83 વર્ષીય વૃધ્ધા સાથે પુત્ર અ્ને પુત્રવધુએ કરેલા અન્યાયનો કિસ્સો સામે કોર્ટમા આવ્યો છે. વૃધ્ધાના પતિનુ અવસાન થયા બાદ પુત્રએ મુંબઇ અને સુરતની અંદાજે આઠ થી દસ કરોડની પ્રોપર્ટી કબજે કરી લીધી હતી અને માતા સુરતના જે ઘરમાં રહેતી હતી ત્યાથી પણ તેમને જવાની ફરજ પડાઈ હતી. હાલ વૃધ્ધાને પોતાની બહેનને ત્યાં આશરો લેવાની ફરજ પડી છે. સમગ્ર મામલે માતાએ પુત્ર સામે ભરણ પોષણ અને ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ એડવોકેટ નેહલ મહેતા મારફત કરી છે.
માતા મૃત્યુ પામે તે માટે સ્ટ્રોકની દવા બંધ કરાવી દીધી
વૃધ્ધાના પતિનું 1987માં અવસાન થયું હતું. પુત્ર લગ્ન બાદ મુંબઇમાં રહેતો હતો. કોરોના દરમિયાન માતાએ બોલાવ્યો હોવા છતાં તે આવ્યો ન હતો. આથી દિકરી માતા સાથે રહેવા આવી હતી અને થોડા દિવસ બાદ પુત્ર અને પુત્ર વધુ એમ કહીને રહેવા આવ્યા હતા કે મુંબઇમાં કોવિડ ખૂબ છે. બાદમાં બંનેએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને કોરા કાગળો પર પણ સહિ કરાવી લીધી હતી. માતા મોતને ભેટે એ ઇરાદે બ્રેઇન સ્ટ્રોકની દવા પણ બંધ કરાવી દીધી હતી અને કહ્યું હતું કે તમે બહું જીવી લીધું, વધુ જીવવાની જરૂર નથી. ઉપરાંત મુંબઇ અને સુરતના મકાનના બક્ષિશ દસ્તાવેજ કરાવી લીધા હતા.
વહુએ મોઢામાં મરચાં ભરવા સહિતની ધમકીઓ આપી
પુત્રની સાથે પુત્રવધુનો પણ એટલો જ ત્રાસ હતો. માતા તીખું ખાઈ ન શકતી હોવા છતાં જમવાનું તીખું જ બનાવવામાં આવતું હતું. ચ્હા પીતી હોય તો હાથમાંથી ચ્હા ફેંકી દેતી હતી અને પુત્રવધુ કહેતી કે જો કાગળો પર સહિ નહીં કરો તો રિબાવી-રિબાવીને મારી નાંખીશું. મોઢામાં મરચા ભરી દઈશ. ઉપરાંત એક ગ્રામ પણ સોનું પણ છોડી નહીં એવી ધમકીઓ આપતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.