સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. મહાનગર પાલિકા અંતર્ગત આવતી જગ્યા ઉપર દબાણો ઊભા કરીને રસ્તાઓ નાના કરી દીધા છે. ત્યારે મનપા દ્વારા આ તમામ દબાણો દૂર કરીને રસ્તા મોટા કરવાનું અભિયાન શરૂ કરાયું છે. જેમાં આજે એક જ દિવસમાં મનપની 8 ટીપી રસ્તાઓ પર 78000 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કર્યા છે.
મનપાનું રસ્તા ખુલ્લા કરવાનું અભિયાન
સુરત પાલિકાએ એક સાથે દરેક ઝોનમાં ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાનું અભિયાન હાથ ધર્યું છે. પાલિકાએ 35 ટીપી રસ્તા ખુલ્લા મુકવાનું આયોજન હાથ ધરી તેનું અમલીકરણ શરુ કર્યું છે. ગઈકાલે 61000 ચોરસ મીટર રસ્તા ખુલ્લા કર્યા બાદ આજે સતત બીજા દિવસે આ કામગીરી ચાલુ રાખી હતી. આજે બીજા દિવસે 8 ટીપી રસ્તાઓનો કુલ 78,000 ચોરસ મીટર રસ્તાનો કબજો લેવાની કામગીરી કરી હતી.
35 જેટલા રસ્તાઓ પહેલા ફેઝમાં
મનપા કમિશનર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે દરેક ઝોનમાં ટીપી રસ્તાઓ ખુલ્લા કરવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. 35 જેટલા રસ્તાઓ પહેલા ફેઝમાં આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે અને ગતરોજ 10 જેટલા રસ્તાઓ અને 61,000 ચોમી જગ્યાને ખુલ્લી કરી પાલિકાએ કબજો મળવ્યો છે. ઝોનલ ચીફના સુપરવિઝન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી કરવા માટે જરૂરી તમામ મશીનો અને સાધનો પુરા પાડવામાં આવી રહ્યા છે.
જ્યાં સુધી તમામ રસ્તાઓ ખુલ્લા થશે નહીં ત્યાં સુધી કરાશે કાર્યવાહી
મનપા કમિશનર શાલીની અગ્રવાલ વધુમાં જણાવ્યું હતું કે જેમ જેમ રસ્તા ખુલ્લા થતા જાય છે ત્યાં કાચો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. અને તબક્કાવાર બજેટમાં જોગવાઈ કરીને પ્રાયોરિટી પ્રમાણે વધારે રસ્તા બનાવવાનું આયોજન કોર્પોરેશન તરફથી હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં સુધી આ તમામ રસ્તાઓ ખુલ્લા થશે નહીં ત્યાં સુધી આ કામગીરી કરવામાં આવશે.
રસ્તાઓ પરના તમામ દબાણો દૂર કરાશે
વધુમાં જણાવ્યું હતું કે મનપાની જગ્યા પરના રસ્તાઓ પર જુદા જુદા પ્રકારના દબાણો કરવામાં આવ્યા છે. જે દુર કરવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પરથી દબાણ દુર થવાથી લોકોને રાહત મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. અને જો ભવિષ્યમાં ફરી અહી દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કેટલા અધિકારીઓ દ્વારા કરાઈ કાર્યવાહી
આજે વિવિધ ઝોનના અંદાજીત 78000 ચો.મી.ક્ષેત્રફળના કુલ 8 રસ્તાઓના અમલીકરણ અંતર્ગત સુરત મહાનગરપાલિકાના 14 ડેપ્યુટી ઈજનેર, 30 આસી./જુની.ઈજનેર, 17 સુપરવાઈઝર/ટેક.આસી, 125 બેલદાર સહિતના સ્ટાફ તથા 17 જેસીબી તેમજ 23 ટ્રક/ડમ્પર સહિતના મેન પાવર /મશીનરીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.