સુરતમાં નાનપુરા વિસ્તારની પરિણીતાએ બિમાર પતિને તબિયત પુછવા ફોન કરતા ત્રણવાર તલાક કહીને ફોન કટ કરી નાખ્યો હતો. જેથી પરિણીતાએ પતિ સહિત સાસરિયાના ચાર સામે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિયે છે કે પત્નીએ પતિનો ફોન ચેક કરતા અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું જણાયું. આ બાબતને લઈને પત્નીને સતત માર મારતો રહેતો હતો.
3 વર્ષ પહેલાં લગ્ન થયા હતા
નાનપુરા વિસ્તારમાં રહેતી નિલોફર (ઉ.વ. 22 નામ બદલ્યું છે)ના લગ્ન 2019માં રીક્ષા ચાલક અનીશ મુસ્તાક શાહ (રહે. અનવરનગર, આંજણા ફાર્મ, સલાબતપુરા) સાથે થયા હતા. લગ્ન બાદ નિલોફર પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ હતી. શરૂઆતના સમયમાં સાસરીયાએ સારો વ્યવહાર રાખ્યો હતો.
વોટ્સએપ ચેક કરતા પરસ્ત્રી સાથે સંબંધ સામે આવ્યો
સમય પસાર થતા પતિ અનીશે તારા ઘરવાળાએ મને કંઇ આપ્યું નથી, તારે ખુશ રહેવું હોય તો તારા પિયરમાંથી 5 લાખ રૂપિયા લઇ આવ એમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પતિ સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતો હોવાથી નિલોફરને શંકા જતા વોટ્સએપ ચેક કરતા પરસ્ત્રી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
રસોઈ બનાવતા ન આવડતી હોવાનું કહી ઘરમાંથી કાઢી મૂકી
આ અંગે પતિને ઠપકો આપતા નિલોફરને માર માર્યો હતો. જયારે નિલોફરએ બનાવેલી રસોઇમાં સાસુ નસીમબાનુ મુસ્તાક હિદાયત શાહ વધારે મીઠુ નાંખી દેતી હતી. જેથી સાસુની સાથે સસરા મુસ્તાક હિદાયત શાહ અને દિયર સમીર મુસ્તાક શાહ પણ રસોઇ બનાવતા આવડતી નથી એમ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી.
અચાનક ગુસ્સો કરી ત્રણવાર તલાક કહી કીધું
બે દિવસ અગાઉ પતિ બિમાર હોવાનું જાણવા મળતા ગત રોજ નિલોફરએ પતિ અનીશને તબિયત કેવી છે તે પુછવા કોલ કર્યો હતો. પરંતુ અનીસે કોલ રિસીવ કરી અચાનક ગુસ્સો કરી ત્રણવાર તલાક એમ કહી ફોન કટ કરી દીધો હતો. જેથી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.