ઉંમર તો ખાલી નંબર છે!:સુરતમાં સર્જરી અને પીડાઓને બાજુમાં મૂકી 'દાદી'ઓએ મન મૂકીને કર્યા ગરબા, ભલભલા મોઢામાં આંગળી દબાવી લેશે

સુરત13 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
  • ગ્રેન્ડમા ગ્રુપની 60થી વધુ ઉંમરની મહિલાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠી

વૃદ્ધાવસ્થામાં મહિલાઓ શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી ગ્રસ્ત હોય છે, પરંતુ સુરતની 60 વર્ષથી ઉપરની મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number..'અનેક સર્જરી અને પીડાઓને બાજુમાં મૂકી 60 વર્ષથી વધુની મહિલાઓ ડાન્સ અને ગરબા શીખી રહી છે. ગ્રેન્ડમા ગ્રુપની મહિલાઓ દરેક મહિલા માટે ઉદાહરણ સ્વરૂપ છે કે જેઓ વિચારે છે કે આ ઉંમરમાં મહિલાઓ કશું કરી શકતી નથી. સુરતની દાદીઓ ગરબાના તાલે ઝૂમી રહી છે, જે ઉંમરમાં દાદીમા પૌત્ર ને પૌત્રીને કહાનીઓ સંભળાવતાં હોય છે. તેમના ડાન્સ અને ગરબા જોઈ ભલભલા મોઢામાં આંગળી દબાવી લેશે.

ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કર્યો
સુરતના મીના મોદી ડાન્સ એકેડમીમાં આશરે 25થી વધુ આવી મહિલાઓ ડાન્સ શીખી રહી છે, જેમની ઉંમર 50થી લઈને 85 વર્ષ સુધીની છે. આ ઉંમરમાં મહિલાઓ માનસિક અને શારીરિક રૂપથી કમજોર થઈ જતી હોય છે. આ ઉંમરમાં શું કરવું એક મોટો પ્રશ્ન હોય છે. ઉંમરની આ અવસ્થા એવી છે કે જેમાં કોઈ શોખ અથવા તો પોતાની માટે વિચારવાનો સમય રહેતો નથી, પરંતુ સુરતની આ દાદીઓએ આ ધારણાને ખોટી સાબિત કરી છે. આ ઉંમરમાં કલાકો સુધી ગરબા અને ડાન્સ શીખી પોતાનો શોખ પૂર્ણ કરનારી દાદીઓ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ બની છે.

ગરબાની સાથે મહિલાઓ ડાન્સ પણ શીખે છે.
ગરબાની સાથે મહિલાઓ ડાન્સ પણ શીખે છે.

મહિલાઓ ગરબાની બેથી ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે
સુરતી દાદીઓ સાબિત કર્યું કે 'Age is just number, 60 વર્ષથી ઉપરની મહિલાઓ શીખી રહી છે. ડાન્સ અને ગરબાની બેથી ત્રણ કલાક પ્રેક્ટિસ કરે છે. 70 વર્ષીય મધુ વાંકાવાળાએ જણાવ્યું હતું, તેમને નકારાત્મક વિચારો પસંદ નથી. ત્રણ બાળકો ડોક્ટર છે અને હાલ વિદેશમાં રહે છે. પતિ-પત્ની ઘરે એકલાં રહે છે અને હવે શોખ પૂર્ણ કરવાનો સમય છે. હું રોજ બેથી ત્રણ કલાક ડાન્સની પ્રેક્ટિસ કરું છું, ડાન્સને કારણે હું નીરોગી છું અને મને શારીરિક કોઈપણ સમસ્યા નથી.

50થી 85 વર્ષની મહિલાઓ ગરબા રમે છે.
50થી 85 વર્ષની મહિલાઓ ગરબા રમે છે.

