એ બસે એક વ્યક્તિને નહીં, આખા પરિવારને કચડ્યો!:સુરતમાં બેફામ સિટી બસની અડફેટે પરિવારે 'આધાર' ખોયો, 9 મહિનાનું ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં જ અનાથ

સુરત2 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી

સુરતના રિંગરોડ પર સિટી બસની અડફેટે કિશન નામના યુવકનું મોત થયું હતું. આ હીચકારા અકસ્માતમાં ગરીબ પરિવારે ઘરની રોજી રોટી ચલાવતા દીકરા ગુમાવ્યો. તો બીજીતરફ 9 મહિનાના ગર્ભસ્થ શિશુએ દુનિયામાં આવે તે પહેલાં જ પિતાને ગુમાવ્યાં છે. બે બહેનો રક્ષાબંધને ભાઈની લાંબા આયુષ્યનું રક્ષા સૂત્ર ભાઈના કાંડે બાંધે તે અગાઉ જ ભાઈની અર્થીને વિદાય આપી. ગર્ભવતી પત્ની તો પતિના અકસ્માતના સમાચાર મળતાં જ તે બેભાન થઈ ગઈ. હાલ તે હોસ્પિટલમાં ગંભીર હાલતે છે તો રિંગરોડ પર આવેલી હીરામણી ચાલ પર તો શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

ગરીબ પરિવારની ન્યાયની માગ
કિશન પટેલનું પરિવાર ખૂબ જ દારૂણ ગરીબીમાં જીવે છે. રિંગરોડ પરની કિન્નરી ટોકિઝ સામે આવેલી હીરામણી ચાલમાં કિશન રહેતો હતો. 10 ફૂટ લાંબી અને 5 ફૂટ જેટલી પહોળી પતરાવાળી રૂમમાં બે કબાટ અને ઘરવખરીના સામાન બાદ છ લોકો સાથે બેસી ન શકે એટલી જગ્યામાં કિશન તેના ભાઈ રવિ અને બન્ને ભાઈની પત્નીઓ અને માતા પિતા એમ છ વ્યક્તિઓ સાથે રહેતો હતો. ગરીબીમાં પણ કાંડાની કમાણીમાં માનનારા આપરિવારના બે લોકો જ રાત્રે રૂમમાં સૂઈ શકતા જ્યારે બાકીના રૂમ બહાર ગલીમાં સૂઈરહેતા હતાં.

માતાની એક જ માગ, અમને ન્યાય આપો
25 વર્ષના કિશનના માતાને જ્યારે દીકરો ફાની દુનિયા છોડીને જતો રહ્યો તેની જાણ થઈ ત્યારથી એકધારી રડી રહી છે. પોતાના દીકરાને અને ઘરના આધારને ગૂમાવનારી કિશનની માતાએ કહ્યું કે, આવું બીજા સાથે ન થાય તે માટે અમને ન્યાય મળવો જોઈએ. અકસ્માત કરનારને આકરી સજા થવી જોઈએ જેથી કોઈ બીજી માતાએ દીકરો ગૂમાવવો ન પડે..

ભાઈઓ જ મળીને ઘર ચલાવતા હતા
કિશનના ભાભી અલ્પાએ કહ્યું કે, તેની પત્ની ગર્ભવતી હોવાથી આજે બન્ને ભાઈઓના ટિફિન મેં જ બનાવી આપ્યા હતાં. કિશનભાઈ બહુ સારા સ્વભાવના હતાં. ઘર તેમના પર જ ચાલતું હતું અને મહિને 14 હજાર કમાણી કરતા હતા. હવે અમારી એક જ માગ છે કે અમારા કિશનભાઈની પત્નીને અકસ્માત સર્જનારે વળતર આપવું જોઈએ. જેથી તેમની પત્ની અને આવનાર બાળકનું ગુજરાન ચાલી શકે.

રક્ષાબંધન અગાઉ જ ભાઈ ગુમાવ્યો
બહેન રવિના અને દક્ષાએ કહ્યું હતું કે, અમે રક્ષાબંધન અગાઉ જ ભાઈ ગુમાવ્યો છે. મારો ભાઈ મોટો હતો. ખૂબ સારા સ્વભાવનો હતો. નાની નાની વાતે ઘરે આવતો હતો. અમને ખૂબ પ્રેમ કરતો હતો. અમારા સંતાનોને પણ ખૂબ લાડકોડ કરતો હતો. અમે રક્ષાબંધન ઉજવીએ તે પહેલા જ સિટી બસના ચાલકની નજર લાગી ગઈ. હવે બસ તંત્ર પાસે ન્યાય સિવાય કોઈ જ અપેક્ષા નથી.

દીકરા પર જ ઘર ચાલતું હતું: પિતા
કિશન મારો દીકરો હતો. આજે નોકરી પર જતો હતો. મારી નોકરી હતી બોબીન ભરવાની એ જતી રહી હતી. જેથી મારા દીકરા પર જ ઘર ચાલતું હતું. અમે ન્યાય મેળવવા માટે અમે માગ કરીએ છીએ અને ઉપર સુધી લડીશું. જ્યારે ઉમેશભાઈએ કહ્યું કે, કિશન મારા સાળાનો સાળો છે. કિશન બહુ સારો માણસ હતો. આ પરિવારની સ્થિતિ ખૂબ ખરાબ છે. આખું ઘર કિશન પર ચાલતું હતું. હવે તેને ન્યાય મળવો જોઈએ. એક્સિડન્ટ સર્જનારને આકરામાં આકરી સજા મળવી જોઈએ.