પરશુરામ જયંતિ અને ઈદની ઉજવણી:સુરતમાં મુસ્લિમ બિરાદરોની રાંદેર ઇદગાહ ખાતે નમાઝ અદા, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી

સુરત22 દિવસ પહેલા
ઈદ અને પરશુરામ જયંતિની ઉજવણી.
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ

આજે પરશુરામ જયંતિ અને ઈદ એક સાથે છે. ત્યારે લોકોએ ભારે ઉત્સાહ સાથે પરશુરામ જયંતિ અને ઈદની ઉજવણી કરી હતી. રાંદેર ખાતે ઇદગાહમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ હતી. જ્યારે પરશુરામ જયંતિને લઈને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

નાના-મોટા સૌ કોઈ ઈદની નમાઝ અદા કરતા દેખાયા
કોરોના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં રાંદેર ઇદગાહમાં લોકો ભેગા થયા હતા. ઇદની નમાજ પડ્યા પછી લોકો એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી આપી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ ઇદની નમાઝ અદા થઈ હતી. સવારથી જ મુસ્લિમ બિરાદરો માને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગઈકાલે પણ ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી બજારમાં જોવા મળી હતી. રમજાન માસમાં પૂર્ણ થતાં જે નાના-મોટા સૌ કોઈ ઈદની નમાઝ અદા કરતા દેખાયા હતા.

આનંદ અને ઉત્સાહ સાથે બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન
પરશુરામ જયંતિને લઈને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સુરતમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગેસ સર્કલ, આનંદ મહેલ રોડ, મહાલક્ષ્મી મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર જઈને પરશુરામ ઉદ્યાન ખાતે સમાપન થશે. સમગ્ર દક્ષિણ ગુજરાતના બ્રહ્મ સમાજના યુવકો બાઇક રેલી અને ઘણા ખરા પગપાળા પણ શોભાયાત્રામાં જોડાયા હતા. દક્ષિણ ગુજરાતને ભગવાન પરશુરામની તપસ્યાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આનંદ અને ઉત્સાહ સાથે બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, સનાતન ધર્મને લઈને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈપણ પ્રતિબંધ વગર છૂટથી ઈદની ઉજવણી
શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇદની નમાઝ અદા કરવાનો ઉત્સાહ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો. રાંદેર સહિત ચોક, ભાગળ, લિંબાયત જેવા વિસ્તારોમાં વિશેષ કરીને ઈદનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના નિયંત્રણમાં આવતાની સાથે જ આ વખતે મુસ્લિમ બિરાદરોએ કોઈપણ પ્રતિબંધ વગર છૂટથી ઈદની ઉજવણી કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ભાઈચારા અને એકતાનો સંદેશ આપતા ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

શાંતિ અને ભાઈચારા વચ્ચે ઈદની ઉજવણી
રાંદેર ખાતે ઇદની નમાજ અદા કરવા આવેલા પરવેઝ શેખે જણાવ્યું કે આજ રાંદેર વિસ્તારમાં ઈદની નમાજ અદા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણ હોવાને કારણે આટલી સંખ્યામાં એકત્રીત થઈ શકતા ન હતા. કોરોના સંક્રમણ સુરત શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો કોઈ જોઈ શક્યા ન હતા પરંતુ આજે ખુબ જ શાંતિ અને ભાઈચારા વચ્ચે ઈદની ઉજવણી કરવામાં આવી છે. રાંદેરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે. આજના પવિત્ર દિવસે સૌ કોઈ એકત્રિત થઈને તમામ રાગ દ્વેષ ભૂલીને એકબીજાને ગળે ભેટી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...