સુરતના અમરોલીમાં દારૂના નશાના રવાડે ચડેલા પુત્રનું પિતાએ જ અપહરણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પુત્રનું અપહરણ કરી નશા મુક્તિ કેન્દ્રમાં પણ મૂકી આવ્યા હતા. પોલીસને જાણ થતા મોબાઈલ ફોનના લોકેશનના આધારે પુત્રને છોડાવ્યો હતો. હાલ તો પોલીસે પિતા સહિત ચારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘરની બહાર બોલાવી સ્કોર્પિયોમાં અપહરણ કર્યું
અમરોલી વિસ્તારમાં આવેલા અમરદીપ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય જગદીશ પ્રેમજી માલવિયા દારૂના રાવડે ચડી ગયો હતો. જેથી તેના 70 વર્ષીય પિતા પ્રેમજી માલવિયાએ ગત મધ્યરાત્રીએ 12:30 વાગ્યાના અરસામાં અબ્રામા રોડ ઉપર ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટમાં પુત્રને મોકલવા માટે પુત્રને ઘરની બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ સ્કોર્પિયોમાં આવેલા ચાર શખ્સો દ્વારા પુત્રનું અપહરણ કરી ટ્રસ્ટની ઓફિસે લઇ ગયા હતા.
પોલીસે પિતા સહિત અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી
આ સમગ્ર ઘટનાથી અજાણ કુટુંબના કલ્પેશ માલવિયાએ આ મામલે તાત્કાલિક અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રિના સમય દરમિયાન જગદીશનો ફોન બંધ આવતા અમરોલી પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે જગદીશનો ફોન ચાલુ થતાં પોલીસે લોકેશનના આધારે જીયા ચેરીટેબલ ટ્રસ્ટમાં પહોંચીને જગદીશને છોડાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે પિતા સહિત અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, પુત્ર કેટલાક સમયથી દારૂના રવાડે હોવાથી પિતા દ્વારા જ આ અપહરણ કરવામાં આવ્યું હતું.
અપહરણનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી
આ બાબતે અમરોલી પોલીસે જણાવ્યું હતું કે આ મામલે હાલ પિતા સહીત અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એમાં એમાં અન્ય ત્રણ શખ્સો પણ પિતા સાથે જ સતત સંપર્કમાં હોય અને જેને લઈને તમામ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે.
વોલેન્ટિયરો લોનના કાગળો આપવાના બહાને લઈ ગયા
છાપરાભાઠા અમરદીપ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય જગદીશ માલવીયાને 27મીએ રાત્રે 4 શખ્સો કારમાં લઈ ગયા હતા. જગદીશનો ફોન સવારે ચાલુ થતા પોલીસે તેને શોધી કાઢયો હતો. આ ઘટનામાં મયુર ઘેલાણી (32) (રહે,વરાછા), શબ્બીર મોમીન (29)(રહે કામરેજ), જતીન પટેલ (47)(રહે,ઓલપાડ), વિજય પરમાર (34) (રહે,બનાસકાંઠા)ની ઘરપકડ થઈ છે.
અમે તેના પિતાના કહેવાથી દારૂ છોડાવવા લાવ્યા હતા
યુવકના પિતા બે સંબધી સાથે 26મીએ રાત્રે આવ્યા અને પુત્રનો દારૂ છોડાવવા વાત કરી હતી. 27મીએ 4 વોલેન્ટિયરો તેને લેવા ગયા ત્યારે પિતા બીજી ગાડીમાં હતા. અમારો ઈરાદો અપહરણનો ન હતો. અમે તેના પિતાના કહેવાથી લઈ આવ્યા હતા.- શબ્બીર વિરાણી, જીયા ચેરિટેબલ ટ્રસ્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.