દહેજ માટે અત્યાચાર:સુરતમાં દેરાણી રાત્રે સૂઈ જતી ત્યારે દિયરને ભાભી બોલાવતા તેની સાથે જતો રહેતો, કહેવા જતા માર માર્યો, પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જેઠ દારૂ પીને ઘરે આવી નાના ભાઈની પત્નીને ગાળો આપતા
  • 5 લાખ રૂપિયા નહીં લાવે તો ત્રાસ સહન કરવો પડશે તેવું કહેતા

સુરતમાં દહેજ-લાલચુ સાસરિયાના કારણે પરિણીતા લગ્નના ચાર મહિના બાદથી ત્રાસ સહન કરતી હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પતિ સહિત સાસરિયાના ત્રાસથી પિયર ચાલી ગયેલી મહિલાએ સમાધાન બાદ ફરી સાસરીમાં ગઈ હતી. મહિલા રાત્રે સૂઈ જતી ત્યારે પતિને તેના ભાભી બોલાવતા તેની સાથે ચાલી જતો હતો. આ બાબતે કહેવા જતા પતિએ પત્નીને માર માર્યો હતો. આ સાથે 5 લાખ રૂપિયા દહેજની માગ કરી ત્રાસ આપતા હતા.

લગ્નના ચાર મહિના બાદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે, સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય રાજેશ્રી (નામ બદલ્યું છે) હાલ પિતા સાથે રહે છે. તેના લગ્ન 3 વર્ષ પહેલા કરણ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. ત્યારબાદ સાસુ-સસરા, જેઠ-જેઠાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેવા ગઈ હતી. લગ્ન બાદ ચાર મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ નાની નાની બાબતોમાં પતિ, સાસુ અને જેઠાણીએ ઝધડો કરી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પતિ પત્ની સાથે ઝઘડો કરી માર મારતો
પતિ, સાસુ અને સસરા કહેતા હતા કે, તારા બાપને ત્યાંથી કંઈ લાવેલ નથી. જો તારે ઘરમાં સારી રીતે રહેવું હોય તો તારા બાપ પાસેથી 5 લાખ લઈ આવે તો તને સારી રીતે રાખીશું, નહીં તો તને અહીં રહેવું અઘરું પડી જશે. જેઠ-જેઠાણી પતિને ચઢામણી કરતા અને પતિ પત્ની સાથે ઝઘડો કરી માર મારતો હતો. લગ્ન જીવન ટકાવી રાખવા માટે ત્રણ મહિના સુધી ત્રાસ સહન કર્યો હતો. જોકે, ત્યારબાદ મહિલાએ માતા અને ભાઈને જાણ કરી હતી. તેમના સમજાવવા છતાં ન માનતા પિયર ચાલી ગઈ હતી.

પતિ પત્ની સાથે ઓછો સમય રહી ભાભી સાથે જ રહેતો
પિયર આવી ગયાના એક વર્ષ થઈ જતા છતાં પતિ કે સાસરીમાંથી કોઈએ ફોન પણ કર્યો ન હતો. જોકે, માતા-પિતાએ દીકરીની જિંદગી ન બગડે તે માટે સમાજના વડીલો મારફતે સમાધાન કર્યું હતું. મહિલા ફરી સાસરીમાં રહેવા જતી રહી હતી. એક મહિના બાદ ફરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ રોજ જેઠાણી કહે તેમ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા અને પત્ની સાથે ઓછો સમય રહી ભાભી સાથે જ રહેતો હતો.

પતિએ કહ્યું- હું તો મારી ભાભી સાથે રહેવાનો જ છું
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી જેઠાણી રાતે હું સૂઈ જતી ત્યારે મારા પતિને બોલાવતી અને મારો પતિ મારી જેઠાણી પાસે જતા રહેતા હતા. આ બાબતે કહેવા જતા મારા પતિએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો. આ સાથે પતિએ કહ્યું હતું કે, હું તો મારી ભાભી સાથે રહેવાનો જ છું મને કંઈ ફરક પડવાનો નથી. મારા જેઠ અમારા ઘરની બાજુના ઘરમાં રહેતા હતા અને તે ઘરે દારૂ પીને આવતા અને ગાળો આપી ત્રાસ આપતા હતા.

દહેજ સહિત ત્રાસની ફરિયાદ નોંધાવી
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, એક માસ પહેલાં મારા પતિને જેઠ-જેઠાણીના ઘરે જવાની ના પાડી હતી. જેથી પતિએ કહ્યું હતું કે, મારા ભાઈ-ભાભી સાથે બોલાવાનો છું અને સાથે રહેવાનો જ છું. તારે રહેવું હોય તો સહન કરીને રહેવું પડશે. ત્યારબાદ માર મારી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. જેથી ભાઈ અને માતાને જાણ કરતા ફરી પિયર લઈ ગયા હતા. ત્યારબાદ પતિ સહિત સાસરિયાના પાંચ સભ્યો સામે દહેજ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.