રીતેશ પટેલ
સુરતમાં બિલ્ડરો વચ્ચે લેણદેણની જે ડાયરીઓ ચાલે છે તેમાં અંદાજે 9 હજાર કરોડ રૂપિયા સુરતના ફક્ત 10 બિઝનેસમેનો વ્યાજે ફેરવે છે. જેમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકો સામેલ છે. સુરતમાં આ ત્રણેય ધંધામાં બેફામ રૂપિયા આવે છે અને અહીં આ રૂપિયા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરે છે.
કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા એક મોટા ધંધાદારીએ નામ ન છાપવાની શરતે દિવ્ય ભાસ્કરને ચોંકાવનારી માહિતી આપી કે આ લોબી એટલી શક્તિશાળી છે કે પોલીસ અને નેતા પણ આ લોકોનું કશું બગાડી ન શકે. શહેરનો સૌથી મોટો વ્યાજખોર ડાયમંડ સેક્ટર સાથે સંકળાયેલો છે અને તેના એકલાના જ 2500 કરોડ રૂપિયા બજારમાં ફરી રહ્યા છે.
આ વ્યાજખોરના ચક્કરમાં એક ધારાસભ્ય પણ ફસાયા હતા. ત્યારબાદ એક જમીનનો સોદો કરી આપી તેઓ વ્યાજના ખપ્પરમાંથી બહાર નીકળ્યા હતા. એટલું જ નહીં સુરતમાં ફરજ બજાવી ચૂકેલા એક પોલીસ અધિકારી પણ એક દલાલ મારફતે બજારમાં વ્યાજના રૂપિયા ફેરવી રહ્યા છે. પોલીસ અધિકારીનો આ દલાલ જ્યારે સુરત આવ્યો હતો ત્યારે કંગાળ હતો અને હવે કરોડપતિ બની ગયો છે.
રીયલ એસ્ટેટ વ્યાજના રૂપિયા પર જ ટક્યું
પોલીસે રાજ્યભરમાં વ્યાજખોરો સામે સારી ઝુંબેશ શરૂ કરી છે પણ તે ફક્ત પાથરણાવાળા, નોકરિયાત જેવા નાના લોકો પૂરતી જ સીમિત દેખાઈ રહી છે. રીયલ એસ્ટેટ વ્યાજના રૂપિયા પર જ ટક્યું છે. શહેરની કેટલી રીયલ એસ્ટેટ કંપનીઓ સિવાય વાત કરીએ તો મોટાભાગની રીયલ એસ્ટેટ પેઢીઓ વ્યાજના રૂપિયાથી જ ઇમારત ઉભી કરી રહી છે.
તથ્ય એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં જંત્રીના ભાવ રીવાઈઝ થયા નથી. જમીનની જેટલી બજાર કિંમત છે અને જંત્રીના ભાવમાં જમીન-આસમાનનો ફરક છે. બિલ્ડરને જમીન ખરીદવી હોય અને પછી કંસ્ટ્રક્શન કરવું હોય તો જરૂરિયાત મુજબના રૂપિયા બેંકમાંથી પણ મળવા અઘરા હોય છે. આથી જ સુરતમાં બિલ્ડર લોબી આવા વ્યાજખોરોના ચુંગાલ ફસાય છે અને પછી વ્યાજનું ખપ્પર શરૂ થાય છે.
આમ થાય છે વ્યાજના મોટા ધંધા
જ્યારે કોઈ બિલ્ડરને વ્યાજના રૂપિયાની જરૂર હોય તો વ્યાજખોરો આ બિલ્ડરની વેલ્થની હેલ્થ ચેક કરે છે. બિલ્ડર પાસે અન્ય કેટલી પ્રોપર્ટી કે જમીન છે તેની ચકાસણી કરે છે અને તેની બજાર કિંમત કરતા વધુ રૂપિયા ફાયનાન્સ કરતા નથી. આ ફાયનાન્સનો હિસાબ-કિતાબ તો માત્ર બે રૂપરડીની ડાયરીમાં લખવામાં આવે છે. વ્યાજે રૂપિયા લેનારા પાસેથી સિક્યુરીટી પેટે કોરા ચેક પણ લેવામાં આવે છે. જેમાં દર 3 મહિને વ્યાજ આપવાનું હોય છે. જેમાં 1 ટકા થી લઈ 2.5 ટકા સુધી માસિક વ્યાજ લેવામાં આવતું હોય છે. કરોડોનો વ્યાજનો ધંધો ડાયરી પર ચાલે છે. ડાયરીમાં પણ માત્ર કોડવર્ડમાં ફીગર લખવામાં આવે છે.
