સામાન્ય રીતે ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ સામે આવે છે. જો કે, હાલ ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા કેસ ચોમાસા જેટલા જ નોંધાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો ડિસેમ્બરમાં ડેન્ગ્યુના 194 દર્દી, મેલેરીયાના 244 દર્દી અને ઝાડા ઊલટીના 87 દર્દીઓ દાખલ થયા છે.
આ સંખ્યા માત્ર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની જ છે. ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુ, મલેરીયા અને ઝાડા ઉલટીના કેસોમાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. આ મહિનાથી ડેંગ્યુ-મેલેરીયાના કેસોમાં ઘટાડો થશે તેવો પાલિકાના આરોગ્ય વિભાગનો દાવો છે.
ઠંડી વધશે તેમ તેમ મચ્છરો ઘટતા જશે
ઠંડી વધશે તેમ તેમ મચ્છરોની ડેન્સિટી ઘટતી જશે. જાન્યુઆરીમાં એક સમય એવો આવે છે જ્યારે ડેન્સિટી બિલકુલ શૂન્ય જેવી થઈ જાય. ઠંડીની સિઝન વાયરસ અને મચ્છરના ગ્રોથ માટે અનુકુળ હોતી નથી. 19-20 ડિગ્રીથી નીચે ટેમ્પ્રેચર જાય એટલે મચ્છરના આગળના જનરેશનને સમય લાગે.
8 દિવસમાં મચ્છર બની જતા હોય તો ઠંડીમાં દિવસો વધે. ઠંડા પાણીમાં એટલું ડેવલપમેન્ટ ન થાય. એટલે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જૂન-જુલાઈ સુધી કેસ જોવા ન મળે. છેલ્લા 15 દિવસથી 5મા ભાગના પણ કેસ નથી. > જે.પી. વાગડીયા, જંતુનાશક અધિકારી
છેલ્લા 6 માસના કેસ
મહિનો | ડેંન્ગ્યુ | મલેરીયા | ગેસ્ટ્રો |
જુલાઈ | 64 | 113 | 109 |
ઓગસ્ટ | 221 | 279 | 84 |
સપ્ટેમ્બર | 190 | 234 | 63 |
ઓક્ટોબર | 209 | 259 | 69 |
નવેમ્બર | 192 | 241 | 98 |
ડિસેમ્બર | 194 | 244 | 87 |
હવે OPD ઘટી રહી છે
સામાન્ય રીતે શિયાળામાં ડેંગ્યુ, મેલેરીયા ઓછા હોય છે. જો કે, ડિસેમ્બરમાં પણ દર્દી વધુ દાખલ થયા હતા. હવે ધીમે ધીમે ઓપીડીમાં ઘટાડો શરૂ થયો છે. > ડો. કે. એન. ભટ્ટ, વડા, મેડિસિન વિભાગ, સિવિલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.