વિકાસ:‘વર્ષના અંત સુધીમાં દેશભરમાં 200 વંદે ભારત ટ્રેન દોડતી થશે’

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દેશમાં કુલ 400 વંદે ભારત દોડતી કરવા લક્ષ્યાંક
  • ટ્રેનની ડિઝાઇનને લઈ અકસ્માત વધુ દેખાય છે: જરદોશ

દેશભરમાં 2023ના અંત સુધીમાં કુલ 200 જેટલી વંદેભારત ટ્રેન દોડતી હોવાનો સંકેત રેલવે મંત્રી દર્શના જરદોશએ આપ્યો છે. આ સાથે તેમણે સમગ્ર ભારતમાં 400 વંદે ભારત ટ્રેન દોડાવવાનું લક્ષ્યાંક પણ હોવાનું જણાવ્યું હતું. જેમાંથી 200 ટ્રેન તો આ એક જ વર્ષમાં તૈયાર થઇ જશે. આ ઉપરાંત તેમણે વંદે ભારત ટ્રેનના અકસ્માતને લઇને જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનની ડિઝાઇન જ એવી બનાવાઇ છે કે, જેમાં અકસ્માત વધુ દેખાય છે. જ્યારે બીજી સામાન્ય ટ્રેનોમાં પણ અકસ્માતો થાય જ છે પરંતુ પોલાદની મજબૂત બોડી હોવાના કારણે આ અકસ્માતો સ્પષ્ટ રીતે દેખાતા નથી.

30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારતને લીલીઝંડી આપી હતી. ત્યારબાદ દેશમાં કુલ 5 જેટલી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જો કે, આ ટ્રેન શરૂ થઇ તેના ત્રીજા જ દિવસે અમદાવાદના વટવા પાસે વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો અને એન્જિનના ભાગે પશુ ટકરાયા હતા. ત્યારબાદ સમયાંતરે આ ટ્રેન સાથેના અકસ્માતનો આંકડો વધતો જ ગયો હતો અને આજ સુધીમાં 7થી વધુ અકસ્માત થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનમાં અકસ્માત ન થાય તે માટે ગુજરાતમાં સમગ્ર રેલવે ટ્રેક ઉપર બેરીકેટ લગાવવા માટે પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, જેની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવેશે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...