સુરતના જીલાણી બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કારચાલકની ભૂલને કારણે પાછળથી આવતા બાઈકસવારોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલકે અડધા રસ્તે કોઈ જ સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો, જેને કારણે પાછળથી ફુલ સ્પીડમાં આવતી બાઈક અથડાઈ હતી, જેથી બન્ને બાઈકસવારને ભારે ઈજા પહોંચી હતી. અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં, જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલકની બેદરકારી
જીલાણી બ્રિજના છેડે બાઈકસવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ પૈકી કિશન ઉર્ફે ચિંતન સ્પ્લેન્ડર લઈને આવી રહ્યા હતા, એ દરમિયાન કારચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે, તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
અકસ્માત સીસીટીવીમાં કેદ
સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેમાં બાઈકસવાર પાછળથી આવીને ગોલ્ડન કલરની કાર સાથે અથડાઈ છે. હાલ રાંદેર પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, સાથે અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.