તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાએ ‘રસ્તો’ બગાડ્યો:ઉમરા કેવટ સર્કલથી SVNIT સર્કલ વચ્ચેના અડધા રોડમાં BRTS ખડકી દેવાઇ, મિક્સ ટ્રાફિક માટે અડધા રોડથી લોકોનો ભારે વિરોધ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલ-ઉમરા બ્રિજના ઉમરા ગામ પાસેના એપ્રોચ પર પાલિકાએ સાંકડા રોડ પર બીઆરટીએસ રૂટ બનાવવાનું શરૂ કર્યું છે. પહેલેથી સાંકડો એવો આ રોડ સામાન્ય વાહનચાલકોના વપરાશ માટે અડધો જ રહી જશે જેના કારણે ભવિષ્યમાં ટ્રાફિક જામ સર્જાશે. - Divya Bhaskar
પાલ-ઉમરા બ્રિજના ઉમરા ગામ પાસેના એપ્રોચ પર પાલિકાએ સાંકડા રોડ પર બીઆરટીએસ રૂટ બનાવવાનું શરૂ કર્યું છે. પહેલેથી સાંકડો એવો આ રોડ સામાન્ય વાહનચાલકોના વપરાશ માટે અડધો જ રહી જશે જેના કારણે ભવિષ્યમાં ટ્રાફિક જામ સર્જાશે.
  • પાલ-ઉમરા બ્રિજ શરૂ થશે ત્યારે બ્રિજ ઉતરતા જ બીઆરટીએસ રૂટથી દર કલાકે 8 હજાર વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડશે
  • લાખોનું આંધણ : BRTS ચલાવવા કેવટ સર્કલની ડિઝાઇન પણ બદલાશે

પાલ-ઉમરા બ્રિજના ઉમરા તરફના એપ્રોચ પાસેના રોડ પર બીઆરટીએસ સ્ટેશન અને રેલિંગ લગાવી પાલિકાએ રોડ સાંકડો કરી દીધો છે. સ્થાનિકોએ આ મામલે વાંધો લીધો છે. ભવિષ્યમાં જ્યારે પાલ-ઉમરા બ્રિજ શરૂ થશે ત્યારે બ્રિજ ઉતરતા જ બીઆરટીએસ રૂટથી દર કલાકે 8 હજાર વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડશે. જેથી બીઆરટીએસ સ્ટેશન પાસે બોટલ નેકની સ્થિતિ ઉભી થશે. ઉમરા ગામમાં કેવટ સર્કલથી SVNIT સર્કલ તરફ જવાના 500 મીટર રોડ પર પાલિકાએ બીઆરટીએસ સ્ટેશન અને રેલિંગ બનાવવાનું શરૂ કર્યું છે.

આ રોડ પરના નહેરૂનગરના રહીશોને સોસાયટીના આંતરિક રોડ પર જવા માટે બીઆરટીએસ ક્રોસ કરવું પડશે. શહેરના અન્ય બ્રિજનું ટ્રાફિકનું ભારણ ઓછું કરવા પાલ-ઉમરા બ્રિજ બનાવાયો હતો. પરંતુ પાલિકાએ આ સાંકડા રોડ પર બીઆરટીએસ માટે અડધોથી વધુ રોડ એક્વાયર કરતા ભવિષ્યમાં લોકોને બ્રિજ પરથી ઉતરતા જ ટ્રાફિક જામનો સામનો કરવો પડશે.

રસ્તો સાંકડો થઇ જતા અહીં બોટલનેકની સ્થિતિ સર્જાશે
રસ્તો સાંકડો થઇ જતા અહીં બોટલનેકની સ્થિતિ સર્જાશે

કોર્પોરેટર કહે છે અડધા રોડ પર વાહનો સહેલાઇથી જઇ શકશે
​​​​​​​ઉમરા વોર્ડ નં. 21ના સ્થાનિક કોર્પોરેટર અને સ્થાયી સમિતના સભ્ય વ્રજેશ ઉનડકટને આ સમસ્યા બાબતે પૂછતા તેમણે કહ્યું કે, બીઆરટીએસ રૂટ સિવાયનો જે રોડ છે તે રોડ પર આમને-સામને વાહનો સહેલાઇથી પસાર થઇ શકે છે. ટ્રાફિક જામ થાય તેવી કોઇ સમસ્યા નથી. તેમ છતાં બીઆરટીએસ સેલના અધિકારી અને ઝોનના અધિકારીઓને સ્થળ પર બોલાવી મીટર પટ્ટીથી માપ પણ લીધું હતું.

ભવિષ્યમાં સર્કલની ડિઝાઇન બદલવામાં આવશે : કમિશનર
પાલ-ઉમરા બ્રિજના ઉમરા સાઇડના એપ્રોચ પાસે બીઆરટીએસ રૂટનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે જે સર્કલ છે તેના કારણે બોટલનેક જેવી સ્થિતિ દેખાતી હશે પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિ ન થાય તે માટે સર્કલને રિ-ડિઝાઇન કરવાનું પણ પ્લાનિંગમાં છે. સર્કલની ડિઝાઇન બદલાશે તો ટ્રાફિકની સમસ્યા દેખાશે નહીં, એવું પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...