ભાસ્કર વિશેષ:હજીરા રોડ પર અકસ્માતમાં બેભાન થયેલા યુવકના રોકડ-દાગીના મળી 2.50 લાખની મતા 108ના કર્મીઓએ પરત કરી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચલથાણના યુવકને હજીરા રોડ પર અકસ્માત થતાં સિવિલ લઈ જવાયો હતો

ચલથાણના એક રહીશનો હજીરા રોડ પર અકસ્માત થતાં 108 મારફતે તેને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ યુવક હજીરા રો-રો ફેરીમાંથી ઉતરીને મોપેડ મારફતે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જયો હતો. આ યુવક પાસેથી 108ના એક કર્મચારીને 61 હજાર રોકડા સહિત સોના-ચાંદીના ઘરેણાં મળીને આશરે 2.50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. 108ના કર્મીએ માણસાઈનો પરિચય આપતાં આ તમામ મુદ્દામાલ યુવકના પરિવારને પરત કરી એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પલસાણામાં રહેતા ઘનશયામ પટેલ ભાવનગરથી રો-રો ફેરીમાં ગુરુવારે રાત્રે હજીરા આવ્યા હતા. જ્યાંથી પોતાની એક્ટિવા મોપેડ લઈને તેઓ ઘરે જતા હતા ત્યારે હજીરા રોડ પર અકસ્માત થતાં માથાની ભાગે ઇજા થતાં બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સને આ અંગે કૉલ મળતા ઇએમટીના શબ્બીરખાન અને પાઇલટ મુકુન્દભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને 38 વર્ષિય ઘનશ્યામભાઈને સારવાર માટે સિવિલમાં લઇ ગયા હતા.

જેમની પાસેથી શબ્બીરને 61 હજાર રોકડા અને સોનાની 3 વીંટી, દોઢ લાખની એક ચેઇન, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ચાંદીની વીંટી, ડોક્યુમેન્ટ અને ATM કાર્ડ મળી આવ્યા હતા. ઈએમટીના શબ્બીરખાને ઘનશ્યામભાઈના કોઈ સગા ન હોવાથી આ તમામ વસ્તુઓ તેમણે પોતાની પાસે જ રાખી હતી. બાદમાં તમામ વસ્તુઓ ઘનશ્યામભાઈના મિત્ર મયૂરભાઇને સોંપીને તેમણે માનવતા મહેકાવી હતી.

61 હજાર રોકડા, સોનાની 3 વિંટી, દોઢ લાખનો અછોડો, એન્ડ્રોઇડ ફોન, ચાંદીની વિંટી વગેરે વસ્તુઓ પરત કરી
108ના ઇએમટી શબ્બીરભાઈએ 61 હજાર રોકડા અને સોનાની 3 વીંટી, દોઢ લાખની એક ચેઇન, એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ચાંદીની વીંટી, ડોક્યુમેન્ટ અને ATM કાર્ડ વગેરે તમામ મુદ્દામાલ અકસ્માતમાં ઘાયલ થનારા ઘનશ્યામભાઈના મિત્ર મયૂરભાઇને સોંપીને માનવતા મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...