તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવતી વારતા:સુરતમાં બનેવીનો કોરોનાએ ભોગ લીધો, કોરોના સામે જંગ લડતી બહેનને જાણ ન થાય તે માટે પરિવારે 48 કલાકથી આંખના આંસુ રોકી રાખ્યા છે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દીકરાએ પિતાની અંતિમસંસ્કારની વિધિ વિદેશથી જ કરી, વતન પણ ન આવી શક્યો
  • બનેવીને ગુમાવ્યા હવે સારવાર લઈ રહેલી બહેનને પરિવાર ગુમાવવા નથી માંગતો
  • એક જ પરિવારના સભ્યો હોસ્પિટલમાં હોવાથી તબીબોને પણ ખોટું બોલવું પડે છે

સાહેબ મારા બનેવીને કોરોના ભરખી ગયો, બહેન હોસ્પિટલમાં મહામારી સામે લડી રહી છે, ભાણીયો વિદેશમાં ફસાઈ ગયો છે અને પરિણીત ભાણી પિતાના મૃત્યુના આઘાતમાં સરી પડી છે. આટલો નિષ્ઠુર હશે કોરોનાએ પોતાના પર આવતા ખબર પડી. આખું પરિવાર શોકમાં હોવા છતાં સારવાર લઈ રહેલી વિધવા બનેલી બહેન કહો કે દીકરીની સામે આંખમાં આંસુ ન લાવી નાટક કરી રહ્યો છે. બનેવી બાબતે પૂછતી બહેનને રોજ રોજ નવા બહાના કહી દિવસ પસાર કરી રહ્યા છે. બનેવી બાદ હવે આઘાતમાં બહેનને ગુમાવવા નથી માગતા આટલી લાચારી સાથે દિવસ પણ કાઢવો મુશ્કેલ બની ગયો છે. આ કોઈ વારતા નથી એક લાચાર બનેલા મારા પિતરાઈ ભાઈ પર આવેલી આપત્તિને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી જ પ્રાથના કરું છું.

પરિવારને જુઠ્ઠુ બોલવા મજબૂર બનાવ્યો
ઘણું દુઃખ થાય છે જ્યારે આવી મહામારીનો જાત અનુભવ થાય છે. હિંમત તૂટી જાય છે. દોઢ વર્ષથી સતત કોરોનાના દર્દીઓ વચ્ચે રહી જન્મભૂમિ અને કર્મભૂમિનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે એક ફોન આવ્યો ત્યારે ચોક્કસ હૃદય ધ્રુજી ગયું હતું. ભાઈ બનેવીનું મૃત્યુ થયું છે ને દાખલ બહેનને કહી શકાય એવી પરિસ્થિતિ નથી. આવું તો ક્યારેય ન વિચાર્યું હતું કે સારવારમાં ભલે પરિવારથી વિખુટા પાડી દેતી મહામારી મૃત્યુ બાદ પણ પરિવારને જુઠ્ઠુ બોલવા મજબૂર બનાવશે.

48 કલાકથી પરિવાર બહાનાબાજી કરી રહ્યું છે
જબરી કપરી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યું છે આજે આ પરિવાર. આસુઓના સમુદ્રના પુરના પાણી આપણા ઘરમાં આવી ગયા ભાઈ, આજ-કાલમાં બહેનને રજા અપાશે ત્યારે તેને શું કહીશું. જ્યારે બનેવી વિશે પૂછશે, બધા જ આંખમાં આંસુ લઈને શોકમાં છે. સૂઝબૂઝ ગુમાવી બેઠાં છે. નાનું પરિવાર સુખી પરિવારનો માળો વિખેરાય ગયો ભાઈ, બનેવીના મૃત્યુના આઘાતમાં બહેનને કંઈ થઈ ન જાય એટલે 48 કલાકથી પરિવાર બહાનાબાજી કરી રહ્યું છે. બહેનને રજા મળે એટલે તરત ડોક્ટરે 14 દિવસ હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે એમ કહી ભાણીના સાસરે લઈ જવાની હિંમત કરી રહ્યા છે. પણ બહેન વારંવાર એક જ વાત કરે છે તારા બનેવીને કેવું છે, વાત તો કરાવો, હું ફોન પર તારી સાથે વાત કરી શકું તો એમની સાથે કેમ નહીં એ વાતનો કોઈ જવાબ નથી અમારી પાસે. ત્યારે એમ કહી દઇએ છીએ કે બનેવી વેન્ટિલેટર પર છે એટલે વાત ન કરી શકે, આવું કહ્યા બાદ કેમ આંખને રડતા રોકીએ છીએ એ તો બસ અમારું મન જ જાણે છે.

