પાલિકાએ ટીપી રસ્તા ખુલ્લા કરવા ગુરુવારથી ઝુંબેશ હાથ ધરી છે. મહત્ત્વની બાબત એ છે કે, આ રસ્તાના વર્ષોથી કબ્જા જ લેવામાં આવ્યાં ન હતાં, જેના પર ગેરકાયદે બાંધકામો રાજકારણીઓના દબાણને પગલે પાલિકા પાછી પડતી હતી. જેથી ટ્રાફિક જામ, કનેક્ટિવિટી, પ્રાથમિક સુવિધાઓ પર બ્રેક લાગી હતી.
જેથી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે આવા 35 જેટલા રસ્તાઓનો કબ્જો મેળવવા આદેશ કર્યો છે. શહેરમાં તમામ ઝોન મળી કુલ 35 ટીપી રસ્તાનો કબ્જો વર્ષોથી લેવાયો નથી! ગુરુવારે 10 રસ્તા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને આગામી 3 દિવસમાં વધુ 25 રસ્તાઓ પરના ગેરકાયદે બાંધકામો તથા લાઈનદોરીનો અમલ કરાશે. ગુરુવારે અંદાજે 61,000 ચોમી જમીનને ખુલ્લી કરી પાલિકાએ કબજો મળવ્યો છે.
આ 10 સ્થળે ડિમોલિશન કરાયું
કતારગામ : ટીપી 51 (ડભોલી)માં ફા.પ્લોટ36 થી 44 સુધી 18 મીટર પહોળાઈમાં કુલ 4680 ચો.મી. રસ્તો ખુલ્લો થયો છે. જેનાથી 500 લોકોને લાભ થઈ 30 મીટરના રસ્તાની કનેક્ટિવિટી મળશે.
વરાછા ઝોન-એ : ટી.પી. 35 (કુંભારીયા-સારોલી-સણિયા હેમાદ-દેવધ) માં ફા.પ્લોટ નં.262 થી 255 સુધી 18 મી. નો કુલ 4680 ચોમી રસ્તાનો કબ્જો લેવાયો હતો. તેથી સુરત-કડોદરાને લાગુ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો થશે.
સરથાણા ઝોન-બી : ટી.પી. 38 (નાનાવરાછા)માં વરાછા રોડથી સવજી કોરાટ બ્રિજ તરફ જતા 45 મી. તથા સુરત-કામરેજ 60 મીટર રોડના નટવર નગર સોસાયટીના મકાનોથી બોટલનેક સર્જાતું હતું. અહીં કુલ 2250 ચોમીનો કબ્જો લેવાયો છે. જેથી સવજી કોરાટ બ્રીજથી સીમાડા જંકશન-કામરેજ મેઈન રોડ-BRTS/મેટ્રો રૂટ પર બોટલનેક દુર થશે.
લિંબાયત ઝોન-બી : ટી.પી. 61 (પરવત-ગોડાદરા), ફા.પ્લોટ નં. 44થી આર-12 સુધીનો ડી-માર્ટ થઈ ધ્રુવ પાર્કનો 18 મીનો 440 ચોમીનો રસ્તો ખુલ્લો કરાયો છે. અંદાજે 650 લોકોને લાભ થશે, 45 મી. પહોળાઈના રોડની કનેક્ટિવિટી મળશે.
ઉધના-એ : ઝોન ટીપી 55 (ભેસ્તાન) ફા.પ્લોટ નં. 7થી 27 સુધીના 9 મીના ટીપી રોડનો કબ્જો મળતાં ભેસ્તાન સ્ટેશનથી કનેક્ટિવિટી મળશે.
ઉધના-એ : ટીપી 47 (ભેસ્તાન) ફા.પ્લોટ નં. 10થી 12 (લેક ગાર્ડન) સુધીના 12 મીના રોડનો કબ્જા મળતા શ્યામજી વર્મા લેક ગાર્ડન અને 30 મીટરના કેનાલ રોડને કનેક્ટિવિટી મળશે.
ઉધના-બી : ટીપી 59 (પારડીકણદે-સચીન), ફા.પ્લોટ નં. 197થી 158માં 18મીનો 5220 ચોમી રોડ ખુલ્લો થતાં કનેક્ટિવિટી મળશે.
