ગુજરાત વિધાનસભા પ્રથમ ચરણના ઇલેક્શન લડવા ઈચ્છતા ઉમેદવારોના નામાંકન ભરવા માટેનો આજનો છેલ્લા દિવસ છે. તમામ મોટી રાજકીય પાર્ટીઓના અડધો ડઝન જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઇ આજે આવતીકાલે ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોમાં દોડાદોડી થતી જોવા મળી રહી છે. બીજી તરફ જેમના ફોર્મ ભરાઈ ગયા છે. તેવા ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવા માટે થઈને રેલીઓના આયોજન કરવામાં આવ્યાં છે. આજે વરાછા બેઠક પર ભાજપ અને આપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
3 વાગ્યા સુધી ફોર્મ ભરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ આજે 3:00 વાગ્યા સુધીમાં તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેનું નામાંકન ફોર્મ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણ મોટા પક્ષોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી.સુરતની 12 બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ કોંગ્રેસ અને આપના કુલ 36 ઉમેદવારોમાંથી માત્ર 15 ઉમેદવારો એ જ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે 21 ઉમેદવારોએ હજી સુધી પોતાનું ચૂંટણી લડવા માટેનું નામાંકન કરાવ્યું નથી. આમ આદમી પાર્ટીમાંથી સાત ઉમેદવાર ભાજપમાંથી છ ઉમેદવાર,અને કોંગ્રેસમાંથી 8 ઉમેદવારો મળી કુલ 21 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા નથી.આ તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે દોડાદોડી કરતાં નજરે પડ્યાં હતાં.
કોંગ્રેસની બાઈક રેલી
160 સુરત ઉત્તર વિધાનસભાના ઉમેદવાર અશોકભાઈ (અધેવાડા) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી આજરોજ એક ઈ-મોપેડ લઈ ઉમેદવારી પત્ર ભરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતાં. ત્યારે કાર્યકરોએ કહ્યું હતું કે, 160 સુરત ઉત્તર વિધાનસભાના મતદાતાઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ઉપર કે આજે વર્ષો પછી લડાયક યોદ્ધા 160 સુરત ઉત્તર વિધાનસભાને મળ્યા એને બહુમતીથી જીતાવી અને વિધાનસભામાં અમે મોકલીશું એવી ઉત્તર વિધાનસભાની જનતા બાંહેધરી આપી રહી છે.
ભાજપની રેલી
સુરતની વરાછા રોડ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી દ્વારા સરથાણા જકાતનાકાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ સહિતના લોકો જોવા મળ્યાં હતાં. કેસરી ટોપી અને ખેસ સાથે કેસરીયો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરીને મતદારોને રિઝવવા પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.
આપની પરિવર્તન માટે રેલી
વરાછા રોડ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પાટીદાર અનામત આંદોલનથી જાહેરમાં આવેલા અલ્પેશ કથિરીયા દ્વારા ચૂંટણી લડવામાં આવી રહી છે. અલ્પેશ કથિરીયાની રેલીમાં પરિવર્તનના નારાઓ લાગી રહ્યાં છે. મોટી સંખ્યામાં યુવાનો અલ્પેશ કથિરીયાની રેલીમાં દેખાયા હતાં. અલ્પેશ કથિરીયા દ્વારા આ વખતે ગુજરાત પરિવર્તન માગે છે તેવા નારા પણ લગાવાવમાં આવી રહ્યાં છે.
આટલા પક્ષના આજે ફોર્મ ભરાશે
ભાજપ :- 6 ઉમેદવાર બાકી , બેઠક - મજૂરા , વરાછા, કરંજ, કામરેજ, ચોર્યાસી, સુરત ઉત્તર
કોંગ્રેસ :- 8 ઉમેદવાર બાકી ,બેઠક - મજૂરા, વરાછા, કરંજ, ઉધના, લીંબાયત, ચોર્યાસી, સુરત ઉત્તર, સુરત પૂર્વ
આપ :- 7 ઉમેદવાર બાકી , બેઠક - સુરત પશ્ચિમ, વરાછા, મજૂરા, ચોર્યાસી,ઓલપાડ, લીંબાયત, ઉધના
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.