કોરોના મહામારીમાં બમ્પર નોકરીઓ છે, ઊંચા પગારો ઑફર કરાઈ રહ્યા છે, પરંતુ કોઈ નોકરી સ્વીકારવા તૈયાર નથી. ડૉક્ટરો સહિત હેલ્થવર્કરોની ભારે અછત છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછતના કારણે કોવિડ દર્દીઓને યોગ્ય રીતે સારવાર નથી આપી શકાતી. સ્ટાફની અછત દૂર કરવા માટે સિવિલ તંત્ર દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ડૉક્ટર સહિત હેલ્થવર્કરો માટે હોસ્પિટલોએ બમ્પર ભરતી શરૂ કરી છે, પરંતુ લોકો ઈન્ટરવ્યૂ આપવા પણ નથી આવતા.
સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર
હાલમાં જ કોન્ટ્રાક્ટ બેઝ પર 400 નર્સિંગ સ્ટાફની ભરતીની જાહેરાત અપાઈ હતી. વર્ગ-4 માટે પણ 600 કર્મચારીની ભરતીની જાહેરાત કરાઈ, પરંતુ માંડ 50 લોકો ઈન્ટરવ્યૂ માટે આવ્યા. ડૉક્ટરોના પણ 100થી વધુ હોદ્દા ખાલી છે. શનિવારે વર્ગ-1, 2ના ડૉક્ટરોની 100 બેઠક માટે ઈન્ટરવ્યૂ રખાયા હતા, જેમાં ફક્ત 80 મેડિકલ ઓફિસર આવ્યા હતા. આ સિવાય 20 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, જેમાં ફિઝિશિયન, એનેસ્થેશિયા, પલ્મોનરી પણ સામેલ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. આ સ્થિતિમાં તંત્ર સ્ટાફ વધારવાના સતત પ્રયાસ કરી રહ્યું છે.
20 સિનિયર રેસિડન્ટને ડેપ્યુટેશન પર બોલાવ્યા, નોન ક્લિનિકલ ડોક્ટર પણ કરી રહ્યા છે કોરોનાનો ઈલાજ
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોથી માંડીને હેલ્થવર્કરોની અછતને જોતાં ડેપ્યુટેશન પર પણ અનેક ડોક્ટર લવાયા છે. દરરોજ સ્ટાફ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. 20 સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સને ડેપ્યુટેશન પર બોલાવાયા છે. કોરોના એક વાઈરસ છે,એટલે તેનો ઈલાજ બે વિભાગના ડોક્ટર સારી રીતે કરી શકે છે. જેમાં મેડિસિન અને પલ્મોનરી મેડિસનના ડોક્ટર મહત્ત્વના છે. જોકે, ડોક્ટરોની ભારે અછતના કારણે નોન ક્લિનિકલ ડોક્ટરો પણ ઈલાજમાં સામેલ થયા છે. હાડકાં, આંખ, સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક, માનસિક, ઈએનટી, ત્વચા રોગના ડોક્ટરો પણ ઈલાજ કરી રહ્યા છે.
જુનિયર ડોક્ટરોએ કહ્યું, 30મી સુધી અમારી માગણી નહીં સ્વીકારાય તો 1 મેથી હડતાળ પર ઉતરીશું
જુનિયર ડોક્ટર્સ એસોસિયેશનના ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી છે કે, 30 એપ્રિલ સુધી રેસિડેન્ટ ડોક્ટર્સની માગ પૂરી નહીં થાય તો 1 મેની સવારના 8 વાગ્યાથી કામ બંધ કરીને હડતાળ પર ઉતરી જઈશું. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ એક સપ્તાહ પહેલાં જ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો અને એપ્રિસિએશનની માગણી કરી હતી, જેને સરકારે હજુ સુધી પૂરી કરી નથી. સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે આશ્વાસન આપ્યું હતું કે, રેસિડેન્ટ ડોક્ટરોની તમામ માગણી એક સપ્તાહમાં પૂરી કરી દેવાશે. હવે જુનિયર ડોક્ટર્સ એસોસિયેશને લેખિતમાં માગણી પૂરી કરવા કહ્યું છે.
શનિવારે 80 મેડિકલ ઓફિસર માટેનો ઈન્ટરવ્યૂ 51 લોકો જ આપવા આવ્યા
સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું કે મેડિકલ ઓફિસરનો પગાર સવા લાખ રૂપિયા અને કન્સલ્ટન્ટ ડૉક્ટરનો પગાર અઢી લાખ રૂપિયા નક્કી કરાયો છે. તેમને ત્રણ મહિના માટે કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવા માટે અરજીઓ મગાવાઈ હતી. શનિવારે આયોજિત ઈન્ટરવ્યૂમાં 80 મેડિકલ ઓફિસર માટે 51 ઉમેદવારો અને 20 સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો માટે 4 જ ઉમેદવાર આવ્યા હતા.
કઇ કેટેગરી માટે કેટલો પગાર અપાશે
કન્સલ્ટન્ટ ડૉક્ટરો માટે 2.5 લાખ રૂપિયા, મેડિકલ ઓફિસર માટે 1.25 લાખ રૂપિયા, ડેન્ટલ ડૉક્ટર માટે 40 હજાર રૂપિયા, હોમિયોપથી ડૉક્ટર માટે 35 હજાર, આયુર્વેદિક ડૉક્ટર માટે 35 હજાર રૂપિયા, જુનિયર ફાર્માસિસ્ટ, લેબ- એક્સ-રે ઈસીજી ટેક્નિશિયનને 18 હજાર અને વર્ગ-4ના કર્મી માટે 15 હજાર રૂપિયા.
અમારી સાથે ભેદભાવ થઈ રહ્યો છેઃ રેસિડેન્ટ
સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું કહેવું છે કે, MBBS ડોક્ટરને મેડિકલ ઓફિસરના પદ પર સવા લાખ મળે છે. અમે MBBS પછી 3 વર્ષ રેસિડન્સી કરી છે. અનેક ડોક્ટર સિનિયર રેસિડન્સી કરી રહ્યા છે, અમારું વેતન રૂ.70થી 75 હજાર જ છે. સરકાર અમારી સાથે ભેદભાવ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.