સુરતના પાસોદરામાં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણીની આખો દિવસ વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું. ન્યાયિક કાર્યવાહીને આટોપી લઈને મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસની નાદુરસ્ત તબિયત હોવા છતાં આ કેસની સ્પીડી ટ્રાયલને આગળ ધપાવી હતી. દરમિયાન બચાવ પક્ષ દ્વારા પેન ડ્રાઇવ રજૂ કરવામાં આવી હતી. જેમાં ફેનિલ અને ગ્રીષ્માએ એકબીજા સાથે પડાવેલા ફોટાઓ હતા.
4 કલાક ચાલેલી પ્રોસેસમાં ફેનિલને 908 સવાલ કરાયા
આરોપી ફેનિલ ગોયાણીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. સતત 4 કલાક ચાલેલી પ્રોસેસમાં ફેનિલને 908 સવાલ કરાયા હતા. જેમાં 355 પાનાનું સ્ટેટમેન્ટ તૈયાર થયું હતું. ફેનિલે જવાબમાં ગુનો કબૂલ્યો નહતો અને પોતાનો જવાબ દલીલમાં આપશે એમ જણાવ્યું હતું. ટ્રાયલ દરમિયાન જે મુદ્દાઓ સામે આવ્યા હતા તે મામલે ફેનિલને સવાલો કરાયા હતા.
મોટાભાગના જવાબ બચાવ પક્ષના વકીલે આપ્યા
સરકાર પક્ષે ફેનિલને પુછાયેલાં સવાલોના જવાબ બચાવ પક્ષના વકીલ દ્વારા આપવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન ડોકટર, ઉપરાંતના જે સાહેદોએ જવાબ આપ્યા હતા, તેના પરથી ફેનિલને સવાલ પુછાયા હતા. આરોપી સામે જે પુરાવા સામે આવ્યા છે તેને સંલગ્ન સવાલો કરાયા હતા. જેમાં દસ્તાવેજી પુરાવા અને મૌખિક જુબાનીનો સમાવેશ થતો હતો. આ મામલે આરોપીનો ખુલાસો માગવામાં આવ્યો હતો. જો કે, મોટાભાગના સવાલોના જવાબ અંતિમ દલીલમાં આપવામાં આવશે એમ જણાવાયું હતું.
ચુકાદો સંભવતઃ એકાદ બે મુદતોમાં જાહેર થાય તેવી શક્યતા
ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટમાં 190 સાક્ષીમાંથી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જ્યારે 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. જેથી કોર્ટમાં આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. આ કેસમાં હવે આરોપીના બચાવપક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભવતઃ આગામી એકાદ બે મુદતોમાં જાહેર થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.
ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.