અઠવા : ટીપી 81 (ડુમસ) ફા.પ્લોટ નં. 9/એથી 166 સુધીના 24 મીના રોડનો કબ્જો લેવાયો છે. આ રસ્તો ડુમસને જોડતો મહત્વનો લીંક રોડ છે. જેથી ડુમસ-સિટી વચ્ચે ઉપયોગી થશે.
રાંદેર : ટીપી 37 (વરિયાવ) ફા.પ્લોટ નં. 77થી 78 સુધીના 15 મીના ટીપી રોડનો કબ્જો લેવાયો છે. આ રસ્તો શીતલ રેસી., ગોવિંદ રેસી., સુમન સાધના આવાસ, સિલ્વર સ્ટેટસને કનેક્ટિવિટી આપશે.
રાંદેર : વરિયાવ ફા.પ્લોટ નં. 14થી 97 સુધીના 15 મીના ટીપી રોડનો કબ્જો લેવાયો છે, જે સુચિત વેડ-વરીયાવ બ્રિજ, અમરોલી, આઉટર રીંગ રોડ સાથે કનેક્ટિવિટી આપશે.
ડિસેમ્બરમાં કાનાણીએ અટકાવેલી નટવર નગરની 23 મિલકતોને 10 વર્ષે તોડી પડાઈ
નાના વરાછામાં સીમાડા જંકશન પાસેની નટવરનગર સોસાયટી માં 45 મીટર ટીપી રસ્તો લાગુ છે, પરંતુ રસ્તાની અરસમાં આવતી જગ્યા રાજકારણીઓના દબાણને ઘોંચમાં પડી હતી. ડિસેમ્બરમાં પણ રસ્તો ખુલ્લો કરવા પ્રયાસ કરાયા હતાં પરંતુ ધારાસભ્ય કુમાર કાનાણીએ વચ્ચે પડતાં કામગીરી અટકી હતી.
હવે કમિશનર શાલિની અગ્રવાલે હાથ ધરેલી ઝુંબેશમાં આ રસ્તા પર પણ સપાટો બોલાવાયો છે. જેમાં 23 મિલકતોમાં 100 મીટર લંબાઇમાં ડીમોલીશન કરી અંદાજે 2 હજાર ચોમી જગ્યાનો કબ્જો મેળવાયો છે. નટવરનગર-સીમાડા જંકશન સૌથી મહત્ત્વનું જંકશન છે.
ત્યાંથી સવજી કોરાટ બ્રિજ થઈને મોટાવરાછા, ઉત્રાણ, ભરથાણા, ગોથાણ, અબ્રામા, કઠોર તેમજ વેલંજા જેવા નદી પારના વિસ્તારોમાં જવાય છે. આ જંકશન પર જ મેટ્રો સ્ટેશન પણ આવશે. તો નજીકમાં જ સરથાણા નેચરપાર્ક હોય પીક અવર્સમાં આ જંકશન પર ખૂબજ ટ્રાફિક રહેતો હોય છે. આ દબાણો દૂર કરાતાં દાયકા જુનો પ્રશ્નનો પણ અંત આવ્યો છે.
51 ઈજનેરોને કાર્યવાહીમાં જોતરાયા
આ કાર્યવાહી માટે પાલિકાના 17 ડેપ્યુટી ઈજનેર, 34 આસી.-જુની.ઈજનેરો, 23 સુપરવાઈઝર-ટેક.આસી, 180 બેલદાર, 25 માર્શલ, 10 SRP તથા 21 જેસીબી, 31 ટ્રક-ડમ્પર તથા 2 બ્રેકર સહિતના મેન પાવર-મશીનરીનો ઉપયોગ કરાયો છે.
હવે અહીં પાકા રસ્તા બનાવાશે
રોડ ખુલ્લા થતાં પાકા રસ્તા બનાવાશે. જેથી મુખ્ય રસ્તા સાથે કનેક્ટિવિટી મળશે. સાથો સાથ પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, ડિવાઇડર, ગ્રીન એરિયા જેવી અન્ય સુવિદ્યાઓ પણ મળશે. > શાલિની અગ્રવાલે, પાલિકા કમિશનર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.