કરપીણ હત્યા:સુરતના મોટા વરાછામાં માથાભારેએ બે સાગરીતો સાથે મળી ખેડૂતને મોતને ઘાટ ઉતાર્યો, સાથે રહેલી માસૂમ બાળકી રડતી-રડતી ઘરે પહોંચી

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બાળકીને બાઈક પર લઈને કુતરાઓને જમવાનું આપવા જતા ખેડૂતની હત્યા

સુરતના મોટા વરાછા ભડીયાદરા ફાર્મ હાઉસ નજીક માથાભારે ભરવાડે બે સાગરીતો સાથે મળી બાઇક સવાર ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા, લાકડાના ફટકાથી માર મારી જાહેરમાં પતાવી નાખતા ભાગદોડ મચી ગઈ હતી. 35 વર્ષીય ખેડૂત હિતેશ પટેલ બહેનપણીની નવ વર્ષની પુત્રીને બાઈક પર લઈને કુતરાઓને જમવાનું આપવા માટે નીકળતા મોત મળ્યું હતું. માસૂમ બાળકી રડતા-રડતા ઘરે જઈ જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો.

હુમલાખોર ત્રણેય હુમલો કરી ભાગી ગયા
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે ઘટના બુધવારની મોડી સાંજની હતી. માસૂમ કશીષ રડતા-રડતા ઘરે ગઇ હતી અને માતા ચંપાબેનને કહ્યું હતું કે હિતેશ કાકા સાથે અમે જતા હતા ત્યારે કેટલાક લોકોએ તેમને અટકાવીને માર મારી રહ્યા છે. ચંપાબેન તાત્કાલિક આ સાંભળી ભડીયાદરા ફાર્મ પાસે દોડી ગયા હતા. જોકે હુમલાખોર હીરા ભરવાડ સહિત ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા.

પગ, ઘુટણ, કમર સહિત શરીર ગંભીર ઇજાથી મોત
લોહીલુહાણ હાલતમાં પડેલા હિતેશને પગ, ઘુટણ, કમર સહિત શરીર ગંભીર ઇજાને પહોંચી હતી. હિતેશને તાત્કાલિક સારવાર માટે ચંપાબેન સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ હિતેશને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા હિતેશની બહેન જયાબેન પટેલ પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પોલીસે જયાબેનની ફરિયાદ લઈ હિરા ભરવાડ સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

યોગ્ય સારવાર ન કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
મોડીરાત્રે હિતેશ પર થયેલા હુમલા બાદ સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા બાદ યોગ્ય સારવાર ન કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી ઇમરજન્સી વિભાગમાં ધમાલ મચાવી હતી. બે કલાક સુધી તેના પરિવારજનોએ ઇમરજન્સી વિભાગ માથે લેતા આખરે સ્મિમેરના તબીબોએ અમરોલી પોલીસને જાણ કરવાની ફરજ પાડી હતી. અમરોલી પોલીસે સ્મીમેર દોડી આવતા બે કલાક બાદ મામલો થાળે પડ્યો હતો.

હત્યાનું કારણ અકબંધ
પોલીસે જણાવ્યું હતું કે હિતેશ મણીલાલ પટેલ (ઉ.વ. 35) મોટા વરાછાના ખરી ફળિયામાં રહેતા હતા અને ખેતીકામ સાથે સંકળાયેલા હતા. હિતેશભાઈની હત્યા પાછળનું કોઈ કારણ સામે નથી આવ્યું. પોલીસ હત્યારાઓને શોધી રહી છે.