ચોમાસા પૂર્વે તૈયારી:સુરતના પર્વત પાટીયામાં લોકોના વિરોધ વચ્ચે ખાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ

સુરત8 મહિનો પહેલા
પર્વત પાટીયાના ખાડી બ્રિજને પાલિકા દ્વારા તોડવામાં આવી રહ્યો છે.
  • ચોમાસામાં ખાડીના પાણી શહેરમાં પ્રવેશી જતા હોવાથી પાલિકાની કાર્યવાહી

સુરતમાં પર્વત પાટિયાના માધવબાગ સોસાયટી નજીકના ખાડી બ્રિજ તોડવા આવેલી પાલિકાનો માધવ પાર્કના સોસાયટીવાસીઓએ વિરોધ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. સ્થાનિક લોકોએ મનપાના અધિકારીઓ પાસેથી નોટિસ માગી વિરોધ કર્યો હતો. દર વર્ષે અહીંયા ખાડી પૂર આવતા હોવાથી બ્રિજ બનાવ્યો હોવાની સ્થાનિકોએ દલીલ કરી વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ વચ્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

નોટિસ કે લખાણ આપવામાં આવ્યું નથીઃ સ્થાનિક
નવનીત પટેલ (વૃંદાવન રેસીડેન્સી, રહેવાસી) એ જણાવ્યું હતું કે, આ બ્રિજ પરથી રોજના 50 હજાર લોકોની અવર-જવર રહે છે. આ પુલ કોઈને નડતરરૂપ નથી છતાં તોડવામાં આવી રહ્યો છે. અમે તમામ જગ્યાઓએ રજૂઆત કરી છે. અમને કોઈ નોટિસ કે લખાણ આપવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં 5 હજાર મકાનમાં રહેતા 25 હજાર લોકોની આ પુલ લાઇફ લાઇન છે. છતાં આ બ્રિજ તોડવામાં આવી રહ્યો છે.

બ્રિજ તોડવાને લઈને રહિશોએ વિરોધ નોંધાવ્યો.
બ્રિજ તોડવાને લઈને રહિશોએ વિરોધ નોંધાવ્યો.

પાણી આવવાના રસ્તા બીજા જ છેઃ સ્થાનિક
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, ખાડી પુલ ઉપરથી પૂરના પાણી આવતા નથી. પાણી આવવાના રસ્તા બીજા જ છે. જેને શોધવાને બદલે પુલ તોડવામાં આવી રહ્યો છે. ચાર-પાંચ લોકોના કહેવા પર પાલિકા બ્રિજ તોડી રહી છે એ પણ લીગલ નોટિસ આપ્યા વગર એનો જવાબ આપીશું.

બ્રિજ બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો.
બ્રિજ બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો.

બ્રિજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી
સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પૂરના દ્રશ્યો સર્જાઈ છે. ખાસ કરીને પર્વત પાટિયા પાસે આવેલી માધવબાગ અને તેની આસપાસના વિસ્તારો ખુબ પ્રભાવિત થાય છે. ત્યારે મનપા દ્વારા માધવબાગ સોસાયટીની આગળ ખાડીની ઉપર બંધાયેલો બ્રિજ તોડી પાડવામાં આવી રહ્યો છે. મનપાની ટીમ બ્રિજને બંધ કરીને તોડી પાડવાની કામગીરી કરી રહી છે.

પોલીસ બંદોબસ્ત સાથે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી.
પોલીસ બંદોબસ્ત સાથે બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી.