સુરતના ભેસ્તાનમાં બીઆરટીએસ વર્કશોપ નજીકમાં વેસ્ટેજ યાર્નના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. જેના લીધે આગની જવાળા પહેલા માળને પણ લપેટમાં લેતા નાસભાગ થઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અઢી કલાકે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી
બાજુમાં આવેલું કાપડ યુનિટ બચાવી લીધું
ભેસ્તાનના બીઆરટીએસ વર્કશોપ પાસે રાજ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી. જોકે આગ ફેલાતા પહેલો માળ પણ આગની ઝપેટમાં આવ્યો હતો. આગને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ભેસ્તાન અને ડિંડોલી ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. બેથી અઢી કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સમયસર આગ બુઝાવવાથી બાજુમાં આવેલું કાપડ યુનિટ બચાવી લીધું હતું. આગને લીધે યાર્નના બોબીનનો જથ્થો, મશીનો, પતરાઓ, વેસ્ટેજ યાર્ન, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.
અન્ય એક બનાવમાં પ્લાસ્ટિક અને દાણાના ગોડાઉનમાં આગ
લિંબાયતમાં મીઠી ખાડી ખાતે શરીફ નવાઝ શેરીમાં પ્લાસ્ટિક અને દાણાના ગોડાઉનમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગના લીધે વધુ ધુમાડો નીકળતા ત્યાં સ્થાનિક લોકોમાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી. આ અંગે ડુંભાલ, મજુરા ગેટ, ભેસ્તાન, નવસારી બજાર, ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો પહોંચી ગયો હતો અને દોઢથી બે કલાકમાં આગ કાબૂમાં લીધી હતી. આગમાં પ્લાસ્ટિકનો વેસ્ટેજ, વજન કાંટો, પતરા તથા એક મોપેડ સળગી ગઈ હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.