કાળ બની આવી ટ્રક:હજીરા રોડ પર યુવકને કોલસા ભરેલી ટ્રકે કચડ્યો, કામની શોધમાં સુરત આવ્યો ને મળ્યું મોત

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રક અડફેટે સાયકલ સવારનું ઘટના સ્થળે મોત  - Divya Bhaskar
ટ્રક અડફેટે સાયકલ સવારનું ઘટના સ્થળે મોત 

સુરતના હજીરા રોડ પર કાળમુખી ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મૂળ બિહારનો યુવક મજૂરી કામની શોધ માટે સુરત આવ્યો હતો. ત્યારે હજીરા મેઈન રોડ ક્રોસ કરતી વખતે ટ્રક ચાલકે અડફેટે લેઈ કચડી નાખતા મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો છે.

ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે મોત
સુરતના હજીરા વિસ્તારનો રોડ ફરી એક વખત કાળમુખો સાબિત થયો છે. ઇચ્છાપોરથી હજીરા અવારનવાર અકસ્માતો બનતા આવ્યા છે. અનેક વખત નાનામોટા અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શનિવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મૂળ બિહાર અને સુરતની હજીરા વિસ્તારની કંપનીઓ મજૂરી કામ કરતો સુરેશ સિંહ સાયકલ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે એલ એન્ડ ટીના ગેટ નં-2ની સામેથી રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ ઝડપે કોલસો ભરેલો ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લઇ લીધો હતો. અચાનક ટ્રકે અફફેટે લેતા સુરેશ સિંહને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના પગલે આસપાસથી લોકો એકત્રિત થઈ જતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

કામની શોધમાં સુરત આવ્યો ને મળ્યું મોત
42 વર્ષીય સુરેશ સિંહ મૂળ બિહારના જમાલપુર ગામનો રહેવાસી હતો. પરિવારને પોતાના વતન છોડી સુરતમાં કામની શોધમાં આવ્યો હતો. અગાઉ તે હજીરા વિસ્તારની જુદી જુદી કંપનીઓ મજૂરી કામ કરી ચુક્યો છે. થોડા દિવસ પહેલા ફરી સુરત આવ્યો હતો અને મોરા ગામની પાસે આવેલ ભટલાઈ ગામમા તેના ભાઈની સાથે ભાડે રહેતો હતો. કંપનીમાં કામની શોધમાં તે નીકળ્યો હતો. દરમિયાન કામ તો ન મળ્યું પરંતુ કાળમુખી ટ્રકની અડફેટે આવી જતા મોત મળી આવ્યું હતું.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તાપસ હાથ ધરી.

પોલીસે તપાસ શરૂ કરી
હજીરા વિસ્તારના એલ એન્ડ ટી ગેટ નંબર બે પાસે ઘટના બનતાની સાથે જ ટ્રક ચાલક (GJ-21-V-8383)ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગેની જાણ આસપાસના લોકો દ્વારા પોલીસને કરાઈ હતી. હજીરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ પોલીસે ટ્રક કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...