ડાન્સ અને ગરબાને કારણે ફિટ છું
82 વર્ષીય સુશીલા જૈને જણાવ્યું હતું કે આ ઉંમરમાં પણ હું ગરબા અને ડાન્સ કરવા આવું છું. મને ખૂબ જ ગમે છે. ડાન્સ અને ગરબાને કારણે હું ફિટ છું. લોકોને શરમાવાની જરૂર નથી. 53 વર્ષીય બિન્ની જરીવાળાએ જણાવ્યું હતું કે ડાન્સ મારું પેશન છે. 90 વર્ષ થઈ જશે તોપણ ડાન્સ કરતી રહીશ. ગરબા અને ડાન્સ કરવાથી જે પણ તકલીફો છે એ દૂર થાય છે. લોકોએ શરમાવાની જરૂર નથી. અંદર જે હુન્નર છે એને બહાર કાઢવો જોઈએ. હું ડાન્સ અને ગરબા માટે હંમેશાં તૈયાર રહીશ.

આ મહિલાઓ કહે છે, ડાન્સ અને ગરબાને કારણે ફિટ છે.
આ મહિલાઓ કહે છે, ડાન્સ અને ગરબાને કારણે ફિટ છે.

સર્જરી બાદની આ બીજી ઈનિંગ મન ભરીને જીવવી છે
56 વર્ષીય બેલા જરીવાલાએ જણાવ્યું હતું કે ડાન્સ અને ગરબા કરવાથી તમામ ટેન્શન દૂર થાય છે. તમે મને રાતે પણ બોલાવીને કહેશો તોપણ હું ડાન્સ અને ગરબા માટે હંમેશાં તૈયાર રહીશ. 67 વર્ષીય જ્યોતિ દેસાઈએ જણાવ્યું હતું કે હાઇવે પર એક્સિડન્ટ થયો હતો અને મારા દીકરા અને હું બચી ગયાં, સર્જરી આઠ કલાક સુધી ચાલી હતી. આ મારા જીવનની બીજી ઇનિંગ છે. જીવનનો આ સેકન્ડ ચાન્સ છે, મન ભરીને જીવી લેવાનું છે. મન ક્યારે પણ વૃદ્ધ નથી થતું માત્ર શરીર વૃદ્ધ થાય છે.

મહિલાઓ મન મૂકીને ગરબાઓ કરે છે.
મહિલાઓ મન મૂકીને ગરબાઓ કરે છે.

મારા પતિએ ગરબા-ડાન્સના શોખને પૂર્ણ કર્યા
68 વર્ષીય રંજન નાયકે જણાવ્યું હતું કે ગરબા અને ડાન્સ આ ઉંમરમાં કરવા પર મુશ્કેલીઓ તો થાય છે, પરંતુ અમને ખૂબ જ ગમે છે. નાનપણથી મને આનો ખૂબ જ શોખ હતો, પરંતુ પિતાજીને આ ગમતું ન હતું. લગ્ન બાદ મારા પતિએ મારા આ શોખને પૂર્ણ કર્યા છે. આ જ કારણ છે કે આ ઉંમરે હું ડાન્સ શીખું છું.

દાદીઓ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ બની.
દાદીઓ લોકો માટે એક ઉદાહરણ સ્વરૂપ બની.

'દાદી'ઓની જિજ્ઞાસા જોઈ ઊર્જા મળે છે
આ ઉંમરમાં મહિલાઓને ડાન્સ શીખવનાર મીના મોદીએ જણાવ્યું હતું કે તેમના ડાન્સ એકેડમી 50 લઈને 85ની ઉંમર સુધીની મહિલાઓ ગરબા અને ડાન્સ શીખવા માટે આવે છે. આ ઉંમરમાં તેમની જિજ્ઞાસા જોઈ તેમને પણ ઊર્જા મળે છે. તેમની ઉંમર પ્રમાણે ડાન્સ સ્ટેપ આપવામાં આવે છે. તેમણે અનેક રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તેમના હાવભાવ ડાન્સના સ્ટેપ્સ અને એક્સપ્રેશન જૂના જમાનાની હિરોઈન જેવો હોય છે.