મોટા 4 વ્યાજખોર ડાયમંડ સેક્ટરના છે
સુરતમાં ડાયમંડ લોબી સાથે સંકળાયેલા 4 લોકોના જ 4500 કરોડ વ્યાજે ફરી રહ્યા છે. આ લોકો ડાયમંડ અને રીયલ એસ્ટેટના ધંધા માટે વ્યાજે રૂપિયા આપે છે. અન્ય 4 મોટા વ્યાજખોરો એવા છે કે જેઓ પોતે બિલ્ડર છે અને અન્ય બિલ્ડરર્સને ફાયનાન્સ કરી વ્યાજ વસૂલે છે. આ લોકોના 2850 કરોડ રૂપિયા બજારમાં ફરી રહ્યા છે. આ સિવાય અન્ય 2 મોટા વ્યાજખોરો ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલા છે જેમના 1150 કરોડ ફરી રહ્યા છે.
ફેમિલી સાથે આવી ઉઘરાણી કરે છે
3 મહિનામાં વ્યાજની રકમ ન આવે તો વ્યાજખોર દિવસમાં 3 વખત કોલ કરી ઉઘરાણી કરતા હોય છે. તો કેટલાક વ્યાજખોરો રૂબરૂ આવતા હોય છે. રૂપિયા ન આપે ત્યાં સુધી વ્યાજખોરોનો માણસોને ઓફિસે કે પછી ઘરે બેસી જતા હોય અને જ્યાં સુધી રૂપિયા ન આપે ત્યાં સુધી બેસી રહે છે. ઘણીવાર તો વ્યાજખોરો ફેમિલી સાથે ઘરે આવી ઉઘરાણી કરતા હોય છે.
વ્યાજખોરોના ભોગ બનેલા પિતાની તસવીર લઇને લોક દરબારમાં પહોંચ્યો પુત્ર...
તસવીર રાજકોટની છે. મહિલા પોતાના બે પુત્ર સાથે લોકદરબારમાં આવી હતી. એક પુત્રના ખોળામાં વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત થઈ આત્મહત્યા કરનાર પિતા મનોજભાઈની તસવીર હતી. મહિલાની ફરિયાદ બાદ વ્યાજખોરો જેલમાં પુરાયા હતા પણ છુટ્યા પછી ફરી તેમણે વધુ આક્રમક થઈને સતામણી શરૂ કરી હતી.
વ્યાજખોરી સામાજિક દુષણ...કોઈપણ ડર રાખ્યા વિના સંપર્ક કરવો, પોલીસ મદદ કરશે
વ્યાજખોરી એક સામાજીક દુષણ છે તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ. કોઈપણ સમસ્યા હોય તો કોઈપણ ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરવો જેથી પોલીસ આપની મદદ કરી શકે. -અક્ષય રાજ, એસપી, બનાસકાંઠા
રાજ્યભરમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું
લોક દરબારમાં શું થયું...
અમદાવાદ : વ્યાજખોરો સામે 53 ફરિયાદ, 9ની સામે ગુનો નોંધાયો
અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં વ્યાજખોરો સામે 53 અરજીઓ મળી હતી, જેમાંથી પોલીસે 12 જેટલી અરજીનો નિકાલ કર્યો હતો. જ્યારે 47 અરજીઓ પેન્ડીંગમાં છે જેની સામે પોલીસની તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં 53 અરજીઓમાંથી 3 અરજી પરથી 9 વ્યાજખોરો સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા : લોકોમાં વ્યાજખોરોનો ડર, DCPને અપીલ કરવી પડી
વડોદરા ખાતે ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં માત્ર 8 ફરિયાદ જ મળતાં ડીસીપી અભય સોનીએ લોકોને ડર વગર ફરિયાદ કરવા માટેની અપીલ કરવી પડી હતી. ત્રણ લોકદરબારમાં 250 લોકો હાજર રહ્યા હતા. ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3, મકરપુરામાં 4 અને ગોરવામાં 1 ફરિયાદ મળી હતી.
રાજકોટ : પોલીસ સામે 60 લોકોએ ભીની આંખે આપવિતિ વ્યક્ત કરી
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વ્યાજખોરો સામે 1 મહિના લાંબી ઝુંબેશની જાહેરાત કરી હતી. હેમુ ગઢવી હોલમાં યોજાયેલા લોક દરબારમાં 60 લોકોએ વ્યાજખોરોના આતંક અંગે ભીની આંખો પીડા રજૂ કરી હતી. અગાઉની રજુઆતો બાદ કોઈ પરિણામ મળ્યું નહીં હોવાની તથા હવે પગલાં ભરાશે એવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.