ડ્રગ્સનો કાળો કારોબાર:મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ, રોકાણ કરનાર 1 વર્ષમાં બની જાય છે કરોડપતિ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં લગભગ 500 જેટલા ડ્રગ્સ કેરિયર એક્ટિવ છે
  • કેરિયરમાં સારા ઘરના યુવા-યુવતીઓ પણ સામેલ છે

સુરત શહેર મુંબઈથી નજીક હોવાના કારણે મોટા પ્રમાણમાં સુરતમાં ડ્ર્ગ્સ પહોંચાડવામાં આવતું હોય છે. જેને પગલે સુરત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દોઢ કરોડ રૂપિયા જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની સાથે આ ડ્રગ્સની ચેઈન ચલાવનારને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડ્ર્ગ્સ મુંબઈમાંથી લાવીને સુરતમાં વેચાણ કરવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો આ ડ્રગ્સના ધંધામાં રોકાણ કરનાર એક વર્ષમાં કરોડપતિ પણ બની જતો હોય છે.

રોકાણ કરનાર અલગ, માલ લાવનાર અલગ અને વેચાણ કરનાર અલગ
સુરત શહેરમાં લગભગ 500 જેટલા કેરિયર એક્ટિવ છે. જેઓ મુંબઈથી માલ લાવી અને સુરતમાં વેચાણ કરે છે. જેમાં મોટાભાગના યુવા-યુવતીઓ જે પણ હાઈ પ્રોફાઈલ છે. મોટી વાત એ છે કે, આ ધંધામાં રોકાણ કરનાર અલગ, માલ લાવનાર અલગ અને વેચાણ કરનાર અલગ હોય છે. ખાસ વાત એ છે કે રોકાણ કરનાર એક વર્ષમાં જ કરોડપતિ બની જતો હોય છે.

ડ્રગ્સ, ગાંજો અને ચરસના કોડવર્ડ
22 સપ્ટેમ્બરના રોજ MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા રાંદેરના દંપતીનો ડ્રગ્સ માટે કોડવર્ડ રજનીગંધા હતો. જ્યારે સુરત શહેરમાં અલગ અલગ કોડવર્ડ પર ડ્રગ્સ મળી રહ્યો છે. જેમાં MD ડ્રગ્સને બટન કોડવર્ડ પણ આપવામાં આવ્યો છે. જ્યારે ગાંજો જડીબુટ્ટી કોડવર્ડ પર મળી રહ્યો છે. આ સાથે ચરસ કાલા સોના તરીકે ઓળખાય છે.

ડ્રગ્સ કોલેજ અને હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓ સુધી પહોંચાડાય છે
આ નશાકારક દ્રવ્યો એવી વસ્તુ છે કે જે એલચીના બે દાણા જેટલી જીભ પર મૂકી દીધા બાદ વ્યક્તિ ભાન ભૂલી જાય છે. કેરિયર મુંબઈથી 5000 હજારની બોટલ (નાનામાં નાની બોટલ) સુરત લાવી 8000માં વેચે છે. તમામ ડ્રગ્સ લગભગ કોલેજ અને હાઈ પ્રોફાઈલ યુવક-યુવતીઓ સુધી પહોંચાડવામાં આવતું હોય છે.

10 ગ્રામ MD ડ્રગ્સનો ભાવ 1 લાખ રૂપિયા
છેલ્લા દોઢ મહિનામાં સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા સાત જેટલા કેસમાં 11થી વધુ આરોપીઓને ડ્રગ્સ કેસમાં ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપીઓ પાસેથી 1.43 કરોડનું 1 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, MD ડ્રગ્સનો 10 ગ્રામનો ભાવ 1 લાખ રૂપિયા સુધી છે. જ્યારે અલગ અલગ ડ્રગ્સ માટે અલગ અલગ ભાવ હોય છે.

સુરતના પેડલરો મુંબઈના મીરા રોડથી ડ્રગ્સ લાવે છે
MD ડ્રગ્સ મુંબઈથી સપ્લાય કરાયું હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં મુખ્ય સૂત્રધારોને પકડવા માટે એક ટીમે મુંબઈમાં ધામા નાખી મુંબઈ ક્રાઇમબ્રાંચની પણ મદદ લીધી છે. સુરતના મોટા પેડલરો ડ્રગ્સ મુંબઈ મીરા રોડથી લાવતા હોવાની આશંકા છે. મીરા રોડ પર નાઝજીરીયન લોકો MD ડ્રગ્સ સપ્લાય કરે છે. અગાઉ ડીસીબીએ એક નાઇજીરીયનને પકડ્યો હતો.

ડ્રગ્સના બે કેસ : મુંબઈ-વાપીના 9 પેડલરો પકડાયા
MD ડ્રગ્સની આખી ચેનલ પકડવા ક્રાઇમબ્રાંચે સલમાન ઉર્ફે અમન ઝવેરીને પકડ્યા પછી સંકેત અસલાલીયા ત્યારબાદ સુફીયાન ઉર્ફે બાબા મેમણ, પ્રજ્ઞેશ ઠુમ્મર, મનોજ ભગત અને હવે આદિલને પકડયો છે. બીજા કેસમાં વિનય ઉર્ફે બંટી પટેલ અને મુંબઈનો રોહન ઝા પકડાયો હતો. જ્યારે આ કેસમાં મુંબઈનો ઉસ્માન શેખ પણ પકડાઈ ચૂક્યો છે.