આયોજન:સેન્ટ્રલ ઝોનની 5 સોસાયટીમાં સી.સી. રોડ બનાવવા 35 લાખનો ખર્ચ કરાશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14મીઅે બાંધકામ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે
  • કરંજ-ઉમરવાડામાં વેન્ડિંગ માર્કેટ માટે મંજૂરી મંગાઈ

સુરત મહાનગર પાલિકાના શાસકોએ સેન્ટ્રલ ઝોનમાં ડામરના રસ્તાને બદલે સોસાયટીઓમાં સિમેન્ટ કોંક્રીટના રસ્તા બનાવવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સગરામપુરા છોવાલા શેરી, ગોપીપુરા મોટી છીપવાડ, મહીધરપુરા ટેકરાવાલી શેરી, કબીર શેરી અને આમલી શેરીના રસ્તાને સી.સી રોડ બનાવવા માટેના અંદાજ મંજૂર કરવાનું કામ જાહેર બાંધકામ સમિતિમાં મુકવામાં આવ્યું છે. આ 5 શેરીમાં સીસી રોડ બનાવવા પાછળ અંદાજે 34.77 લાખનો અંદાજ મુકાયો છે.

સોમવારે મળનાર જાહેર બાંધકામ સમિતિમાં અંદાજ મંજૂરી મામલે નિર્ણય લેવાશે. ઉપરાંત ઉમરવાડા ખાતે હયાત વેન્ડિંગ માર્કેટને રૂા.1.20 કરોડમાં નવીનીકરણ કરવા અને કરંજમાં ખાડી મહોલ્લા ખાતે 3.18 કરોડના ખર્ચે નવું વેન્ડિંગ માર્કેટ બનાવવા માટેના અંદાજ માટે મંજૂરી મંગાઇ છે. આ ઉપરાંત લિંબાયત વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ગાર્ડનને રૂપિયા 33 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

જહાંગીરપુરા-વરાછામાં ફાયર સ્ટેશન બનશે
શહેરમાં વિસ્તાર અને વસ્તીના વધતા વ્યાપ તેમજ નવા હાઇરાઇઝ ઇમારતો અને કોમર્શિયલ ઇમારતોને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરા અને વરાછા વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ટી.પી.46 જહાંગીરપુરા, એફ.પી 87 ખાતે ફાયર સ્ટેશન અને વરાછા-એમાં એફ.પી નં 4 અશ્વિનીકુમાર-નવાગામમાં ફાઇનલ પ્લોટ નંબર 3માં ફાયર સ્ટેશન સાથે ફાયર ક્વાટર્સ સાકાર કરવામાં આવનાર છે. આ બંને ફાયર સ્ટેશન માટે અનુક્રમે 2.51 કરોડ અને 8.04 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...