દીકરો વિદેશથી વતન પરત ન આવી શક્યો
હા આ માહામારીએ આટલા વર્ષોમાં ક્યારેય નહીં તૂટેલા હૃદયને તોડી નાખ્યું છે. ભગવાન હિંમત આપે એવી જ પ્રાથના કરી રહ્યા છે ભાઈ, ભાણીયો વિદેશમાં જ પિતાની તમામ અંતિમ વિધિ કરી પોતાની દીકરા તરીકે જવાબદારી પુરી કરવા મજબૂર છે, કારણ કે તે આવી પરિસ્થિતિમાં પણ પોતાના વતન આવી શકે એમ નથી. ભગવાન આવા મજબૂર-લાચાર ન બનાવે. આજે એકબીજાની સલાહ સૂચન વગર કોઈ કામ ન કરતા મારી બહેન-બનેવીનું પરિવાર સાચું બોલતા ડરે છે. ભગવાન આવા દિવસ કોઈને નહીં આપે બસ આટલું જ કહીશ. આ માહામારી સામે રામ બાણ કહો કે સંજીવની એ માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ છે. મેં તો મારા બનેવીના મૃત્યુની જાણ પણ સારવાર લઈ રહેલી બહેન ન કરી શક્યો પણ આવી વિકટ સ્થિતિ તમારા પર ન આવે એવી જ પ્રાથના કરીશ.

બનેવીના મૃત્યુના આઘાતમાં બહેનના કંઈ ન થઈ જાય એટલે અમે બહાના કરીએ છીએ
કિસ્સો 1 :
પિતરાઈ ભાઈએ કહ્યું, મારા બનેવીને કોરોના ભરખી ગયો, બહેન હોસ્પિટલમાં છે, ભાણીયો વિદેશમાં ફસાયો છે અને પરિણીત ભાણી પિતાના મૃત્યુના આઘાતમાં સરી પડી છે. આખો પરિવાર શોકમાં છે. સારવાર લઈ રહેલી બહેન બનેવી બાબતે પૂછી રહી છે. રોજ નવા બહાના કહી રહ્યા છે. બનેવીના મૃત્યુના આઘાતમાં બહેનને કંઈ થઈ ન જાય એટલે 48 કલાકથી પરિવાર બહાનાબાજી કરી રહ્યું છે. બહેન વારંવાર બનેવીને કેવું છે, વાત કરાવો, ત્યારે એમ કહી દઇએ છીએ કે બનેવી વેન્ટિલેટર પર છે એટલે વાત ન કરી શકે, આવું કહ્યા બાદ આંખને રડતા કેવી રીતે રોકીએ એ મન જ જાણે છે.

દીકરો ઓક્સિજન પર છે, માતા અજાણ
કિસ્સો 2 :
માતા અને દીકરાને કોરોના થતાં એક જ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માતાની તબિયત સારી છે પરંતુ દીકરાને ઓક્સિજન પર મુકયો છે. ડોક્ટર માતાની સારવાર કરવા જાય ત્યારે માતા વારંવાર દીકરાની હાલત વિશે પુછે છે પણ ખોટુ બોલવું પડે છે.

પતિ વેન્ટિલેટર પર પણ કહી શકતું નથી
કિસ્સો 3 :
શહેરની એક હોસ્પિટલમાં પતિ અને બીજી હોસ્પિટલમાં પત્ની કોરોનાની સારવાર લઈ રહી છે. બંનેની સારવાર ડો.પ્રતિક સાવજ કરી રહ્યા છે. પતિની હાલત ખરાબ હોવાથી વેન્ટિલેટર પર છે, છતાં પત્નીને કહેવું પડે કે, પતિની તબિયત સારી છે.