પાલિકાએ સહારા દરવાજા બ્રિજને રિંગ રોડ પર એક પણ રેમ્પ ન આપી 20 વર્ષ જૂના અતિવ્યસ્ત ફ્લાયઓવર બ્રિજ સાથે જોડી દીધો છે. પાલિકાના ઇજનેરોના મનસ્વીપણાને લીધે રિંગ રોડથી બારડોલી રોડ તરફ જવા વાહનોએ ફરજિયાત બ્રિજ પર થઈ માનદરવાજા જવું પડશે.
ઉપરાંત બારડોલી રોડથી કમેલા દરવાજા આવવા તો છેક ઉધના દરવાજા સુધી લંબાવવું પડશે. જ્યાં સુધી સહારા દરવાજા પર અપ-ડાઉન રેમ્પ ન બને ત્યાં સુધી રોજ હજારો વાહનોને ખાસ કરીને કાપડ વેપારીઓ-ગ્રાહકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. રેમ્પ બનાવવામાં બ્રિજની સ્ટેબિલિટીને જોખમ હોવાનું તથા દુકાનો તોડવી પડે તેવો ભય બતાવી પાલિકા વેપારીઓની માંગ ઠુકરાવી રહી છે.
આદર્શ માર્કેટ સામે અપ રેમ્પ હોત તો...
પર્વત પાટિયા તરફ જવા માટે વાહનચાલકો સીધા આ રેમ્પ પરથી થઈને નવા ફ્લાયઓવર પર ચઢી શકતે.
STMની સામે ડાઉન રેમ્પ હોત તો...
પર્વત પાટિયા તરફથી કમેલા દરવાજા કે સલાબતપુરા જતા વાહનો નવા ફ્લાય ઓવરનો ઉપયોગ કરી ઉતરી શકતે.
વેપારીઓ શું કહે છે: ડિમાન્ડ કરી તો ડિમોલિશનના નામે ડરાવાયા હતા ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ, ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું કે, અપ-ડાઉન રેમ્પ બનાવવા અમે ડિઝાઇન પણ બતાવી હતી. જોકે પાલિકાએ દુકાનો તોડવી પડશે તેવું કહી ડરાવ્યા હતા.
પાલિકા શું કહે છે: મેટ્રોની ડિઝાઇન બાકી હોવાથી રેમ્પ અટકાવી દીધા છે
પાલિકાના બ્રિજ સેલના વડા અક્ષય પંડ્યાએ કહ્યું કે, મેટ્રોની ડિઝાઇન સ્પષ્ટ થાય ત્યાં સુધી આ કામગીરી બાકી રાખવાનું નક્કી કરાયું છે. રેમ્પ બનાવવાના કામો પાછળથી પણ થઇ શકે છે.
એક્સપર્ટ વ્યૂ : નવા ફ્લાયઓવરનો હેતુ 10 ટકા પણ સિદ્ધ નહીં થાય
જે પર્પઝ માટે નવો ફ્લાયઓવર બનાવ્યો તે રેમ્પના અભાવે અધૂરો છે. ટ્રાફિક લોડ માંડ 10 ટકા જ ઘટશે. પર્વત પાટિયાથી રિંગરોડ, કમેલા દરવાજા તરફ જવા વાહનો નીચેના રોડનો જ ઉપયોગ કરશે. રેમ્પ બનાવવામાં સ્ટેબિલિટીનું જોખમ હોય તો IIT ગાંઘીનગર-મુંબઇ પાસે પણ રિપોર્ટ કરાવવો જોઇતો હતો. માર્કેટના મોટાભાગના વેપારીઓ પર્વત પાટીયા અને મગોબથી આવે છે. હાલ 1 રેમ્પ બનાવવા માટે થતો 6થી 8 કરોડનો ખર્ચ ભવિષ્યમાં 16થી 18 કરોડમાં પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.