરે તક્ષશિલા દુર્ઘટનાના 408 દિવસ બાદ તમામ 14 આરોપીઓ સામે પ્રપોઝ ચાર્જફ્રેમનો હુકમ થયો હતો.  કેટલાંક આરોપીઓ દ્વારા ચાર્જફ્રેમ સામે કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી કોર્ટે તહોમતનામું ઘડ્યું હતું. હવે આગામી 13મી જુલાઇના રોજ બધા આરોપીઓને કોર્ટ સમક્ષ ઉપસ્થિત રાખી તમામ સામેના ઘડાયેલાં આરોપ સંભળાવવામાં આવશે. પાલિકાના અધિકારીઓ અને બિલ્ડરોની સામે ખોટા દસ્તાવેજ બનાવવાની કલમનો પણ ઉમેરો થયો હતો. 

હવે આ કેસમાં આગળ શું થશે
13 જુલાઇએ તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરી તમહોમતનામું સંભળાવવામાં આવશે. સામાન્ય રીતે ઓર્ડર  વખતે જ તહોમતનામું સંભળાવી દેવાય છે પરંતુ કોરોનાને લીધે એ શક્ય ન બન્યું. તહોમતનામુ સંભળાવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. 

તહોમતનામા વખતે ફરિયાદ પક્ષની દલીલ
આરોપીઓએ જે તકેદારી લેવી જોઇએ તે લીધી નથી. પરિણામે ગેરકાયદે બાંધકામ થયું. પાલિકાના અધિકારીઓએ પણ તકેદારી લીધી નહીં. આર્થિક લાભ માટે ગેરકાયદે જોખમી ક્લાસ ચાલુ કરાયો.

અધિકારીઓ અને ટ્યુશન સંચાલક સામેની કલમો 
કોર્ટે ફાયર અધિકારી સંજય આચાર્ય, કિર્તી મોડ, DGVCLના દિપક નાયક અને ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી સામે આઇપીસીની કલમ 304, 308 અને 114 મુજબનું તહોમતનામંુ ઘડ્યું હતુ. 

અતુલ ગોરસાલાના જામીન મંજૂર
અતુલ ગોરસાવાલાની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે. જ્યારે આ કેસમાં અન્ય 2 આરોપીઓ પાલિકાના ઇજનેર જયેશ સોલંકી અને જુ. ઇજનેર વિનુ પરમાર દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આગામી આઠમી જુલાઇના રોજ થનાર છે.

કોર્ટે રજૂ કરેલાં તારણ : કયા આરોપી સામે કયો આરોપ
ગેરકાયદે બાંધકામ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં કરેલું અને તેને એકબીજાના મેળાપીપણામાં બોગસ દસ્તાવેજોના કુટલેખનના માધ્યમથી નિયમિત કરેલુ.બીજા માળના શોરૂમમાં એ.સી.ના આઉટર યુનિટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. 

કિર્તિ મોડ
ફાયર સ્ટેશનના ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, આગમની ઘટના બાદ વરાછામાં જાગૃતતા સેમિનારમાં આરોપી ઉપસ્થિત ન હતા. ફાયર સેફ્ટીની ચકાસણી કરી ન હતી. ફાયર સુવિધા ઉપલબ્ધ ન કરાવતા આગ લાગી.

દિપક નાયક
નાયબ ઇજનેર તરીકે મેઇન્ટેનન્સ અને કમિશનીંગની સંપૂર્ણ જવાબદારી તેમની હોય પણ તે બાબતે બેદરકારી રાખવામાં આવે તો અકસ્માત થવાથી મૃત્યુ નિપજી શકે તેવી હકીકત જાણતા હોવા છતાં તેઓએ પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી છે. 

જયેશ સોલંકી
વરાછા ઝોનમાં વર્ષ 2010માં કાર્યપાલક ઇનજેર હતા. ઇમ્પેક્ટ ફી આકારણી કરી તે ભરી દીધી તેમજ સર્ટિફિકેટ આપી દેવાયંુ તે વખતે આરોપીના ભાગે છેલ્લાં બે સી.ઓ.આર. આપ્યા હતા. 

સંજય આચાર્ચ
ફાયરના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ હતા. મિલકતો, શોપિંગ મોલમાં ફાયર સુવિધાની ચકાસણી કરી ખામી જણાય તો કાર્યવાહી કરવાની હોય છતાં ફરજમાં બેદરકારી દાખવી કાર્યવાહી કરી ન હતી. 

દિનેશ વેકરીયા
મિલકતમાં ત્રીજા માળનું ગેરકાયદે બાંધકામ ઊભંુ કરી તે બાંધકામ રેગ્યુલાઇઝ કરાવવા પાલિકામાં જુદી-જુદી ચાર અરજીઓ આપી તે 4 અરજીઓના કામે આ આ કામના આરોપી વિનુ પરમાર, પરાગ મુન્શી, અતુલ ગોરસાવાલા અને હિમાંશુ ગજ્જરનો સંપર્ક કર્યો હતો. 

ભાર્ગવ બુટાણી
મિલકત ભાડે રાખી, તેમાં આવતાં જતાં વિદ્યાર્થીઓ માટે સલામતીના કોઈ પગલાં નહીં લઈ, વ્યવસ્થા ન રાખી તેમજ આવવા જવાની પૂરતી વ્યવસ્થા નહી રાખતા મોટી હોનારત થઇ છે. 

હરસુખ વેકરિયા, રવિન્દ્ર કહાર અને  સવજી પાઘડાળ
ત્રણેય આરોપી ભાગીદારોએ પત્નીઓના નામે સંયુક્ત ખરીદી કરી, કબજા રસીદ બનાવી હતી. ભાગીદારાઓ શોપિંગ સેન્ટરમાં બીજા, ત્રીજા માળનું બાંધકામ કરાવી 2012માં ડોમ બનાવ્યો. 

વિનુ પરમાર, પરાગ મુન્શી, અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર
તેમની ફરજમાં જે તકેદારી લેવી જોઇએ તે લીધી નહીં અને અન્ય આરોપીના ગેરકાયદેના બાંધાકમને કાયદેસર કરવા માટે ખોટા દસ્તાવેજ, કુટલેખન કરી એકબીજાના મેળાપીપણામાં ગુનો આચર્યો. 

જીગ્નેશ પાઘડાળ
બિલ્ડરનો પુત્ર છે તેણે અને આરોપી નંબર 2, 6, 11નાઓએ ગેકાયદેસરનંુ બાંધકામ ઊભું કરી, અને તે અન્ય આરોપીઓના મેળાપીપણામાં  ગેરકાયદે ઇમ્પેક્ટ ફી ભરાવી રેગ્યુલર કરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...